For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિલાઇ મશિનની સોય, પંખાની મોટરથી પ્રથમ ટેલિવિઝન બનાવાયું હતું

Updated: Nov 22nd, 2022


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ટેલિવિઝન ડે

- ભારતીય ટેલિવિઝન માટે તે એવો સુવર્ણ સમય હતો જ્યારે દરરોજ સાંજે 'એક પરિવાર-એક રાષ્ટ્ર-એક ચેનલ-એક સંસ્કૃતિ' જોવા મળતી.

'..હવે કંઇ ટીવીમાં દેખાયું?'...'ના...હજુ એન્ટેના થોડું ફરાવ...'..'હવે?'...'થોડા ઝરમરીયા વચ્ચે દ્રશ્ય દેખાય છે..હજુ થોડું ફરાવ..', 'હવે?'..'બસ, હવે ચાલુ થઇ ગયું. તું નીચે આવી જા....' ૧૯૮૦નો દાયકો જોયો હોય તેમાંના મોટાભાગના ટેલિવિઝન જોવા માટે આ દ્રશ્યના ચોક્કસ સાક્ષી બન્યા હશે. જેમાં દિવસ દરમિયાન માંડ ૧ કલાકનો  પ્રોગ્રામ આવતો હોય તો પણ છત કે અગાસી પર મૂકેલા એન્ટેનાથી ટેલિવિઝનની ફ્રિકવન્સી સેટ કરવાનો એક 'સંઘર્ષ' કરવો પડતો. હવે ના કેવળ ઘેર-ઘેર ટીવી થઇ ગયા છે બલ્કે આપણા હાથમાં રહેલો સ્માર્ટ ફોન પણ એક પ્રકારે ટીવીની ગરજ સારે છે.

મહાભારતથી લઈને અઢળક વાર્તાઓમાં ઉલ્લેખ આવ્યા બાદ આખરે ઈ. સ. ૧૯૨૫માં સ્કાટલેન્ડના એન્જિનિયર જાન લોગી બેયર્ડે ખરેખરા ટેલિવિઝનનું સૌપ્રથમ પબ્લિક ડેમોન્સ્ટ્રેશન આપ્યું. ત્યારથી લઈને અત્યારની સરખામણી કરવામાં આવે તો હાલના સમયે આવતી મોટાભાગની સિરિયલ જેવી જ લાંબી ગાથા થાય.ટેલિવિઝનની શોધ પાછળનો ઈતિહાસ પણ રસપ્રદ છે. વાત એમ છે કે, ટેલિવિઝનના  આવિષ્કારક જોન લોગી બેયર્ડ બાળપણમાં બીમાર રહેવાને કારણે સ્કૂલ જઈ શકતા ન હતા. ૧૩ ઓગસ્ટ ૧૮૮૮માં સ્કોટલેન્ડમાં જન્મેલા બેયર્ડને ટેલિફોન પ્રત્યે એટલી રૂચિ હતી કે તેમણે ૧૨ વર્ષની ઉંમરે પોતાનો અંગત ટેલિફોન વિકસાવ્યો હતો. બેયર્ડ એવું વિચારતા હતા કે એક દિવસ એવો આવશે કે લોકો હવાનાં માધ્યમથી તસવીરો મોકલશે. બેયર્ડે વર્ષ ૧૯૨૪માં બોક્સ, બિસ્કિટનું ટિન, સિલાઈ મશીનની સોય, કાર્ડ અને પંખાની મોટરનો ઉપયોગ કરીને ટેલિવિઝનનો આવિષ્કાર કર્યો હતો. કમ્યુનિકેશનના અત્યંત સશક્ત માધ્યમ તરીકે ટેલિવિઝનની શક્તિને પોંખવા માટે ડિસેમ્બર ૧૯૯૬માં યુનાઇટેડ નેશન્સની જનરલ અસેમ્બલીએ દર વર્ષે ૨૧ નવેમ્બરના દિવસને વર્લ્ડ ટેલિવિઝન ડે તરીકે ઊજવવાનું નક્કી કર્યું. આપણે ત્યાં ટેલિવિઝન એક પ્રાયોગિક ધોરણે ૧૯૫૯માં દિલ્હીમાં શરૂ થયેલું.  એ વખતે તેની રેન્જ માત્ર ૪૦ કિલોમીટરની હતી. યુનેસ્કોના સહયોગથી શરૂ થયેલી આ પ્રસારણ સેવા ત્યારે સપ્તાહમાં ફક્ત બે દિવસની હતી જેમાં ફક્ત ૨૦ મિનિટનું પ્રસારણ કરવામાં આવતું. ટેલિવિઝન રાષ્ટ્રના ઘડતરમાં શું ભાગ ભજવી શકે તે જોવાના ઉદ્દેશથી આ પ્રસારણ શરૂ થયેલું.જેના કારણે તે સમયે માત્ર શૈક્ષણિક કાર્યક્રમોનું જ પ્રસારણ કરવામાં આવતું હતું. આવું બે વર્ષ ચાલ્યું અને જેનું પરિણામ પ્રોત્સાહક જોવા મળતા પ્રસારણનો સમય  ૨૦ મિનિટથી વધારીને ૬૦ મિનિટ કરાયો હતો. અલબત્ત તેમ છતાં તેનું પ્રસારણ તો સપ્તાહમાં બે દિવસ જ થતું હતું.

