Get The App

તો ભારતમાં 80% લોકોને અંધત્વ આવતા પહેલા રોકી શકાય !

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
તો ભારતમાં 80% લોકોને અંધત્વ આવતા પહેલા રોકી શકાય ! 1 - image


- 9 ઓક્ટોબર વર્લ્ડ સાઈટ ડે નિમિત્તે બ્લાઈન્ડનેસ બાબતે અંધજનોની સમસ્યાઓ અને અંધાપા નિવારવાની સાવચેતી માટે આંખો ખોલતી થોડી વૈજ્ઞાનિક વાતો !

- અનાવૃત-જય વસાવડા

- સતત સ્ક્રીન સાથે કામ લેવાની આદત હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લેવો જોઈએ, ઉત્તમ પોષણવાળો ખોરાક લેવો જોઈએ અને પુરતી ઊંઘ લઇ આંખોને આરામ આપવો જોઈએ

વેદના, તું અંધ ના કરત વેદના,

તું નેત્ર દે.

કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે,

લે હવે

આવ તું,પેટાવ તું, ઝળહળ બનાવી દે મને

તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,

તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયં

ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે.

તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ,

ક્યાં જવું,ક્યાં થઈ જવું,

કે કઈ રીતે- નક્કી ન ખાસ.

એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,

થીજવ ના, પીગળાવ તું, 

મારે સભર વહેવું હવે

કોક સાવ અજાણ જણ પર એક ભલામણપત્ર દે.

તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવે સીમાડે,

કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે.

ને વતન થઈ જાય મારું, સૃષ્ટિનું સહુ પરગણું,

દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.

અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે.

વેદના, તું અંધ ના કરત વેદના,તું નેત્ર દે.

સિ તાંશુમહેતાની આ લાજવાબ કવિતા છે. દરેક રોગ, દરેક પીડા, દરેક તકલીફમાં ઝઝૂમવાનો પડકાર ઝીલવાની પ્રેરણા આપે એવી છે. બધું સમુસૂતરું હોય, સુખમય જીવન ચાલતું હોય ને પાસા પોબાર પડતા હોય ત્યારે જે બાબતો ઢંકાઈને રહી જાય છે, એ જરાક તકલીફ ને વેદનાનો સમય આવે ત્યારે એના અજવાળે દેખાય છે. પછી એ આપણી ભૂલોનો અહેસાસ હોય કે લોકોની ફરી જતી નજર હોય કે આપણી અંદર પ્રગટતી મુકાબલો કરવાની નવી શક્તિ હોય !

એટલે રીતસર અંધ બનાવી દે એવી વેદના પણ જીવનમાં આવે તો એ પણ એક નવું નેત્ર ખોલી શકે છે. જ્ઞાનીનું નેત્ર. જીવનની અનિશ્ચિતતાના પ્રવાહની સ્વીકાર કરીને કોઈ નવી જ દિશામાં જાતને ઘડવાનું નેત્ર. પીડા કે પ્રોબ્લેમ માત્ર પોતાના વ્યક્તિગત ગણવાને બદલે સમગ્ર સૃષ્ટિના અને માનવજાતના માની એમાંથી માર્ગ કાઢવાનું નેત્ર. દર્દ કા હદ સે ગુજર જાના હૈ દવા હો જાના જેવી વાત છે આ. પીડા જો અસીમ હોય તો પછી ભીતરથી જ ઉજાસની ઉર્જા ઉઠે એને વળોટીને પેલે પાર જતી!

૨૦૦૦ની સાલથી લાયન્સ ઇન્ટરનેશનલના પ્રયાસોથી વર્લ્ડ સાઈટ ડે યુનાઈટેડ નેશન્સ ઉજવે છે, રોકી શકાય એવા અંધાપા યાને પ્રિવેન્ટેબલ બ્લાઇન્ડનેસ માટે.

