ક્યારેક વિજય જીતવાનું છોડીને પણ મેળવી શકાય છે!

- અનાવૃત-જય વસાવડા
- સતત જીતવાની ઘેલછામાં આપણે આ નાના નાના સુખ માણવાની ક્ષણો ખોઈ નાખીએ છીએ. વિનર ન બન્યા પણ મિત્રો, સ્વજનો, વ્હાલાઓ સાથે ડિનર લીધું એ નાની સૂની વાત છે ?
ભા રતના જ નહિ, વિશ્વમાં ડંકો વગાડી ચૂકેલા પંડિત રવિશંકર જેમની પાસેથી સિતારવાદન શીખ્યા, અને ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સો વર્ષ જીવ્યા. એમના સંગીતના દીવાના એટલે ઓશો રજનીશ. રજનીશ હજુ યુવાન હતા ત્યારે ઉસ્તાદ અલાઉદ્દીન ખાન પાસે જતા. રજનીશે વર્ણન કર્યું છે કે એમની ઘેર કાયમ મેળા જેવું વાતાવરણ રહેતું. સંગીતના દરેક ક્ષેત્રના ટોચના કલાકારો ને શિષ્યો આવતા. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ધર્મોના તહેવારો ઉજવાતા.
યુવા રજનીશ એમને મળવા ગયા ત્યારે જ બાબા અલાઉદ્દીન ખાન ૯૦ વર્ષની ઉપરના થયેલા રજનીશ ત્યારે ભણતા એમણે એકવાર બાબા પાસે જઈને કહ્યું: 'મને કોઈ એવો સમય તમારો આપો, કે જ્યારે અહીં કોઈ હોય નહિ. તમે તમારી પોતાની સાથે મસ્ત હો'
વૃદ્ધ ઉસ્તાદ હસ્યા ને બોલ્યા: 'અબ તુમ ઉન દિનોં મુજસે છીન લોગે?'
રજનીશે તો એને 'સાચા સંત કહ્યા એવા એ ઉસ્તાદ સાથે ત્રણ દિવસ વીતાવેલા એમણે બાબાને કહેલું કે હું માત્ર આપની પાસે થોડો સમય બેસવા આવ્યો છું. તમારે જે વાંચવું હોય એ વાંચજો. જે વગાડવું હોય એ વગાડજો. મૌન બેસજો કે આરામ કરજો. હું નકામી વાતો નહિ કરું. બસ, થોડો સમય તમારા તરંગો (વાયબ્રેશન્સ) ઝીલીને તૃપ્ત થઈશ!'
રજનીશ તો એટલા સમજદાર હતા કે નિજ એકાંતને આદર આપે જ. પણ ઉસ્તાદનો સવાલ સમજવા જેવો છે એમણે જે કહ્યું કે, 'મારા આ દિવસો પણ લઈ લેશો ?' એ કોઈ પણ વિસ્તારશીલ, સંવેદનશીલ સર્જક માટે મોટી મૂડી હોય છે. એમના મૂડ મુજબ જીવવાના દિવસો! ત્યારે ટીવી મોબાઇલ જીમ બાઇકનું આવું ચલન નહોતું. પણ હવે એવો સમય જ્યાં હળવાશ ને મોકળાશ હોય. રૂબરૂ મળવા આવતા મુલાકાતીઓ ન હોય, હોય તો મૌન રહીને પણ મજા કરી શકે એવા મિત્રો હોય કે પછી ફૂરસદનું એકાંત હોય. જેમાં ફિકસ્ડ ફ્રેમના શેડયુલ ન હોય, ડેડલાઇન પર કામ કરવાની ઉતાવળ ન હોય, એપોઇન્ટમેન્ટસ સાચવવાનું પ્રેશર ન હોય ! લાઇફની સ્પીડ સ્લો હોય, ને એ ગતિ ખુદ તરફ વહેતી હોય. ફિલ્મ જુઓ, વાંચો, મોબાઇલમાં કશીક રમત કરો, સંગીત સાંભળો, ભૂલકાં કે પશુપંખી રમાડો, કે એમ જ આંટાફેરા કરો, સોફા પર આળોટો. વોટએવર યુ લાઇક કશું નહિ તો ઉઠવાની ચિંતા વિના સૂતા રહો !
