ભારતમાતા કી જય .

Updated: Jan 24th, 2023


વહેતું જીવન - ડૉ. હર્ષદ કામદા

ગોળીબાર અને ગ્રેનેડથી તમામ દુશ્મનોનો સફાયો કરી ઉપરની અગત્યની ચોકી સુધી પહોંચી તિરંગો લહેરાવતા તેમના ચહેરા પર અનોખો આનંદ અને સંતોષ છવાઈ ગયા

'બેટા, હવે તું જવાનમાથી સૂબેદાર બની ગયો છે, તારા માટે અનેક સારી કન્યાઓનાં માંગા આવે છે.' હરિસિંહના પિતાએ તેના બેટાને લગ્ન માટે તાકીદ કરી.

'બાપુ, મારે તો માભોમ માટે ફના થવું છે, આવનારી પત્નીને જીવનભર તકલીફ પડે તેવું નથી વિચારતો.' હરિસિંહે પોતાના મનમાં રહેલો વિચાર રજૂ કર્યો. 

'બરાબર છે બેટા, પણ દરેક જવાન લગ્ન તો કરે જ છે ને' પિતાએ સમજાવતા હરિસિંહ આખરે તૈયાર થયો.

રૂપાળી કન્યા રૂપાદેવીને પસંદ કરી પહેલા જ ખુલાસો કર્યો, 'અમારું સૈનિકોનું નક્કી નહીં, યુદ્ધમાં શહીદ પણ થઈ જવાય.'

રૂપાદેવી ચિંતામાં તેને તાકી રહ્યા પછીથી બોલ્યા, 'ભારતમાતા માટે શહીદ થનાર સૈનિકની પત્ની કહેવડાવતાં મને ગર્વ થશે.' પણ તેણે ચહેરો આડો કરી આંખો લૂછી લીધી.

બંનેની સગાઈ નક્કી થઈ અને લગ્ન માટેની તારીખો નક્કી થઈ.

સૂબેદાર હરિસિંહ યાદવના પિતા પણ ફોજમા લડયા હતા. કોલેજથી જ હરિસિંહને સપનું હતુ કે હું પણ દેશ માટે લડુ અને ફોજમા જ ભરતી થાઉં.

ડિગ્રી લીધા પછી સૈન્યની ભરતી માટે ગયા, બે વખત ફેઇલ થયા, પણ હિંમત ના હાર્યા, અંતે ત્રીજી વખતે સિલેક્ટ થઈ ગયા. એક વરસની સખત ટ્રેનિંગ પછી તેમને કશ્મીરવેલીમાં પોસ્ટીંગ થયું. મે મહિનામાં તેમના લગ્ન થયા. તેને માટે એક મહિનાની રજા માંગી હતી, પણ તેના ઓફિસરે ફક્ત વીસ જ દિવસની રજા મંજૂર કરી.

તે વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધો સુધરી રહ્યા હતા, પ્રધાનમંત્રી અટલબિહારીજીએ બંને દેશો વચ્ચે બસમાં લાહોર સુધી મુસાફરી કરી હતી, પરંતુ અચાનક પાકિસ્તાનનાં શાસકોએ કારગિલની ચોકીઓ પર કબ્જો કરી લીધો. હજુ લગ્નને સાત જ દિવસ થયા હતા, અને ઓર્ડર આવ્યો, તાત્કાલિક ડયૂટી જોઇન કરો. 

હજી તાજા જ લગ્ન થયા હોવાથી બંને હનીમૂન ગોવામાં પતાવીને ઘેર આવ્યાને એક જ દિવસ થયો હતો.

હરિસિંહના મોબાઈલ પર ઓફિસરનો ઓર્ડર આવ્યો, 'સૂબેદાર હરિસિંહ, તત્કાલ ડયૂટી જોઇન કરો, પાકિસ્તાને કારગિલ પર હુમલો કરી દીધો છે.' 

રૂપાદેવી આ સાંભળી સુન્ન થઈ ગયા. તેમણે હરિસિંહને વિનંતી કરતાં કહ્યું, 'હજુ આપણાં લગ્નને સાત દિવસ જ થયા છે. તમારા ઓફિસરને અરજી કરી મહીનાનો સમય માંગો. મને તમારી સાથે રહેવાનો કોઈ મોકો જ નથી મળ્યો.' કહેતા કહેતા રડી પડયા. 

હરિસિંહ તો દેશસેવા કરવા મક્કમ હતા. તેમણે સામે જવાબ આપ્યો, 'મે લગ્ન પહેલા જ તાકીદ કરી હતી, અમારું જવાનોનું કંઈ જ નક્કી ના હોય. અત્યારે માભોમ ઉપર દુશ્મનોએ હુમલો કરી દીધો છે, ત્યારે મારી ફરજ બને છે કે મારે તાત્કાલિક રક્ષા કરવા પહોચી જવું.'