એક અહેવાલ પ્રમાણે 'ભારતમાં એક કરોડ લોકો એવા છે જે વહેલામોડા અંધ થવાના છે. જેના મેડિકલ રીઝન છે. પણ સારા સમાચાર  એ છે કે એમાંથી ૮૦% લોકો સમયસરની સારવાર મળે તો આંખ બચાવી શકે છે ! પણ જાગૃતિનો અભાવ અને નાણાનો અભાવ એ બે મુખ્ય પંચર છે એ ગાડી આગળ ધપાવવામાં ! ગુજરાતમાં ૬ લાખ એવા પોટેન્શ્યલ બ્લાઈન્ડનેસ તરફ ધસી રહેલા દર્દીઓ છે.' જરૂર અમુક એવા ડોકટરો છે કે જે પૈસા નથી લેતા દર્દીની આર્થિક હાલત બરાબર ના હોય તો, અમુક સર્જરી પાંચેક હજારની ચેરિટીમાં થઇ શકે છે જે એક ફેમિલીનું એક સમયનું ડિનર આઉટીંગ કે મલ્ટિપલેક્સ મૂવીનું બજેટ છે. પણ અન્યત્ર દાન આપનારા દાતાઓને પણ આ બાબતે નિદ્રામાંથી કોઈ ઢંઢોળીને આંખો ખોલતું નથી !

***

મગજ પછી માણસનું સૌથી કોમ્પ્લિકેટેડ ઓર્ગન હોય તો એ છે આંખ. હાથપગ બંધ થાય, અરે વાચા કે શ્રવણ બંધ થાય તો પણ દિમાગ ને આંખ સબૂત હોય તો જીવન માણી શકાય. જેને આંખ કહીએ એ તો બહાર દેખાતું અંગ છે, પણ 'જોવા'નું કામ તો ખરેખર જે કદી બહાર દેખાવાનું નથી એ મગજ કરે છે. ભણવામાં આવી જતું હોવા છતાં ખાલી પરીક્ષાઓ પાસ કરવા જેટલું જાણો તો સમજાય નહિ, એવી રચના ને કાર્યપદ્ધતિ છે રોજબરોજ કામે લાગતી દ્રષ્ટિ યાને સાઈટની.

ઈશ્વરજેમ પ્રકાશના સ્વરૂપે દેખાય એવું જ નજરનું છે. પ્રકાશ વિના તો આપણને સહુને અંધાપાનો અનુભવ થાય ! લાઈટ ઈઝ લાઈફ. પ્રકાશસંશ્લેષણ યાને ફોટોસિન્થેસિસથી ખોરાક બને તો આપણે જીવી શકીએ. એમ જ પ્રકાશ હોય ત્યારે રોડ એન્ડ કોન નામે આંખમાં રહેલા ફોટોરિસેપ્ટર્સ કલર્સ એન્ડ વિઝયુઅલ્સ રચી શકે ! 

આંખનો બહારનો વળાંકવાળો ગુંબજ જેવો ભાગ એટલે કોર્નિયા. પ્રકાશ આંખમાં કોર્નિયા દ્વારા પ્રવેશે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ તરફ જોઈએ છીએ, ત્યારે તે વસ્તુમાંથી પરાવર્તિત થતો પ્રકાશ આંખના આગળના પારદર્શક સ્તરમાં આંખમાં પ્રવેશે છે. કોર્નિયા પ્રકાશને વાળે છે અને તે પછી તે પાછળ એક પાણી જેવા પદાર્થમાંથી પસાર થાય છે. 

પ્રકાશની તીવ્રતા અનુસાર આંખની કીકી યાને પ્યુપિલ પહોળી કે સંકોચાઈને વધ ઘટ થતી ગોઠવાય છે. આઇરિસ યાને ડોળો એ આંખનો રંગીન ભાગ છે, જે તેને નીલો, લીલો, હેઝલ, બદામી કે કથ્થાઈ દેખાવ આપે છે.આઇરિસ ખરેખર સ્નાયુઓથી બનેલું હોય છે, જે વિસ્તરે છે અને સંકોચાય છે જેથી પ્યુપિલનું કદ નિયંત્રિત થાય. તેથી જ્યારે તમે તમારું પ્યુપિલ મોટું કે નાનું થતું જુઓ છો, ત્યારે ખરેખર આઇરિસ પ્રકાશની તીવ્રતાના પ્રતિભાવમાં પ્યુપિલના ખુલ્લા ભાગને નિયંત્રિત કરે છે.