ખૂબ જ સારા પરિણામ છતાં આ પ્રકારનું પ્રસારણ દરરોજ કરવું જોઇએ તેવો નિર્ણય લેવામાં સરકારને ૬ વર્ષ લાગ્યા. ૧૯૬૫માં ટેલિવિઝન પર દરરોજ પ્રસારણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ તેમાં પણ કેવા કાર્યક્રમો દર્શાવવા તેનો કોઇ ખાસ એજન્ડા નહોતો. ૧૯૭૨માં મુંબઇમાં અને તેના રિલે પ્રસારણ કેન્દ્રને પૂણેમાં શરૂ કરાયું. આ સમયમાં ટીવીમાં સમાચાર દર્શાવવાનું નક્કી કરાયું. પરંતુ આ સમાચાર આકાશવાણીના સમાચારને સમકક્ષ હતા. કેમકે, તેમાં સમાચારનું માત્ર પઠન થતું-દ્રશ્ય અહેવાલ જોવા મળતા નહોતા.  ૧૯૮૦ના દાયકાના શરૂઆતના તબક્કામાં ટીવી સેટ અને દૂરદર્શન બંને એકમેકના પૂરક હતા. સરકારના હસ્તગત હેઠળના દૂરદર્શનમાં એ સમયે પ્રોગ્રામના નામે એકમાત્ર 'કૃષિ દર્શન'  જ જોવા મળતું. એ વખતે ટીવી અને મનોરંજન વચ્ચે દૂર-દૂર સુધી કોઇ નાતો નહોતો. ટેબલ ક્લોથમાં કે શટર પાછળ ઢંકાયેલું ટેલિવિઝન સેટ માત્ર 'સ્ટેટસ સિમ્બોલ' તરીકે જોવામાં આવતું.અત્યારની સરખામણી એ ૧૯૯૦ના દાયકામાં  ચેનલ અને સિરીયલ ઓછી પણ ગુણવત્તાસભર હતી. ૧૯૭૬માં 'લડ્ડુસિંહ ટેક્સીવાલા' ભારતીય ટેલિવિઝન ઇતિહાસની સૌ પ્રથમ સિરીયલ હતી, જેમાં પેન્ટલ મુખ્ય અભિનેતા હતો.

૧૯૮૦ ના દાયકામાં આવેલી 'હમલોગ'ના બસેસર રામ-ભાગવંતી-લલ્લુ-ચુટકી-પ્રિન્સ, 'બુનિયાદ'ના માસ્ટર હવેલીરામ-લાજોજી-લાલા ગેંદામલ, 'નુક્કડ'ના ગુરુ-ખોપડી-રાધા-કાદરભાઇ-હરિ જેવા કિરદારોના સુખ-દુઃખના સાથી બની ગયા હતા. કોઇ પણ નવી ફિલ્મ માટે રિલીઝનો પ્રથમ દિવસ શુક્રવાર ખુબ જ મહત્વની ભુમિકા અદા કરે છે. પરંતુ ૧૯૮૪માં આવેલી 'યહ જો હૈ ઝિંદગી' સિરીયલનો જાદુ જ એવો હતો કે શુક્રવારના ફિલ્મના બિઝનેસ પર અસર પડવા લાગી હતી. જેમાં સ્વચ્છ કોમેડી દ્વારા રણજીત-રેણુ-રાજા અને દરેક હપ્તામાં  અલગ પાત્ર સાથે આવતા સતિષ શાહ દિવસનો સઘળો થાક ઉતારી દેતા. અત્યારની સરખામણીએ ખુબ જ સાદા સેટસ-સાધારણ સ્પેશિયલ ઇફેક્ટસ  છતાં રામાયણ-મહાભારત સિરીયલે એવું આકર્ષણ જમાવ્યું  હતુ કે તેના પ્રસારણના સમયે સ્વંયભૂ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ જતી. 

