Get The App

જુદા હૈ હીર સે રાંઝા કઇ જમાનોં સે, નયે સિરે સે કહાની કો ફિર લીખા જાએ

Updated: Feb 7th, 2023

GS TEAM

Google News
Google News
જુદા હૈ હીર સે રાંઝા કઇ જમાનોં સે,  નયે સિરે સે કહાની કો ફિર લીખા જાએ 1 - image


સેલિબ્રેશન - ચિંતન બુચ

14 ફેબુ્રઆરી - વેલેન્ટાઇન્સ ડે

કેટલીક પ્રેમકહાનીઓ એવી હોય છે જેમાં  પ્રેમીઓનું મિલન ભલે ના થયું હોય પણ પ્રેમમાં કઇ રીતે પોતાની જાતને સંપૂર્ણપણે ઓગાળી શકાય તેના માટે દ્રષ્ટાંતરૂપ  છે

ફૂલોએ  કેમ  જાણી હશે આપણી કથા?

મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,

આંખો  મેં  આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,

મેં  તો  હજી  બે પાંપણો ભેગી  કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?

એ  લોકોએ  કદીય  મહોબ્બત  કરી નથી.

;;;

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,

સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,

ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,

પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,

ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

-હરીન્દ્ર દવે

;;;

પ્રેમ-ઇશ્ક-મોહબ્બત-લવ એટલે શું એવા સવાલનો એકમાત્ર ઉત્તર એવો છે કે સુગંધને જો શબ્દોમાં વર્ણવી શકાય-સ્પર્શને કાગળ પર ઉતારી શકાય તો પ્રેેમની વ્યાખ્યા થઇ શકે. પ્રેમ એટલે પ્રેમ. ઈ.સ. પૂર્વે ૨૬૯માં ક્લોડિયસ બીજાના હૂકમથી બલિવેદી પર ચડેલા સંત વેલેન્ટાઇનનો સ્મૃતિદિન ૧૪ ફેબુ્રઆરી 'વેલેન્ટાઇન્સ ડે' સમગ્ર વિશ્વમાં મહકેવાનો શરૂ થયો. વેલેન્ટાઇન્સ ડેનો સૌથી મોટો મહિમા એ છે કે તેણે યૌવનના સમુદ્રમાં હિલોળા લેતી જીવન નાવડીઓને ખુલ્લેઆમ પોતાના કિનારા શોધીને લાંગરવાની મુક્તિ પૂરી પાડી છે. વેલેન્ટાઇન્સ ડેની એક પર્વની જેમ ઉજવણી શરૂ કરવામાં આવી તેના અગાઉ પણ પ્રણય તો બધાં કરતાં જ, પરંતુ વેલેન્ટાઇન્સ ડેએ પ્રેમના એકરારનો પ્રસવ કરાવતી દાયણની ભૂમિકા અદા કરી છે.  

પ્રત્યેક પ્રેમીઓ માટે હંમેશાં તેમની પ્રેેમકહાની અત્યંત વિશેષ અને હૃદયથી અત્યંત નિકટ હોય છે. કેટલીક પ્રેેમકહાનીઓ એવી પણ હોય છે જેમાં  પ્રેેમીઓનું મિલન ભલે ના થયું હોય પણ પ્રેમમાં કઇ રીતે પોતાની જાતને સંપૂર્ણપણે ઓગાળી શકાય તેના માટે દ્રષ્ટાંતરૂપ બની ગઇ છે. આવી જ એક પ્રેમકહાની એટલે હીર-રાંઝા.ખરેખર આવા કોઇ પ્રેમીઓ થઇ ગયા કે પછી તે કોઇ કિવંદતિ છે? હીર-રાંઝાની પ્રેમકહાણી અંગે વિવિધ કિવંદતિ પ્રવર્તે છે. 

