કોન્ટેક્ટ લેન્સ .


- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- હમણાં બે મહિનાથી જ તેની આંખોની નસો સુકાવા લાગી છે, અને દેખાવાનું લગભગ બંધ જ થઈ ગયું છે. અમારાં લગ્નને હજુ ત્રણ જ વરસ થયા છે

એ ક મહિનાની મહેનત પછી આજે રવિવારની સાંજે નેત્રાને જોવા મુરતીયાનું કુટુંબ આવી પહોચ્યું. નેત્રાના પિતા નયનસુખરાય ચિંતામાં હતા, આટલું ભણેલી અને દેખાવડી નેત્રાને માટે યોગ્ય મુરતિયો એમની વૈષ્ણવજ્ઞાતિમાં દેખાતો ન હતો. નેત્રા ભણીગણીને એમ.બી.એ. થઈ એક મોટી કંપનીમાં સારા પગારની જોબ કરતી હતી. એમને એમ સત્યાવીસ વરસની થઈ ગઈ હતી. 

નીરવ પણ સી.એ.નું ભણી રહ્યો ત્યારે અઠયાવીસ વરસનો થઈ ગયો હતો. તેણે પોતાની પ્રાઈવેટ ફર્મ ખોલી હતી અને નસીબજોગે તે સારી ચાલવા લાગી, એટલે હવે તેણે લગ્ન કરવાનો વિચાર કર્યો. અનાયાસે તેની અને નેત્રાની જ્ઞાતિ એક જ હોવાથી બંનેના કુટુંબોએ મળવાનું નેત્રાને ઘરે નક્કી કરેલ હતું.

સાંજે છ વાગે નીરવ અને તેના માતાપિતા ગાડીમાં નેત્રાને ઘેર સેટેલાઈટ પહોંચી ગયા. ઊંચો અને હેન્ડસમ નિરવને જોઈ નેત્રા ખુશ થઈ ગઈ, અને મનોમન તેમનું ગોઠવાઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ચ્હા લઈને નેત્રા આવી ત્યારે નીરવ તેને જોતો જ રહી ગયો. સુંદર ચહેરો, ગૌર વર્ણ, લાંબા વાળ તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. ચ્હા નાસ્તાને ન્યાય આપીને નેત્રાના પપ્પાએ બંનેને કહ્યું. 'જાવ, અંદરના રૃમમાં બેસી વાતચીત કરો, અમે બુઢાઓ અહી બેઠા છીએ.'

બંને યુવાન હૈયા રૃમમાં પહોચી એકબીજા સાથે વાતચીત કરવા તલપાપડ બની ગયા.

'હાય, મારી ઓફિસ પાલડી ચાર રસ્તા પર આવેલી છે ? તમારી ઓફિસ ક્યાં છે ?' નિરવે વાતની શરૃઆત કરતાં કહ્યું. બંને એકબીજાનું ભણતર અને કૌટુંબિક માહિતી તો જાણતા જ હતા.

'મારી' કંપનીની ઓફિસ એસ.જી. હાઈવે પર આવેલી છે.' નેત્રાના અવાજથી નીરવ પ્રભાવિત થઈ ગયો.

'મને ક્રિકેટ અને વાંચનનો શોખ છે, તમને ?' નિરવે વાત આગળ ચલાવી.

'મને પણ આજ શોખ છે, આ ઉપરાંત સિતારવાદન પણ શિખેલું છે.'

'અરે વાહ ! મને પણ સિતારવાદન ગમે છે, આપણાં શોખ સરખા જ છે. સારું જામશે. હું છોકરીના દેખાવ કરતાં સ્વભાવ અને ભણતરને વધારે મહત્વ આપું છું. તેમાય મને ચશ્મિશ છોકરી તો નાનપણથી જ ગમતી નથી. તમારે ચશ્મા તો નથી ને  !' નિરવે સ્પષ્ટતા કરી.

નેત્રા હવે ગૂંચવાઇ ગઈ. તેને બંને આંખોમાં ચાર નંબર હતા અને તેણે સારા દેખાવા કોન્ટેક લેન્સ પહેરેલા હતા. તેની વિમાસણમાં તે આવો સારો છોકરો ગુમાવવા માંગતી ન હતી, તેણે મનમાં વિચારીને કહ્યું, 'ના, ના, મને કઈં ચશ્મા છે નહીં.'

વાતચીત લાંબી ચાલી, બંને એકબીજાને ઇમ્પ્રેસ કરવા જાતજાતની અને ભાતભાતની વાત કરતાં રહ્યા. બંને છૂટા પડયા ત્યારે લગભગ નક્કી જેવુ જ હતું. 

મહિનામાં વાજતે ગાજતે લગ્ન પણ થઈ ગયા. નેત્રા સાસરે આવીને બાથરૃમમાં જ પોતાના સોફ્ટ કોન્ટેક લેન્સ કાઢીને સાફ કરી લેતી. કોઈને તેના આટલા બધા નંબરનો અહેસાસ પણ ના થયો.

ત્રણ મહિના પછી અચાનક એક દિવસ આંખમાં કચરો પડતાં નેત્રાની બંને આંખો લાલ થઈ ગઈ. હવે તેણે કોંટેક્ટ લેન્સ કાઢયા વગર ચાલે તેમ ન હતું. વધારે નંબર હોવાથી તેને ટી.વી.માં અને દૂરનું દેખાતું બંધ થઈ ગયું. હવે સાચી વાત કહ્યા વગર ચાલે તેમ ન હતું.