ઘણા ઘરમાં એવો શિરસ્તો પડી ગયો હતો કે રામાયણ-મહાભારત જોતાં પહેલા સ્નાનાદિ ક્રિયા આટોપી દેવી. આ સિવાય બુધવાર-શુક્રવારે આવતું 'ચિત્રહાર', 'સુપર હિટ મુકાબલા', રવિવારે સવારની 'રંગોલી', 'મિકી માઉસ', 'હિ-મેન', 'જઁગલબુક'ની કાર્ટૂન  સિરીઝ, 'વિક્રમ વૈતાલ', 'દાદા-દાદી કી કહાનિયા', 'એક દો તીન ચાર', 'ફાસ્ટર ફેણે, 'ધ સ્ટોનબોય', 'તેનાલીરામ' જેવી સિરીયલો બાળકોમાઁ એટલી લોકપ્રિય હતી કે તેઓ તેના ટેલિકાસ્ટના સમયે રમવા માટે બહાર પણ નીકળતા નહોતા.

ભારતીય ટેલિવિઝન માટે તે એવો સુવર્ણ સમય હતો જ્યારે દરરોજ સાંજે 'એક પરિવાર-એક રાષ્ટ્ર-એક ચેનલ-એક સંસ્કૃતિ' જોવા મળતી. ટીવી જોવું તે એક ઉત્સવથી કમ નહોતું. જેના ઘરમાં ટીવી હોય તેના 'મિત્રો' ની સંખ્યા પણ વધી જતી.અન્ય લોકપ્રિય સિરીયલમાઁ અન્યાય સામે અવાજ ઉઠાવતી 'રજની', મધ્યમ વર્ગની વ્યથામાંથી હાસ્યનું નિરુપણ કરતી 'વાઘલે કી દુનિયા', 'મિ.યોગી', 'સરકસ', 'દુસરા કેવલ', 'ભારત એક ખોજ', 'ધ સ્વોર્ડ ઓફ ટિપુ સુલ્તાન', 'નુપુર', 'અલિફ લૈલા', 'મુંગેરીલાલ કે હસીન સપને', 'ઉડાન', 'ફિર વોહી તલાશ', 'કથાસાગર', 'ગુલ ગુલશન ગુલફામ', 'લાઇફલાઇન', 'મુઝરિમ હાઝિર', 'સ્વાભિમાન', 'શ્રીકાંત', 'દેખ ભાઇ દેખ', 'ઝબાન સંભાલ કે', 'પરમવીર ચક્ર', 'ફૌજી', 'કરમચંદ', 'રિપોર્ટર', 'તહેકીકાત', 'શાઁતિ', 'મિર્ઝા ગાલિબ', 'શ્રીમાન શ્રીમતી'નો સમાવેશ થતો.

જસપાલ ભટ્ટીની  'ફ્લોપ શો'માં આપણી સિસ્ટમ પણ જુતાને મખમલના કાપડમાં બાંધીને પ્રહાર કરવામાં આવતા.

ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી લાંબા સમય ચાલનારા નોન ફિક્શન શોનો રેકોર્ડ કૃષિ દર્શનને નામે છે. ૨૬ જાન્યુઆરી ૧૯૬૭થી તેનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી ૧૬૭૮૦થી વધુ એપિસોડ્સ રજૂ થઇ ચૂક્યા છે. આ સિવાય અન્ય નોન ફિક્શન શો માં ચિત્રહાર ૧૨ હજાર, રંગોલી ૧૧૫૦૦ એપિસોડ્સનો રેકોર્ડ ધરાવે છે. ફિક્શન શોમાં યહ રિશ્તા ક્યા કહેલાતા હૈ ૩૮૮૪ એપિસોડ્સ સાથે મોખરે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ૩૬૧૯ એપિસોડ્સ સાથે બીજા સ્થાને છે. સૌથી વધુ વર્ષ ચાલનારા ફિક્શન શોની વાત કરવામાં આવે તો તેમાં સીઆઇડી ૨૧ વર્ષ સાથે મોખરાના સ્થાને છે. ૨૧ જાન્યુઆરી ૧૯૯૮થી ૨૭ ઓક્ટોબર ૨૦૧૮ સુધી આ શો જોવા મળ્યો હતો. આ સિવાય આહટ ૨૦ વર્ષ સાથે બીજા, ક્રાઇમ પેટ્રોલ ત્રીજા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ૧૪ વર્ષ સાથે ચોથા સ્થાને છે. અત્યારના સમયમાં સૌથી વધુ મોંઘા એક્ટરની વાત કરવામાં આવે તો તેમાં કપિલ શર્મા મોખરે છે. તે એક એપિસોડ માટે રૂપિયા ૫૦ લાખની જ્યારે અનુપમા સિરીયલના એક એપિસોડ માટે રૂપાલી ગાંગુલી રