ઓલિમ્પિક માટે પેરિસની જીવાદોરી સીન નદીને સ્વચ્છ કરવાનોે પ્રયાસ
- મીડ વીક- હસમુખ ગજજર
- એક જળસ્ત્રોતને બગાડી નાખવામાં આવે પછી તેને સુધારવો કેટલો અઘરો છે પેરિસની સીન તેનું ઉદાહરણ છે.
ઓ લિમ્પિકની યજમાની માટે વર્ષો પહેલા તૈયારીઓ કરવી પડતી હોય છે. ઇવેન્ટ આયોજનો માટે દુનિયામાં ફેમસ પેરિસ શહેર પાસે અનુભવની કમી ન હતી પરંતુ સીન નદીમાં પ્રદૂષણ સૌથી મોટો પડકાર હતો. ખેલ મહાકુંભમાં તરણ સ્પર્ધાઓ પણ એક મોટો ભાગ રહી છે જો તેનું આયોજન સીન નદીમાં કરવું હોયતો નદીનું પાણી ઇ કોલાઇ બેકટેરિયા જેવા જીવાણુઓ વગરનું હોવું જરુરી હતું. ગંદા પાણીમાં તરવાથી નાક અને મોં દ્વારા બેકટેરિયા શરીરમાં જાય છે. આથી ટાઇફોઇડ,કોલેરા,વાયરલ હેપેટાઇટિસ અને ડાયેરિયા જેવી બીમારી થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા અનુસાર વિશ્વમાં ગંદા પાણીના લીધે ૮૦ ટકા બીમારીઓ થાય છે. પાણીમાં રહેલા કેટલાક પ્રકારના ઇ કોલાઇ સંક્રમણથી ડાયેરિયા પ્રકારની બીમારીઓ પણ થાય છે. નદી સાફ કરવીએ ઓલિમ્પિકની ઉમેદવારીનો એક ભાગ હતો.આથી ફ્રાંસ સરકાર અને પેરિસના મેયરે પાંચ વર્ષ પહેલા જ જાહેરાત કરી હતી કે પેરિસ ઓલિમ્પિક માટે સીન નદીને એટલી સાફ કરવામાં આવશે કે ઓલિમ્પિક રમતવીરો નદીમાં તરી શકશે. વિવિધ પ્રકારની સ્વિમિંગ સ્પર્ધાઓનું પણ આયોજન થઇ શકશે. ૧૯૦૦માં પેરિસે પ્રથમવાર ઓલિમ્પિકની યજમાની કરી ત્યારે પણ નદી સાફ કરવામાં આવી હતી. પેરિસની સીન નદી શહેરના રોમાન્ટિક જીવનશૈલીની સાક્ષી રહી છે. ૭૮૦ કિમી લાંબી નદી ફેશનેબલ શહેરમાંથી પસાર થઇને ચાર ચાંદ લગાવી દે છે. જેમ થેમ્સ નદી લંડન માટે છે તેમ સીન પેરિસિયનોના જીવનનો અનિવાર્ય ભાગ છે. ડીજોનના ઉત્તર પશ્ચિમમાં ૩૦ કિમી દૂર સીનનું ઉદ્ગમ સ્થાન છે. યુરોપની આ મહાન નદી લે હાવરે પાસે ઇગ્લીશ ચેનલને મળે પહેલા પેરિસમાંથી ઉત્તર પશ્ચિમ દિશામાં વહે છે. સીનના કિનારે સદીઓ જૂના યુનેસ્કો દ્વારા સુરક્ષિત સ્થળો વિના પેરિસની કલ્પના થઇ શકતી નથી. લુવ્ર મ્યુઝિયમ અને એફિલ ટાવરનું નિર્માણ નદીના કિનારે થયું છે. સીન નદીનો ઇતિહાસ પેરિસ કરતા પણ જૂનો છે. બે હજાર વર્ષ પહેલા એક સેલ્ટિક જનજાતિએ અહીં માછલી પકડનારાઓ માટે ગામ વસાવ્યું હતું. સદીઓથી સીન નદી અત્યંત ઉપયોગી વેપારી જળમાર્ગ માટે જાણીતી હતી.