પ્રકાશ પ્યુપિલમાંથી પસાર થઈને તેની પાછળ આવેલા 'લેન્સ' સુધી પહોંચે છે. કેમેરાની માફક જ 

લેન્સ પ્રકાશને પેલા નેત્રપટલના પડદા યાને રેટિના પર ફોકસ કરે છે, લેન્સ તેનો આકાર ગોઠવીને પ્રકાશને બીજી વખત વાળે છે અને ફોકસ કરે છે, જેથી તમે જે જોઈ રહ્યા છો તેની સ્પષ્ટ છબી મળે. આ બિંદુએ, પ્રકાશ બે વખત વળેલો હોય છે 'જેમ તે કોર્નિયામાંથી લેન્સમાં અને પછી લેન્સમાંથી રેટિના સુધી ગયો. આ 'બેવડો વળાંક' ખરેખર છબીને ઊંધી કરી દે છે.

ત્યારે રેટિનાની પેશીમાં ફોટોરિસેપ્ટરનું કામ કરતી  વિશેષ કોશિકાઓ પ્રકાશને વિદ્યુતસંકેતોમાં રૂપાંતરિત કરે છે. આ વિદ્યુત સંકેતો રેટિનામાંથી ઓપ્ટિક નર્વ દ્વારા મગજ સુધી પહોંચે છે. પછી મગજ જેમ મોબાઈલમાં ઈમેજ સેન્ડ કરો ત્યારે પિક્સેલમાંથી ફોટો બની જાય એમ દ્રશ્ય બતાવે છે.  

મગજનું વિઝયુઅલ કોર્ટેક્સ અને અન્ય વિસ્તારો ઊંધી છબી ચત્તી કરીને થ્રીડી સાઈટ આપે છે. 

આ સાઈટ યાને દ્રષ્ટિ અનેક કારણોથી જઈ શકે છે. જન્મજાત અંધ જ બધા હોય એવું નથી. ઘણાખરા અંધત્વના કારણોમાં મુખ્યત્વે મોતિયો, ઝામર અને નબળો જન્મજાત રેટીના કે ત્રાંસી આંખ / લેઝી આય લાગે બાળકમાં એવી જન્મજાત નબળી આંખ એ કારણો હોય છે. પછીનું મોટું કારણ છે અકસ્માત. ફટાકડા બાબતે સાવચેતી રાખવાનું કહીએ તોં તરત સનાતનીઓ હિંદુવિરોધી લેબલ મારવાનો ઉત્સાહ રાખે છે, એટલું ફટાકડા ફોડવા બાબતે શિસ્ત શીખવાડવામાં નથી રાખતા ને દાઝવા ને આંખો કાયમ માટે ગુમાવવાના સેંકડો ગંભીર કેસીઝ દર વર્ષે દિવાળી કે તહેવારોમાં આપણા દેશમાં નોંધાય છે. આ કતારના નિયમિત 'વાચક' એવા પ્રજ્ઞાચક્ષુ સંદીપ રામીએ આંખો ફટાકડા ફોડવામાં ગુમાવી. લાખો કરોડો ખર્ચતા પણ એમને દ્રષ્ટિ મળે એમ નથી. ચક્ષુદાનમાં જેમની કીકી નબળી ને નકામી હોય એવા જ દર્દીઓને આંખ મળે છે. આજે સંદીપભાઈ નિરાશ થયા વિના એ પડકારનો સ્વીકાર કરી બીજા પ્રજ્ઞાચક્ષુઓ માટે મદદરૂપ થાય છે. ને સતત 'ચાંપતી નજર' આયસાઈટ વિના સાચા જ્ઞાન પર રાખીને પ્રેરણા આપે છે ! અમુક કેમિકલ કે એવી ફેકટરીમાં સતત કામ કરવાને કારણે પણ દ્રષ્ટિ ઝાંખી પડે છે.