લંડનના નેશનલ મેરીટાઇમ મ્યુઝિયમની આંતરરાષ્ટ્રીય સમયરેખા પસાર થાય છે, એ ગ્રીનવિચ ખાતે આ વર્ષે જ મુલાકાત લીધી સમયને સમર્પિત એવા આ ટાઇમ કેવી રીતે નક્કી થયો. એના મ્યુઝિયના અંતે કાળાંતરમાં રૂપ બદલતી રહેતી અવનવી 'લેન્ડમાર્ક' ગણાય એવી ઘડિયાળોને સમજાવીને રાખવામાં આવી છે. ત્યાં એક લાજવાબ ચોટડૂક ક્વૉટ હતું.
'સુખ એટલે એલાર્મ મુક્યા વિના ઉઠવાનો વૈભવ !'
***
ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કૌશા કપિલાએ હમણાં એક સરસ વિડિયો મૂકેલો કે, આટલી બધી હેલ્થ ટીપ્સનો રાફડો ફાટયો છે, કિસમ કિસમના ફિટનેસ ને એન્ટી એજીંગ ક્રીમ ને થેરાપી લોકો કરાવે છે, જાતજાતના સપ્લીમેન્ટસ લે છે. કંઈક ખાવાપીવાને કસરતના પ્લાન કરે છે પણ નીંદર જ પૂરી નથી કરતા ! સુહાગરાતે પણ બીજું કંઈ ન કરો, થાકેલા હો તો હગ કરીને સૂઈ જાવ ! આઠ કલાકની બાળક જેવી શાંત ઘસઘસાટ નીંદર પૂરી લો !
યસ, ઘડિયાળના કાંટે ઉઠવું ન પડે રોજ, એવો આરામ, આનંદ ને ઐશ્વર્ય હોય એ જ સાચું સુખ ! પણ કેવી રીતે મળે આ સુખ ? એ માટે થોડુંક છોડવું પડે. થોડીક કમાણી ગુમાવવી પડે. થોડાક પ્રસંગોમાં હાજરી આફવાનું જતું કરવું પડે. થોડીક પ્રસિદ્ધિ, થોડોક મોબાઇલની મોજ, થોડીક વેબસીરિઝ, થોડુંક નાસ્તા કે ભોજનનું ટાઇમટેબલ બધું ઘટાડવું પડે. કુછ પાને કે લિયે કુછ છોડના પડતા હૈ એમ નહિ, નિરાંત અને રિલેક્સેશન ખાતર કશુંક છોડતાં શીખવું પડે એ !
મુદ્દો આળસુ કે કામચોર બની જવું એવો લગીરે નથી. મુદ્દો એ છે કે આપણી હેપિનેસ, આપણી મેન્ટલ પીસ, આપણા મનગમતા આનંદો આપણી પ્રાયોરિટીમાં છે કે નહિ ? કોઈ કામ, કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટસ એટલા માટે તો હોય છે કે એમાંથી જિંદગી જીવવા જેવું મળે. એ જીવન જ જીવવાનું બાજુએ રહી જાય તો શરીર શ્વાસ લેતું યંત્ર બની જાય ! મોટે ભાગે આજકાલ બધા 'લિવિગ લાઇફ'ની પ્રિપરેશનમાં જ વ્યસ્ત છે, ખરેખર જીવવાનું ઘટી ગયું છે. આવો ડ્રેસ પહેરીશું, આમ વાત કરીશું, આમ ફોટો પડાવીશું, વિડિયો ઉતારીશું, આ ગિફ્ટ લઈ જઈશું, આટલા ઓળખીતા છે, આવું ભોજન ઓર્ડર કર્યું છે આ કોન્સર્ટ કે પ્લેની ટિકિટો લીધી છે. ગુડ પણ કાયમ જગતને ઇમ્પ્રેસ કરવાની નોકરી નથી આપણી, એ સમજી લઈશું તો ડિપ્રેશન ઓછું આવશે !