બીજા દિવસે માતપિતાએ અને રૂપાદેવીએ ભારે હૈયે વિદાય આપી, માથે તિલક કરતાં માતાએ હિંમત આપતા કહ્યું, 'બેટા, વિજયી બનીને જ આવજે, દુશ્મનોથી ડરીને પીઠ બતાવી ભાગી ના આવતો.'

'ના ના મા, આપણો વિજય ચોક્કસ જ છે, માભોમ માટે ફના થતાં મને આનંદ થશે.' બોલતા હરિસિંહ ઉત્તેજિત થઈ ગયો.

આટલો દેશપ્રેમી અને શુરવીર બેટા બદલ માતપિતા ગર્વ અનુભવી રહ્યા.

હરિસિંહની બટાલિયનને કશ્મીરથી દ્રાસ સેક્ટરમાં મૂકી દીધી. હરિસિંહ તો યુદ્ધમાં દેશની રક્ષા કરવાનો મોકો મળેલ છે તેમ વિચારી ખુશ થઈ તૈયારીમાં પડી ગયા, પણ તેમના પત્ની અને માતા પિતા રડી પડયા, આ યુદ્ધમાં તું પાછો ફરીશ કે કેમ ? તેની ચિંતામાં પત્નીની ઊંઘ અને ભૂખ ગાયબ.

તેમની બટાલિયનને સૌથી ઊંચી ટાઈગરહિલ પર કબ્જો કરવાનું સૌથી મુશ્કેલ કામ સોંપાયું. કારગિલનાં ઊંચા પહાડોમાં ચારે તરફ બરફ છવાયેલો તેમાં ઊંચી ટોચ છે ટાઈગર હિલ. રાત્રે જ કુચ કરીને ઉપર ચડવું શક્ય. દિવસે બંકરમાં કે મોટી શિલા પાછળ છુપાઈને બેસી રહેવાનુ.

  સિત્તેર હજાર ફિટ ઊંચાઈ, આક્સીજન બિલકુલ નહિવત.  ઊભી પહાડી પર એકબીજાનાં હાથ પકડીને ઉપર ચડવા માંડયા. બે રાત્રિ અને એક દિવસ ચડતા રહી ટોચ પર ફક્ત છ જવાનો ઉપર ચઢીને ચાર પાકિસ્તાનીને મારી પાડયા. ટોચ પરથી પાકિસ્તાની સેનાએ ગોળીઓ અને બોમ્બ ફેંકવાના ચાલુ કરી દીધા.

ફક્ત છ જણા જ ઉપર હતા, તે લોકો દોડીને દુશ્મનના બંકર તરફ કુચ કરી ગયા. એક પછી એક જવાન શહીદ થતાં ગયા. દુશ્મનોના ચૌદ જવાનો માર્યા ગયા. એક જવાને પાછળ જઈ ચોકીના કમાન્ડરને જાણ કરી. એક સાથે પાત્રીસ દુશ્મનો LMG લઈને મારવા દોડયા, પણ પીઠ બતાવીને ભાગવું હરિસિંહના  સ્વભાવમાં ન હતું.

એકી શ્વાસે આગળ વધતાં રહી ગોળીબાર અને ગ્રેનેડથી તમામ દુશ્મનોનો સફાયો કરી ઉપરની અગત્યની ચોકી સુધી પહોંચી તિરંગો લહેરાવતા તેમના ચહેરા પર અનોખો આનંદ અને સંતોષ છવાઈ ગયા.

છેલ્લા શ્વાસે 'જય હિન્દ' અને 'ભારતમાતા કી જય'નાં નારા સાથે દેશની રક્ષા કરતાં તેમનો દેહ અનંતમાં વિલીન થઈ ગયો. 

તેમના પત્ની રૂપાદેવી અને માતાપિતા કાગડોળે તેમના સમાચારની રાહ જોતાં હતા, ત્યાં સમાચાર આવ્યા કે સૂબેદાર હરિસિંહે સૌથી ઊંચી ચોકી પર ભારતનો કબ્જો કરી દેશ માટે કુરબાન થઈ ગયા છે. રૂપાદેવી આ સાંભળી બેભાન થઈ ગયા.  તેમના માતપિતા પણ હતપ્રભ થઈ જડ બની ગયા. 

૧૫મી ઓગસ્ટે શુરવીર ચક્ર લેતા પત્ની રૂપાદેવી અને માતાની આંખોમાથી અશ્રુઓ ધાર બની વહી રહ્યા હતા, પણ દેશની રક્ષા માટે પોતાનો લાડલો કુરબાન થઈ ગયાનો ભાવ અને આત્મસંતોષ તેમના ચહેરા પર ચમકી રહ્યા હતા. 

આપણે ૧૫ ઓગસ્ટ, દિવાળી, અને હોળી સારીરીતે ઉજવી શકીએ તે માટે સરહદોની રક્ષા કરતાં જવાનોને સો સો સલામ.


    Sports

    RECENT NEWS