અનેક રોગોને હંફાવતું - આદુ
ભોજન પ્રત્યે અરુચિ થતી હોય ત્યારે જો આદુંનો રસ થોડું મીઠું અને લીંબુ નાખીને લેવામાં આવે તો ધીમી ધીમે વ્યક્તિની જીભ ચોખ્ખી થાય છે
ચરક સંહિતામાં મહર્ષિ ચરકે દસ દસ દ્રવ્યોના કેટલાક સમૂહ બનાવ્યા છે. જે જુદા જુદા રોગ કે તંત્ર (સિસ્ટમ) પર મૂળગામી અસર કરતાં હોય. જેમ કે પાતળા શરીરને જાડું કરે (સપ્રમાણ બનાવે) તેવા દસ દ્રવ્યોને 'બૃંહણિય દશેમાની' કહે છે. ઊલટીને રોકનાર જે દસ દ્રવ્યો હોય તેને છર્દિનિગ્રહણ દશેમાનિ કહે છે. એજ રીતે શ્વાસને હરનાર, ખાંસીને દૂર કરનાર, તાવ ઉતારનાર, સોજાને શાંત કરનાર વગેરે દસ દસ દ્રવ્યોનો સમૂહ છે. - ચરકની દ્રષ્ટિએ આદું આવા બે સમૂહની અંદર આવે છે. એક તો 'દીપનીય' અને બીજું 'શૂલ પ્રશમન' (દશેમાનિ).
'દીપનીય' એટલે કે અગ્નિને (પાચન શક્તિને) પ્રદીપ્ત કરનાર. આદુંનો આ વિશેષ ગુણ છે. એના નિયમિત સેવનથી ભૂખ ઉઘડે છે. ભોજન પ્રત્યે અરુચિ થતી હોય ત્યારે જો આદુંનો રસ થોડું મીઠું અને લીંબુ નાખીને લેવામાં આવે તો ધીમી ધીમે વ્યક્તિની જીભ ચોખ્ખી થાય છે. પાચક સ્ત્રાવો અને લાળા-ગ્રંથિઓ સક્રિય થાય છે અને અંદરથી જ આહાર પ્રત્યેની રુચિ અને સાચી ભૂખની ઉત્પત્તિ થાય છે. 'શૂલ' એટલે પીડા અથવા દુખાવો. જે દ્રવ્ય પેટમાં જઈ પીડા અથવા તો દુખાવો ઓછો કરે તેને 'શૂલપ્રશમન' કહે છે. વાયુ કે કફના કારણે પેટમાં દુખતું હોય કે શૂલ નીકળતું હોય ત્યારે પાંચ ગ્રામ આદુંના રસમાં એટલો જ ફુદીનાનો રસ અને ચપટી સિંધાલૂણ કે સંચળ મેળવીને બે ત્રણ વાર પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે.
રોગ પરત્વે આદુંના આવા જ બીજા આઠ દસ પ્રયોગો જોઈ લઈએ.
'ચક્રદત્ત' નામના ગ્રંથમાં કહ્યું છે કે
(૧) આદુંના ચાર ચમચી રસમાં બે ચમચી મધ મેળવીને નિયમિત રીતે સવાર સાંજ લેવાથી શ્વાસ, ખાંસી, શરદી, સળેખમ અને કફ મટે છે.
(૨) એ જ રીતે ચક્રદત્તનો એક બીજો પ્રયોગ પણ ધ્યાનમાં લેવા જેવો છે. એમાં લખ્યું છે કે કોઇ વ્યક્તિને નદીના વેગની જેમ ઝાડા થતા હોય, અટકતા જ ન હોય તો તે વ્યક્તિને ચત્તી સૂવાડી આમળાનું બારીક ચૂર્ણ પાણીમાં લસોટી દૂંટી ફરતું વચ્ચે થોડી જગા રહે તેમ (ઊભી પાળ બનાવીને) લગાવી દેવું. વચ્ચે જે જગા થાય તેમાં આદુંનો રસ ભરવો અને હાલ્યા ચાલ્યા વિના સૂઈ રહેવું. ચક્રદત્તનો દાવો છે કે આ પ્રયોગથી ગમે તેવા ઝાડા પણ કાબૂમાં આવી જાય છે. તરસ લાગે ત્યારે આદું અને સુગંધી વાળો નાખીને પકાવેલું (ઉકાળેલું) પાણી જ પીવું.
(૩) 'ભાવ પ્રકાશ' નામના ગ્રંથમાં લખ્યું છે કે શીળસ થતા હોય તેમાં જૂના ગોળ સાથે આદુંનો સ્વરસ મેળવી એની ગોળી વાળી સવાર સાંજ લેવાથી શીળવા-શીળસ મટે છે. અને પાચન શક્તિ પણ સુધરે છે. શરીરના અમુક ભાગમાં રુપિયાના આકારના ચકામા ઉપસી આવે છે અને સખત ખંજવાળ આવે છે તેને 'શીળસ', શિતપિત્ત કે અંગ્રેજીમાં 'અર્ટિકેરિયા' કહે છે. આ પ્રયોગ સાથે સવાર સાંજ એક એક ચમચી 'હરિદ્વા ખંડ' ફાકી જવાથી પરિણામ જલદી મળશે.
(૪) આદુંનો રસ અને મધ સરખે ભાગે લઈ તેમાં એક ગ્રામ લીંડી પીપરનું ચૂર્ણ નાખી હલાવીને ચાટી જવાથી ઉધરસ મટે છે. દિવસમાં બે-ત્રણ વાર આ પ્રયોગ નિયમિત રીતે કરવાથી શરદી, શ્વાસ અને ઉધરસ ત્રણેમાં ફાયદો થાય છે અને વધુ પ્રમાણમાં કફ રહેતો હોય તો ધીમે ધીમે દૂર થાય છે.
(૫) આદુંના રસમાં સરખા ભાગે ડુંગળીનો રસ મેળવીને પીવાથી ઊલટી થતી હોય તો અટકે છે.
(૬) વારંવાર અને વધુ પ્રમાણમાં પેશાબ થતો હોય તો આદુંના રસમાં માત્રાસર દળેલી સાકર મેળવીને પીવાથી લાભ થાય છે.
(૭) આદું અને ફુદીનાનો ઉકાળો બનાવી પીવાથી પરસેવો વળીને (વાયુ તથા કફજન્ય) તાવ ઊતરી જાય છે. ટાઢિયા તાવમાં પણ આ પ્રયોગથી ફાયદો થાય છે.
(૮) કાનમાં દુખતું હોય ત્યારે આદુંનો રસ કાઢી સહેજ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી દુખાવો મટી જાય છે.
(૯) આદું અને લીંબુનો રસ થોડું સિંધવ મેળવીને શરબતની જેમ લેવાથી અરુચિ, મંદાગ્નિ, કોલેરા, ઉબકા, અપચો, આફરો, પેટનો દુખાવો અને કબજિયાત પણ મટી શકે છે.
(૧૦) 'મદનપાલ નિઘંટુ' નામના ગ્રંથમાં આદુંને સોજાનું શ્રેષ્ઠ ઔષધ (શોથ હૂત્પરમ) માનવામાં આવ્યું છે. સવાર સાંજ ચાર ચમચી આદુંના રસમાં એટલો જ સાટોડીનો રસ અથવા તો એકલું મધ મેળવીને પીવાથી શરીર કે સાંધા પરના સોજા ઘટતા જાય છે.