થોડીક સફળતા કે સંપત્તિ બાદ ભલભલા માણસોને ભૂખ હોય છે પ્રસિદ્ધિ અને રેકિગ્નશનની બધા એમને ઓળખે એમનો વટ પડે એમના કાઈ થઈ જાય, બધા સાથે સંપર્ક રહે એમની વાહવાહી થાય, કોન્ટેક્ટસ પબ્લિક રિલેશન, લાવલશ્કર, રસાલા સાથે એન્ટ્રી, ચાહકો વધારવાના, સોશ્યલ નેટવર્કમાં ફોલોઅર્સ વધારવા માટે જે વાઇરલ ને ટ્રેન્ડિંગ હોય એ જ કર્યા કરવાના ધમપછાડા બધા કરતા હોય છે. હવે આ બધી શોધો એટલે થઈ છે કે તમને ગમે, તમને ભીતરથી જે ધક્કો લાગે એ શેર કરો. લોકો શું કહેશે એની પરવા વિના કોઈ સોહામણી સુંદરી ગમી જાય તો એ, કોઈ તમે માણેલી મોમેન્ટ, કોઈ નિકટ સ્વજન માટેની ખુશી, ોઈ સમાચાર સાંભળી થયેલી વેદના. કનેક્ટ થવાની લાહ્યમાં આપણો માંહ્યલો વેચી નથી દેવાનો ફોલોઅર્સને ! નંબર્સ ન વધે તો કાંઈ નહિ, એમને ખાતર પોતે જેવા છો એના પર માસ્ક ચડાવતા રહેશો તો થાક લાગશે એ બેવડી જિંદગીનો એવરીથીંગ ઇન્ડ નોટ એબાઉટ ગ્રોઇંગ બિઝનેસ.
સમથિંગ ફોર સેલ્ફ. પબ્લિકની પરવા વિનાનો મજબૂત મિજાજ અલ્લડ ફક્કડ રંગીલા થઈને પોતાની જાતને કેન્દ્રમાં રાખ્યા વિના બાળક બનીને વિશ્વને નીરખવાની મજા. ઘટનાઓ વચ્ચે ઉભા રહીને ડિટેચ્ડ ન થાવ તો કંઈ નહિ, પણ ઓવરએટેચ્ડ તો ન થાવ, ફાલતુ બાબતો માટે ! તહેવારો ઉજવો, પણ પોતાને પસંદ પડે એમ. બીજાની એપ્રુવલ લેવા સોનાનો હિસ્સો બનવામાં ખજાના જેવા ખુશીના કિસ્સા ખોવાઈ ન જાય એ રીતે !
કરિઅર, સક્સેસ, ગ્રોથ, લર્નિંગ બધું જ જરૂરી છે જીવનમાં, બિલકુલ નકામા નથી પૈસા. એના વગર મરજી મુજબની મજા પણ નહિ રહે અને અંગતનું એકાંત પણ નહિ રહે. પણ એના કલાકો કમિટેડ રહીને જાત નીચોવી ખર્ચ્યા પછી સિલકમાં બાકી શું રહે છે ? વિચાર એ કરવાનો છે. શોખ હોવા જોઈએ જિંદગીના કોરા કેનવાસમાં રંગો પુરવા ! ખાલી થઈ સકાય જેમના પર ભરોસો મૂકી એવા મુઠ્ઠીભર સંબંધો કેવા હોવા જોઈએ. ટાઇ- સૂટ- મેકઅપ- શૂઝ ઉતારી શકાય એવા ખૂણાઓ હોવા જોઈએ ઘરના. બધાને રાજી રાખવામાં કંતાઈ જવાશે. બધા ખુલાસા કરશો તો પણ બધા નહિ માને. પોપ્યુલારિટી પણ એક એડિક્શન છે. પછી લોકોમાં બધી રીતે પ્રિય રહેવા માટે બનાવટી નમ્રતાના અંચળા પહેરવા પડશે. સતત ડાયાબિટિક જીભ હોય કે ટેરવા હોય એમ મીઠું મીઠું ચાવળુ ચાંપલુ બોલ્યા લખ્યા કરવું પડશે. કેટલાક લોકો આજીવન આભારવિધિ કરતા હોય, એમ પોચાપોચા થઈને બધાના વખાણ કરી એમની ગુડબૂકમાં રહેવા મથે છે. કેટલાક ઘડીઘડી સમાજ કે રાષ્ટ્રના હિતચિંતક થઈ દુનિયાભરના વિવેચક બની બેસે છે ને વગર પૂછ્યે અદાલત જેવા ચુકાદા સંભળાવ્યા કરે છે. કેટલાક મનમાં ભવે ને મૂંડી હલાવે જેવા નાટકિયા હોય છે. મને એવોર્ડ ગમે નહિ, મને વિદેશપ્રદેશ ફાવે નહિ. મને તો મારું ગામડું ભલું ને મારા પુસ્તક ને પરિવાર ભલા એવા તાળીઓ પડાવવા માટે સ્ક્રિપ્ટેડ ડાયલોગ બોલતા બોલતા ઠેકડો મારીને એવોર્ડ ને સન્માન લેવા મંચ પર રહી એના ફોટો- વિડિયો પણ શેર કરે છે, ફલાંગ મારીને ફ્લાઇટમાં ચડી પરદેશ પણ પહોંચે છે, ને ત્યાં પહોંચ્યા પછી એમની પાસે ત્યાં શું જોયું એનો એજન્ડા નથી હોતો માત્ર પોતે શું પરાક્રમ કર્યું એથી જ બધાને પ્રભાવિત કરી દેવાની ખંજવાળ હોય છે. આવા લોકો માટે લાઇફ એક પીઆર જોબ છે. પ્લેઝર એન્ડ જોય નથી.