પણ આંખના વિખ્યાત નિષ્ણાત ડો. અનિમેષ ધુ્રવ ચેતવે છે કે 'ભારતમાં બહુ ઝડપથી દ્રષ્ટિ ખરાબ થવાનું કારણ વધી રહ્યું છે ને એ છે ડાયાબિટીસ. કૂદકે ને ભૂસકે શુગરની બીમારી આસપાસ વધે છે. એક વાર ડાયાબિટીસ થયા બાદ ગમે ત્યારે એની અસર આંખો પર વર્તાય. ધીમે ધીમે નુકસાન થાય. વધતી ઉંમરને લીધે સાઈટ નબળી પડે કે પડદો અસરકારકતા ગુમાવતો જાય એ તો ખ્યાલ આવે કે કુદરતનો એક ક્રમ છે. ઘણાને નંબર પણ વધે ને ઘણાને નથી વધતા. પણ ડાયાબિટીસ સાયલન્ટ સાઈટ કિલર નીવડી શકે છે. એમાં ખરાબ થયેલી આંખોનું આગ જેવું છે, ખબર પડે ત્યારે નુકસાન અટકાવો તો પણ જે થઇ ગયું એ રિવર્સ થતું નથી. એટલે દ્રષ્ટિમર્યાદા સાથે જીવવું પડે છે. વળી એ માટે થતી સારવાર પણ સસ્તી નથી. મોંઘા ઇન્જેકશનો લેવા પડે કે લેસર જેવી સર્જરી કરાવવી પડે. ડાયાબિટીસની આડઅસર વધી જાય તો  એ તકલીફ ને ખર્ચ બેઉ વધે. ને સાજા થવામાં જોખમ પણ. શ્રેષ્ઠ રસ્તો છે, નિયમિત તપાસ કરાવવાની ચીવટ રાખવી. મફતના આગ્રહ સિવાય પોતાની હેલ્થ માટે થોડા પૈસા ખર્ચીને પણ સાવધ રહેવું જેથી ભવિષ્યનો મોટો ખર્ચ અને નિવારી ના શકાય એવું નુકસાન ટાળી શકાય.'

બ્લાઈન્ડ થવાના બીજા મુખ્ય કારણોમાં આગળ છે કેટરેકટ યાને મોતિયો અને ગ્લુકોમા યાને ઝામર. મોતિયો તો નિદાન સમયસર થાય તો આસાન ઓપરેશન છે, ને નવો નેત્રમણિ બેસતા દૂર કે નજીકના નંબર કે બેતાળા નીકળી જાય છે. પણ એ મોટી ઉંમરે જ થાય એવું નથી. નાના બાળકોને પણ હોઈ શકે. એને ટ્રીટ ના કરો તો દ્રષ્ટિ કાયમ માટે ગુમાવવાનો વારો આવી શકે. ઝામર જો વધી જાય તો અમુક ટકા વિઝન જતું રહે છે. પછી સફળ ઓપરેશન થાય તો બાકીનું વિઝન બચે, પણ જે ગયું એ પાછું ના આવે. પણ એક તબક્કા બાદ એનું ઓપરેશન જો ફેઈલ જાય તો આંખ સાવ જતી રહેવી શક્યતા પણ રહે !

મતલબ, વિઝન માત્ર જોવાવાળું જ નહિ, વિચારવાસમજવાવાળું જ હોય તો આંખો બચાવી શકાય છે, ઘણા કેસીઝમાં અંધાપો અટકાવી શકાય છે. ખાલી આંખે પાણી છાંટવું જ પુરતું નથી. સાઈટ સારી રાખવા સતત સ્ક્રીન સાથે કામ લેવાની આદત હોય તો વચ્ચે વચ્ચે બ્રેક લેવો જોઈએ, ઉત્તમ પોષણવાળો ખોરાક લેવો જોઈએ અને પુરતી ઊંઘ લઇ આંખોને આરામ આપવો જોઈએ. ને આંસુ જે કુદરતી રીતે નેત્રને સાફ ને ચમકતા રાખે છે એવા ટીઅર ડ્રોપ્સ જરૂર પડે ખટકે ત્યારે ઉપયોગમાં લઇ પછી કોઈ પણ તકલીફ હોય તો એક્સપર્ટ ડોક્ટરને મળી સાચું નિદાન કરાવી લેવું જોઈએ. આ તો સાવ બેઝિક છે, બેઝિઝક આ ક્ષણે અમલમાં મુકાય એવું !

***  

ભારતમાં નેત્રહીનોની જે સમસ્યાઓ છે એના પર સ્વતંત્ર લેખ લખી શકાય છે.  કેવળ પૈસાના અભાવે આંખ જતી રહે એવું નથી. પણ બેદરકારી પ્રજાની અને ભ્રષ્ટાચાર તંત્રનો એ કોમ્બિનેશન પણ એક બીમારી ને લાચારી છે. અંધજનોને ટિકિટ મુસાફરીની ફરી મળતી હોય એમાં પણ એમના નામે એમને ખબર પણ ના હોય એમ ટિકીટો ઇસ્યુ કરવાના કૌભાંડો ગુજરાતમાં ચાલે છે ને વારંવાર રજુઆતો આધાર સહિત જાણકાર વ્હીસલ બ્લોઅર્સ કરતા હોવા છતાં કોઈ સુધારો નથી થતો એવી ફરિયાદ કરનાર પ્રજ્ઞાચક્ષુ છે ! દરેક કેટેગરીના દિવ્યાંગ બાળકને તેની જરૂરિયાત મુજબના વિશિષ્ટ શિક્ષક મળવાનો હક છે. જોકે, મોટાભાગના બાળકોને વિશિષ્ટ શિક્ષણ માટે વિશિષ્ટ શિક્ષકો મળતા નથી, જેના કારણે તેઓ શિક્ષણથી વંચિત રહે છે અને ભવિષ્યમાં ડ્રોપ-આઉટ થવાનું જોખમ વધે છે.વધુમાં, હાલમાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તેમાંના મોટાભાગના શિક્ષકોએ એક્સટર્નલ (દૂરસ્થ) સ્પેશિયલ બી.એડ.કરેલું હોય છે. દિવ્યાંગ બાળકો સાથેનું કાર્ય સંપૂર્ણપણે પ્રેક્ટિકલ હોવાથી, એક્સટર્નલ ડિગ્રી ધરાવતા શિક્ષકો બાળકોને કેટલો ન્યાય આપી શકે છે અને તેમની જરૂરિયાતોને યોગ્ય રીતે પૂરી કરી શકે છે તે ચકાસવાનો વિષય છે. કેટલીય સરકારી સાઈટ્સ બ્લાઈન્ડ માટે સુલભ નથી. કેપ્ચા આવે ઓળખના તો અંધ વ્યક્તિ કેવી રીતે ઈમેજ ઓળખીને ઓપે રોબોટ નથી માણસ છે એમ સાબિત કરે ?

ખેર, જેમને આંખો છે એ જો સરખી ખોલે તો કમસેકમ નવા અંધ વ્યક્તિઓ ઉમેરાતા મોટી સંખ્યામાં બંધ થઇ શકે એમ છે. જે અંધ છે એમને માટે આશાનું એક કિરણ હમણા જ પહેલી વખત જગતમાં ૫૦૦ અબજ ડોલરના સ્વામી બનેલા ઈલોન મસ્કની બ્રેઈન ચિપ ન્યુરાલીનક છે જેની હ્યુમન ટ્રાયલ હમણાં શરુ થવાની છે. એ સફળ થાય તો અંધાપા અને પેરેલિસિસમાં નવો ઈતિહાસ રચવાનું ભવિષ્ય ઘડી મસ્ક અમર થઇ જશે ! અંધ કવિ હોમર હોય કે હેલન કેલર, ગાયક સ્ટીવ વન્ડર હોય કે પેલા શ્રીકાંત... પ્રજ્ઞાના ચક્ષુ ખુલે પછી મર્યાદા પણ માન બની જાય છે !

ઝિંગ થિંગ

'અંધ વ્યક્તિ જાણે છે કે એની પાસે દ્રષ્ટિ નથી, પણ મૂર્ખ ઉદ્ધત ટ્રોલિયો છાતી આંખે પણ એ જાણતો નથી હોતો!'

Tags :