સીનની સ્વચ્છતા માટે ઓલિમ્પિક ભલે નિમિત્ત બન્યો હોય પરંતુ વિચાર સાવ નવો ન હતો. ૧૯૯૦માં પેરિસના મેયર અને પછીથી ફ્રાંસના પ્રમુખ બનેલા જેકસ શિરાકનું પણ સપનું હતું. શિરાકનું વર્ષ ૨૦૧૯માં અધૂરા સપના સાથે અવસાન થયું હતું. પેરિસ વિશ્વના ઘણા જૂના શહેરોની જેમ સંયુકત ગટર વ્યવસ્થા ધરાવે છે. જેનો અર્થ કે શહેરનું ગંદુ પાણી અને વરસાદી પાણી એક જ પાઇપમાંથી વહે છે. ૧૯૮૦થી ગટર નેટવર્કને સુધારીને આધુનિકરણના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સ્પિલવે ઓટોમેટેડ અને વાલ્વ સાથે ફિટ કરવામાં આવ્યા હતા. સીન નદીમાં ટ્રિટમેન્ટથી શહેરના ગંદા પાણીના જથ્થામાં ઘટાડો થયો પરંતુ સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરી શકાઇ ન હતી. પીવાના પાણીથી લઇને ફાઇબર ઓપ્ટિકલ કેબલ સુધીનું બધુ જ વહન કરતી જૂની ગટર વ્યવસ્થા ભૂલ ભૂલામણી જેવી છે.
વધારાનું વરસાદી પાણી કેવી રીતે વાળવું અને ઘરેલું તથા ઔધોગિક ગટરનું પાણી સીનમાં ભળે નહી તે અત્યંત ખર્ચાળ અને જટિલ એન્જિનિયરિંગ પડકાર હતો. ૨૦૨૩માં ઉનાળા દરમિયાન સેન્ટ્લ પેરિસમાં નદી પરના સંભવિત ઓલિમ્પિકસ સેરેમની સ્થળની નજીક પાણીના ૯૦ ટકા નમુનાઓ સ્વિમિંગ માટે અનૂકૂળ જણાયા ન હતા. વરસાદ પડયા પછી ઘણા દિવસો સુધી સીન નદીનું પાણી તરવાલાયક રહેતું નથી એ પેરિસ માટે કોઇ નવાઇની વાત ન હતી. સીવર ઓવરફલો થવાથી કૂતરા અને બિલાડા જેવા જાનવરોના મળમૂત્ર વહેવાની શકયતા રહે છે. નદીમાં ભળતા દૂષિત પાણીથી ઇ કોલાઇનું પ્રમાણ ખૂબ વધી જાય છે. વર્લ્ડ ટ્રાયથલોન ફેડરેશને તરણ સ્પર્ધાઓ માટે ઇ કોલાઇનું પ્રમાણ ૧૦૦ મિલીમીટર દિઠ ૯૦૦ જેટલું નિર્ધારિત કર્યુ છે. સૂર્યના અલ્ટાવાયોલેટ કિરણો પાણીમાં રહેલા ઇ કોલાઇને મારી નાખે છે પરંતુ ઓલિમ્પિકના સમયગાળા દરમિયાન જો વરસાદ પડે તો તેનું દૂષિત પાણી નદીમાં ના જાય તેની તકેદારી રાખવી જરુરી બને છે. પેરિસમાં સામાન્ય રીતે વર્ષમાં ૪ થી ૫ વાર ભારે વરસાદ થાય છે આવા સંજોગોમાં સીન નદીમાં સીવેઝનું પાણી વહેતું અટકાવવા વરસાદી પાણીને એકત્ર કરીને ગંદા પાણીને સીનમાં પ્રવેશતું અટકાવવા ભૂગર્ભ જળ સંગ્રહ બેસિન બનાવવામાં આવ્યા હતા. દક્ષિણ પૂર્વીય પેરિસમાં વિશાળ ભૂગર્ભ વરસાદી પાણીના સંગ્રહના ટાંકા નિર્માણ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
ગત મે મહિનામાં પેરિસના અધિકારીઓ દ્વારા ઓસ્ટરલિટ્ઝ ટ્રેન સ્ટેશનની બાજુમાં એક વિશાળ ભુગર્ભજળ સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બેસિન ઓલિમ્પિકના ૨૦ સ્વિમિંગ પૂલના પાણી જેટલી ક્ષમતા ધરાવે છે.