***
ફિનલેન્ડની એક ફિલ્મ હતી. ૨૦૧૬માં આવી હોવા છતાં જૂનો જમાનો ઉભો કરવા બ્લેક એન્ડ વ્હાઇટમાં બનાવેલી. જરા વેગળી, ધમાધમ મસાલા વગરની બિલકુલ હટ કે. બહુ મોટી વાત કહી દેવાના ભાર વિનાની જાણે જીવનની એક બારીમાં ડોકિયું કરાવતી હોય એવી. ને વળી સત્ય ઘટનાત્મક ! ધ હેપિએસ્ટ ડે ઇન ધ લાઇફ ઓફ ઓલિ માકી !
ફિલ્મ એક એવી બોક્સિંગ ટ્રુ સ્ટોરી બાયોપિક છે, જેમાં બોક્સિંગ સેકન્ડરી કેસ એક બોક્સરની રિયલ લાઇફ સ્ટોરી વાળી સ્પોર્ટસ ફિલ્મ હોવા છતાં ટિપિકલ એવી અન્ડરડોગ સ્ટોરી (સંઘર્ષ બાદ મોટા હરીફને કમજોર હીરો હરાવે) નથી. અને એનો ક્લાઇમેક્સ પણ બોક્સિંગ રિંગ મેચમાં નથી. ડાયરેક્ટર જુઓ કુઓસ્માન ફિનલેન્ડના એ જ નાના ગામમાંથી આવે છે, જ્યાંથી બોકસર આલિ માકી આવેલો.
કથાનક કંઈક આવું છે, ને રિયલ લાઇફમં બનેલું છે ઓલિ માકી ફિનલેન્ડમાં નેશનલ લેવલ પર પહોંચેલો બોક્સર અને વર્લ્ડ ફીધરવેઇટ ટાઇટલના અમેરિકાના ધુરંધર બોક્સર ડેવી મૂર સામે ઓલિનો મેચ ગોઠવાયો છે. ફિનલેન્ડ સ્પોર્ટ્ની સ્પોર્ટસ હિસ્ટ્રીમાં આ બહુ મોટો દિવસ છે કે એક સ્થાનિક બોક્સર વર્લ્ડ ચેમ્પિયન ટાઇટલ માટે ઘરઆંગણે હેલસિન્કીમાં એક સુપરસ્ટાર વિશ્વ વિખ્યાત બોક્સરનો મુકાબલો કરે ! ઓલિનો મિત્ર અને મેનેજર એલાઇસ બહુ એક્સાઇટેડ છે. આ ગેમ માટે ને ઓલિને બરાબર તૈયાર કરવાની જવાબદારી એના માથે છે. મહત્ત્વકાંક્ષી, ગો ગેટર અને ધંધામાં કાબેલ એલાઇસ ઘેર બાળકોને સમય નથી આપી શકતો પૂરતો. પણ ઓલિને બિગ ડે માટે પુશ કરે છે. ઓલિએ (આપણી વિનેશ ફોગાટ સાથે થયેલું એમ) ટૂંકા ગાળામાં વજન પણ ઘટાડવાનું છે.