જેમાં લોકપ્રિય કિવંદતિ એવી છે કે, પશ્ચિમ પંજાબમાં જાંગ નામનો વિસ્તાર અને ત્યાં ખૂબ જ શ્રીમંત એવા ચૌધરી ચુચક તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ  સિયાલ સમુદાયના હતા અને તેમના દ્વારા જ પાકિસ્તાનના સિયાલકોટ શહેરની સ્થાપના કરાઇ હતી. ચૌધરી ચુચકના સંતાનોમાં ઈજ્જત બીબીનો પણ સમાવેશ થતો હતો. સુંદરતાના પર્યાય સમાન ઈજ્જત બીબી એ હીરના નામે મશહૂર હતી. જાંગથી સેંકડો કિલોમીટર દૂર ચેનાબ નદીના કિનારે તખ્ત હઝારા નામનું એક ગામ હતું. જ્યાં ધીડો રાંઝા તેના પરિવાર સાથે રહેતો હતો. ધીડો રાંઝાના પિતા જમીનદાર હતા અને ચારેય ભાઇઓમાં તે સૌથી નાનો હોવાથી ખૂબ જ લાડકોડથી ઉછેરવામાં આવ્યો હતો. પરંતુ પિતાના અવસાન બાદ ભાઇઓએ તેને રાતોરાત ઘરમાંથી તગેડી મૂક્યો અને મિલકતમાંથી બેદખલ કરી નાખ્યો. રાંઝા ફરતાં ફરતાં હીરના ગામ જાંગ પહોંચ્યો અને ત્યાં તેને ચૌધરી ચુચકની ગાય-ભેંસ ચરાવવાનું કામ મળ્યું. ગાય-ભેંસ ચરાવતી વખતે રાંઝા વાંસળીના મધૂરા સૂર રેલાવતો. હીર એકવાર તેની સહેલીઓ સાથે જંગલમાંથી પસાર થઇ રહી હતી ત્યારે વાંસળીના મધૂર સુરથી આકર્ષાઇ અને તે કોણ વગાડી રહ્યું એ પહોંચી. વાંસળીના સૂર રેલાવતા રાંઝા અને હીરની નજર ત્યારે પ્રથમવાર મળી. આ સાથે જ બંને એકમેકના પ્રેમમાં પડયા. અવાર-નવાર તેઓ મળવા લાગ્યા. રાંઝા વાંસળી વગાડતો અને હીર તલ્લીન થઇને તે સાંભળ્યા કરતી. પરંતુ કહેવાય છે ને કે, ઈશ્ક મુશ્ક છુપાએ નહીં છુપતે. હીરના કાકા કૈડોએ એકવાર બંનેને પકડી પાડયા. મુફલિસીમાં જીવતાં રાંઝા સાથેનો પ્રણય સંબંધ હીરના પરિવારને સ્વીકાર્ય નહોતો. 