વરસાદી પાણીને કેચ કરીને નદીમાં જતું અટકાવવા માટેના ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ ૧.૪ બિલિયન યુરો જેટલો લખલૂટ ખર્ચ કરવામાં આવ્યો હતો. પેરિસના કેટલાક લોકો સીનના સફાઇ અભિયાન પાછળ આટલા બધા નાણા ખર્ચવા બાબતે ગુસ્સામાં હતા. ૧૦૦ વર્ષથી તરવા માટે પ્રતિકૂળ નદીનું પાણી ખરાબ જ રહેવાનું છે એમ માનતા હતા. પેરિસ ઓલિમ્પિકસના ૩ અઠવાડિયા પહેલા પાણીની ગુણવત્તાના અહેવાલને ટાંકીને વિવાદ પેદા થયો કે જેમાં એક સદી કરતા પણ વધુ સમયથી તરવું ગેર કાયદેસર છે એ સીન નદી એથલેટ્સને તરવા માટે પૂરતી સ્વચ્છ હશે ? આશા અને હતાશાના માહોલ વચ્ચે જ પેરિસના મેયરે નદીમાં ડૂબકી લગાવી હતી. છેવટે ૯૦ બોટમાં ૭૦૦૦ એથલેટસની પરેડ સાથે સીન નદી પર ઓલિમ્પિક સેરેમની આયોજિત થઇ હતી. વરસાદના માહોલ વચ્ચે ઐતિહાસિક પોટ એલેકઝાન્ડર પુલ પાસે ં મહિલાઓની વ્યકિતગત તરણ સ્પર્ધા પણ યોજાઇ.આ તરણ સ્પર્ધામાં ફ્રાંસની કેસંડ્રે બ્યૂગ્રેંડે
સુવણચંદ્રક જીત્યો હતો, જયારે સ્વિત્ઝર્લેન્ડની જૂલી ડેરોન અને ગ્રેટ બ્રિટનની બેથ પૉટર ક્રમશ સિલ્વર તથા કાંસ્યચંદ્રકની હકકદાર બની હતી. આ સાથે જ સીન નદીમાં તરણનો હેતું પાર પડયો હતો. ત્યાર બાદ મિકસ રિલે ઇવેન્ટમાં ગ્રેટ બ્રિટનના એલેકસ યીએ પુરુષોની સ્પર્ધામાં સુવર્ણપદક મેળવ્યો હતો. જો કે ઓલિમ્પિકની તરણ સ્પર્ધાઓ હજુ બાકી રહી છે. પેરિસના ઉપરવાસમાં વરસાદ થવાથી પાણીની ગુણવત્તાને લઇને ઓલિમ્પિક માટે ૩ ઓગસ્ટે ટ્રાયથલોન ઇવેન્ટની તાલીમ રદ કરવી પડી હતી. ઓલિમ્પિકના બાકી રહેલા દિવસો દરમિયાન સીન નદીમાં સ્વીમિંગ ઇવેન્ટ નદીમાં કેવી રીતે
યોજાશે તે અંગે સવાલ ઉભો થયો છે. હા અને ના ની બંને શકયતા વચ્ચે પણ સીન નદીને સાફ કરવાનો પ્રયત્નો થયો છે તે અવશ્ય યાદગાર છે. એક જળસ્ત્રોતને બગાડી નાખવામાં આવે પછી તેને સુધારવો કેટલો અઘરો છે પેરિસની સીન તેનું ઉદાહરણ છે. શહેરો આધુનિક બન્યા, જીવનશૈલી મોર્ડન બની, સેનિટેશન નેટવર્કમાં ફેરફાર થયો છતાં સ્વચ્છતાના પડકારો હજુ ઉભાને ઉભા જ છે.