પણ ઓલિનું ચિત્ત ચકરાવે આ સ્પર્ધાને લીધે નહિ પણ ઇશ્કને લીધે ચડયું છે. થોડા સમય પહેલાં વતન લગ્નમાં ગયેલો ત્યાં દેખાવડી, માસૂમ આંખો અને ખીલેલા ગુલાબ જેવા સ્મિતવાળી યુવાન શિક્ષિકા રાયા એને ગમી ગઈ છે, ને એને લાગે છે કે રાયાને એ ગમે છે. રાયા એની વાતો સાંભળે છે, મળવા આવે છે, એની ફિકર કરે છે. ઓલિનો જીવ બોક્સિંગમાં ચોંટતો નથી પણ ડાહ્યા શિસ્તબદ્ધ વ્યક્તિ તરીકે મહેનત કરે છે. મેનેજર એલાઇસ એને બીવડાવે છે, ચેતવે છે પણ પ્રેમ તો માવઠાની જેમ પૂછ્યા વગર અણધાર્યો વરસતો હોય છે.
ફિલ્મ બખૂબી દુનિયાને દેખાડવાના પ્રદર્શન સામે અંદર ફૂટતી અંગત મહોબ્બતનું દર્શન વચ્ચેનો કશ્મકશ બતાવે છે. લોકોની નજર બોક્સર ઓલિ પર છે સ્પોન્સર લોકો એને ડિનર માટે બોલાવે છે ત્યારે એનો જીવ રાયા સાથે એકાંતમાં ગોઠડી કરવા તલસે છે. રાયા શહેર આવે છે, પણ પોતે આડખીલી બને છે એવું લાગતા ગામ ચાલી જાય છે. ઓલિ એની ગેરહાજરીમાં વધુ ફોકસ્ડ રહેવાને બદલે વધુ વિહ્વળ બને છે ! એ કોઈ અનુભવી ખેલાડી પ્યારનો નથી. લોકોની નજર એના એકાંતને ભરખી જાય છે, ને પોપ્યુલર ટાઇટલમાં લવનો લોસ જશે, એની એને ચિંતા છે બધા સતત ભલે ફેન કે વેલવિશર પીઠે તમારી આસપાસ હોય ત્યાં કોઈ પ્રિયજન સાથે મનગમતી પળો કેમ માણી શકે ?
પ્રમોશનના ભાગરૂપે મિસ ફિનલેન્ડ બનેલી સુંદરી સાથે એને ફોટોશૂટ કરવાનું છે. તો પણ એને રાયાની યાદ આવે છે. ઓલિ સીધોસરળ ઇન્સાન છે એ રાયા સાથે ફરવા જાય છે ત્યાં પોતાની સિદ્ધિ- પ્રસિદ્ધિની વાતો કરવાને બદલે તળાવના શાંત પાણી પર પથ્થરને ઠેકાવવાની રમત રમે છે એક દ્રશ્યમાં એ પતંગ ઉતારવાની મહેનત કરી પતંગને ફાટી જતાં અટકાવે છે, ને એની સંગાથે લહેર કરે છે અર્થાત્ બોક્સિંગ એને ગમે છે, પણ એની દુનિયા કેવળ એની કરિઅરમાં સીમિત નથી. એનો આનંદ માત્ર સફળતા નથી. સક્સેસ સિવાય પણ હેપિનેસ હોઈ શકે છે, હોવી જોઈએ એ બાબતે એ સભાન છે, સહજ છે.
રિયાલિટીમાં થયું એ ફિલ્મમાં પણ છે. વર્લ્ડ ચેમ્પિયન ડેવી મૂર સામે ઓલિ મહેનત કરી, વજન ઘટાડી ઉભો તો રહે છે. પણ ટકી નથી શકતો (ડેવી મૂર બીજા વર્ષે ઇજાગ્રસ્ત થઈ ગયેલો, જેના પરથી નોબલ વિજેતા બોબ ડાયલને હુ કિલ્ડ ડેવી મૂર ? સોંગ બનાવેલું !) યે તો હોના હી થા ! પ્રેમમાં ન પડયો હોત તો પણ એ જીતવાનો હોય એવા ચાન્સ હતા નહિ. પોઇન્ટ હવે એ છે કે મેચ વહેલો પૂરો થાય છે ને એ રાયાને પ્રપોઝ કરવા, મળવા ભાગે છે. આખા દેશની આશા ને દુનિયાની નજર હોય, ત્યારે હારવાને લીધે એ દિવસ એના જીવનનો ગમખ્વાર, સેડેસ્ટ ડે હોવો જોઈએ પણ એ દિવસ એને રાયા પરણાવાની હા પાડે છે !