તેમણે તાત્કાલીક હીરના લગ્ન સૈદા ખેરા સાથે કરાવી દીધા. હીરના લગ્નની વાત સાંભળીને રાંઝા પડી ભાંગ્યો અને જેમ માછલી જળ વિના તરફડે તેમ તે પોતાનું જીવન પસાર કરવા લાગ્યો. તે ગમે ત્યાં ભટકતો અને કયા વસ્ત્રો પહેર્યા છે તેના પણ ઠેકાણાં નહોતા. આ દરમિયાન તેની મુલાકાત એક સાધુ સાથે થઇ. સાધુથી તેની હાલત જોવાઇ નહીં અને તેણે રાંઝાને આશરો આપ્યો. સાધુની સંગતમાં રાંઝાને પણ ભગવાન પ્રત્યે આસક્તિ જાગી અને તેણે પણ ભગવો ધારણ કર્યો. સાધુવેશે ગામે-ગામ ભટકતા રાંઝા એકવાર હીરના ગામે પહોંચી ગયો. કહેવાય છે ને કે, પ્રેમ અને લાગણીને છુપાવી શકાય ખરી પરંતુ તેને જડમૂળમાંથી નીકાળીને અલગ કરી શકાતી નથી. તેવું જ કંઇક અહીં રાંઝા સાથે થયું. હીરને જોતાંવેત જ રાંઝા પોતાની દબાયેલી લાગણીઓને છૂપાવી શક્યો નહીં. આગ ભી દોનો ઔર બરાબર લગી થી! આ તરફ હીર પણ પોતે વિવાહિત હોવા છતાં રાંઝાને ભૂલી શકી નહોતી. બંનેએ ભેગા મળીને બધાથી દૂર પોતાનો અલગ સંસાર માંડવાનું નક્કી કર્યુ, પરંતુ ઇશ્વરને તો કંઇક બીજું જ મંજૂર હતું. હીર-રાંઝા રાજાના સિપાહીઓને હાથે પકડાઇ ગયા અને ભરદરબારમાં બંનેને સજા સંભળાવવા માટેની કાર્યવાહી ચાલતી હતી. ત્યાં જ રાંઝાથી ચૂપ રહેવાયું નહીં અને તેણે પોતાનો પક્ષ રજૂ કરવા માટે આજીજી કરી. રાજાએ વાત માન્ય રાખી અને હીર- રાંઝાના પ્રેમના પારખાં લેવા માટે અભિમન્યુના કોઠાની જેમ એક પછી એક ચક્રવ્યૂહ ગોઠવ્યા. હીર- રાંઝા પણ જાણતા હતા કે યે ઇશ્ક નહીં આસાન.. બંનેએ હસતા મોંઢે દરેક પરીક્ષાઓ પાસ કરી. રાજા પણ બંનેનો પ્રેમ જોઇ અવાક્ રહી ગયા. દરબારમાં બંનેના લગ્નની તૈયારીઓ કરવા હુકમ આપ્યા. રાજાએ એક તરફ હીરને વિવાહવટું કરાવ્યું અને તેના પિતાને લગ્ન માટે સમજાવ્યા. આ કિવંદતી કોઇ ફિલ્મના પ્લોટથી કંઇ કામ નથી. લગ્નના મંડપમાં એક તરફ શરણાઇના સૂર વાગતા હતા, તો હીર - રાંઝા કાયમ માટે 'એક દૂજે કે લિયે' થઇ જવાનો ભાવ લઇ મનમાં ભાવિ જિંદગીના સપનાં સેવી રહ્યા હતાં. પરંતુ અને પ્રેમયજ્ઞામાં રાક્ષસો હાડકા નાખવા માટે તૈયાર હોય છે.  હીરના કાકા, જેમને આ લગ્ન સામે સખત વિરોધ હતો તેમણે હીર- રાંઝાને અલગ કરવા કપટ અજમાવ્યું. તેમણે લગ્નના લાડુમાં ઝેર ભેળવીને આપ્યું. મોંઢુ મીઠુ કરાવવાની પ્રથામાં હીરએ જાણે વૈવાહિક જીવનમાં પગરણ માંડતા શુભ શુકન રૂપે મોં મીઠું કર્યુ ત્યાં જ થોડી વારમાં તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું. સપ્તપદીના ફેરા વખતે મૃત્યુ આવે તો હું આગળ રહીશ તે બોલ હીરના પક્ષે સાચો પડયો. ઘડીના છઠ્ઠા ભાગમાં જ પોતાની પ્રિયતમા અચાનક તેને છોડીને જતી રહી, તે વજ્રઘાત રાંઝા પણ સહન કરી શક્યો નહીં અને તેણે પોતે લાડું ખાઇ જીવન ટૂંકાવ્યું. જોકે, આ તો વાત થઇ હીર - રાંઝાની. પરંતુ વાસ્તવિક જિંદગીમાં પ્રેમની વાત આવે ત્યારે આપણે ત્યાં એવાં પ્રેમી- પ્રેમિકાઓ હોય છે જેમનો પ્રેેમ વેલેન્ટાઇન ડેની મોસમમાં ફૂટયો હોય પરંતુ વડીલોની પરવાનગીનો છાંયડો ના મળતા કરમાઇ ગયો હોય.

અમૃતસરથી ૨૪૪ કિલોમીટરના અંતરે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા જાંગ શહેરમાં ચેનાબ નદીને કિનારે હીર-રાંઝાને જે અક જ કબરમાં દફનાવાયા તે સ્થળ છે. તેમની કબરમાં લખાણ છે કે, 'દરબાર આશિક-એ-સાદિક મે હીર વા મિલન રાંઝા.' આ સ્થળે દરરોજ અનેક પ્રેમીપંખીડાઓ માનતા માનવા માટે આવે છે. જેમાં યુવતીઓ દરગાહ સમક્ષ બંગડી ચડાવે છે. કેટલાક પ્રેમભગ્ન યુવાનો આ સ્થળે માનસિક શાંતિ માટે પણ દિવસોને દિવસો સુધી બેઠેલા જોવા મળે છે.  

હીર-રાંઝાની આ પ્રેમકહાણી સૌપ્રથમ ૧૬૦૫માં દામોદર ગુલાટી દ્વારા લખવામાં આવી હતી. વર્ષો બાદ કવિ વારિસ શાહે આ પ્રેમકહાણીને કાવ્યસ્વરૂપમાં ઢાળીને વધુ મશહૂર કરી હોવાનું કહેવાય છે. હીર-રાંઝાની આ વાતના પર્સિયામાં ૧૫, ઉર્દુમાં ૨૦થી વધુ વર્ઝન છે. જોકે, આ તમામ વર્ઝનમાં તેમની વાત ભલે અલગ-અલગ હોય પણ સંદેશો એક જ છે કે 'સાચો પ્રેમ અમર જ રહે છે.'

;;;

જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.

તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

-મરીઝ


Tags :