તે નીરવને બેડરૃમમાં લઈ ગઈ અને ગભરાતાં ગભરાતાં પોતાના નંબર અને કોન્ટેક લેન્સની વાત કરી.

'હે ! શું વાત કરે છે ? તું ચશ્મિસ છે, મને તે કહ્યું જ નહીં.' નીરવ એકદમ ગુસ્સે થઈ રૃમની બહાર નીકળી ગયો. તેનાં મનમાં પોતાની પત્ની જુઠ્ઠું બોલી હોવાનો અને ચશ્મિશ હોવાનો આક્રોશ વધી ગયો. નેત્રા સાથે તેણે વાતચીત બંધ કરી દીધી. તેને ચશ્મિશ નેત્રા પસંદ જ ન હતી, સ્વીકાર્ય ન હતી. નેત્રાએ તેને જણાવેલ કે ઓપરેશનથી પણ તેના નંબર ઉતરે તેમ નથી.

આક્રોશ અને ગ્લાનીમાંથી નીરવ નિરાશામાં સરકી ગયો. હવે તે નેત્રાથી છૂટા થવા શું કરવું તેના વિચારમાં પડી ગયો. એક વખત મન નકારાત્મક વિચારે ચડી જાય પછી તેમાં વધારે ને વધારે ખૂપતું જ જાય છે અને ઉંધા રવાડે ચડી જાય છે. માનવ મનની આ એક મોટી ખામી છે.

બીજે દિવસે તે તેના અંગત મિત્ર અને વકીલ ભટ્ટ સાહેબની ઓફિસે સવારના સાડાદશ વાગે 

પહોંચી ગયો. ઘરના એક રૃમમાં જ ઓફિસ હતી. નિરાશ નીરવને જોઈ ભટ્ટજીએ પુછયું, 'અરે નીરવ, આટલો વહેલો શું કામ છે ? ઘણા વખતે મળવા આવ્યો.'

'ભટ્ટ, મારે છૂટાછેડાના કાયદા જાણવા છે.' નિરવે નિરાશ વદને કહ્યું. 

'કોને લેવા છે ? હજુ તારે તો લગ્નને ત્રણ જ મહિના થયા છે ને !' ભટ્ટજીને એમ કે તેના કોઈ મિત્ર માટે પૂછવા આવ્યો છે.

'મારા એક ખાસ મિત્ર માટે જાણવા આવ્યો છું, તેને તેની પત્ની સાથે રોજ ઝગડા થાય છે.' નિરવે ફેંકી.

ત્યાં તો આંખે ગોગલ્સ ચડાવી તેના પત્ની રૃપાબેન ઓફિસમાં હાથ ફંફોસતા આવીને ચ્હાનું પૂછવા લાગ્યા.

'અરે ! ભાભીને આ શું થયું ?' નીરવને નવાઈ લાગી.

'શું કહું નીરવ, હમણાં બે મહિનાથી જ તેની આંખોની નસો સુકાવા લાગી છે, અને દેખાવાનું લગભગ બંધ જ થઈ ગયું છે. અમારાં લગ્નને હજુ ત્રણ જ વરસ થયા છે, પણ એક વખત લગ્ન કર્યા, એટલે એને નિભાવવાની જવાબદારી તો લેવી જ પડે. લગ્ન એક પવિત્ર બંધન છે. આ શરીરનો શું ભરોસો છે ? ગમે ત્યારે લકવો પડે, એટેક આવે કે જોવાનું બંધ થાય, પણ એકબીજાનો સાથ તો નિભાવવો જ પડે. આવી હાલતમાં હું તેને છોડી દઉં તો એ જાય પણ ક્યાં ? આમાં માનવતા ક્યાં રહી ?'

ભટ્ટજીની આવી જ્ઞાની વાતો સાંભળી નીરવ ચમકી ગયો. મારી નેત્રાને તો ખાલી ચશ્મા જ છે, જ્યારે આ તો સાવ પ્રજ્ઞાચક્ષુ બની રહી છે, છતાં ભટ્ટજી તેનો સાથ છોડાય કઈ રીતેની શીખ આપી રહ્યા છે. હું પણ કેટલો મૂરખ છું ? અને તે ઊભો થઈ ગયો.

'અરે ! તું છૂટાછેડાના નિયમો જાણવા આવ્યો હતો ને !' ભટ્ટજીએ તેને રોકતા કહ્યું.

'ના, મારે હવે જરુર નથી, મારે મોડુ થાય છે. પછી ક્યારેક આવીશ.' કહેતા નીરવ બહાર નીકળ્યો ત્યારે તેના મુખ ઉપર સત્યજ્ઞાન મળ્યાનો સંતોષ સ્પષ્ટ દેખાતો હતો, એક સુખી લગ્નજીવન નાની અમથી વાતથી તૂટી જવાથી બચી ગયું. 

માનવશરીરનો શું ભરોસો ? ગમે ત્યારે કઇંપણ થઈ શકે. પણ તેને માટે લગ્ન જેવુ પવિત્ર બંધન કાયમ માટે તોડાય નહીં. તે જ્ઞાન નિરાવના મોં પર ચમકી રહ્યું હતું.

નેત્રાને પણ નીરવમાં આવેલું પરિવર્તન સમજાતું ન હતું. ગાડી પાટે ચડી ગઈ હોવાથી બંને સુખી લગ્નજીવન આનંદથી જીવવા લાગ્યા.

City News

Sports

RECENT NEWS