યે બાત. એમ્બિશન, યાને મહત્વકાંક્ષાની પણ કોઈ મર્યાદા હોય. જગત જીતવામાં સિકંદરો ને નેપોલિયનો ને હિટલરો પ્રેમની પળોનું સૌંદર્ય માધુર્ય ખોઈ બેઠા હતા ૅ! દુનિયાને દેખાડાય એ જ સફળતા નથી, દિલમાં ખુશી થાય એ પણ એક પ્રાપ્તિ છે. પૂર્ણતા છે. ભલે વિજય ન મળ્યો મોટો, પણ ગમતુંકશુંક મળ્યું એ ય જીત જ છે ને ! સતત જીતવાની ઘેલછામાં આપણે આ નાના નાના સુખ માણવાની ક્ષણો ખોઈ નાખીએ છીએ. વિનર ન બન્યા પણ મિત્રો, સ્વજનો, વ્હાલાઓ સાથે ડિનર લીધું એ નાની સૂની વાત છે ? વર્ક લાઇફ બેલેન્સની આવી સક્સેસ- હેપિનેસની સંતુલનમાં છે.
ફિલ્મ બની ત્યારે ડાયરેક્ટર જુઓ કુઓસમાનેને છેલ્લા સીનમાં અભિનેતા અભિનેત્રી ઓલિ- રાયા સામે પસાર થતું એક વૃદ્ધ પણ એકમેકના હાથમાં હાથ પરોવી ચાલતું દંપતી બતાવ્યું છે એ રિયલ લાઇફના ઓલિ- રાયા છે ! (અલ્ઝાઇમરથી ઓલિનું ૨૦૧૯માં અવસાન થયું, રાયા હજુ જીવે છે !)
અને એ સીનમાં પડદા પરની રાયા ઓલિને પૂછે છે, 'આપણે ભવિષ્યમાં આવા રહીશું ?' ઓલિ કહે છે: 'ઓલ્ડ ? ઘરડા ?' રાયા કહે છે, 'ના, ખુશખુશાલ !'
યસ, દોસ્તો એક વિજય આ પણ છે દુનિયા પોતાની સ્વાર્થી તૃષ્ણામાં તમને ખેંચી લે, તમારું મૂળ તત્ત્વ જ ચૂસી લે. તમને સફળતાના ને ઉપલબ્ધિના નશામાં મદહોશ કરે ત્યારે એની સામે વિપ્લવ કરીને આપણને મજા પડે એને જીવી લેવાની જીત ! પ્રેમની, આનંદની, માસૂમિયતની થોડી મોમેન્ટસ જાળવી લેવાની વિક્ટરી ! ફિનલેન્ડ દુનિયાનો હેપિએસ્ટ દેશ છે. (ના, ભૂતાન નથી હવે !) કારણ કે, એ પણ આવો જ છે. અમેરિકનાઇઝ્ડ કોમર્શિયલ ઝાકઝમાળના તામઝામથી દૂર, પોતાની રીતે પોતાના જંગલોને સરોવરોમાં મસ્તીથી જીવતો... એ આર્થિક મહાસત્તા ભલે નથી, એના લશ્કર કે ચલણના ઝંડા ભલે ફરકતા નથી - પણ ખાલી ઠઠારાની આ બનાવટી દુનિયામાં અસલી શિક્ષણને સુખથી જીવવાનું એ દેશની, એ પ્રજાની ચોઇસ છે !
સારું છે, ફિલ્મ જોતાં પહેલાં જ વિજયાદશમીએ જન્મેલા આ જીવને આ સત્ય જડી ગયું છે ! તરવાથી કિનારા મળે છે, પણ ક્યારેક ડૂબવાથી પેટાળમાં છુપાયેલા ખજાના મળે છે.
ઝિંગ થિંગ
''સૌ પથ્થરોના બોજ તો ઉંચકી લીધા અમે
અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દો !''
(મરીઝ)

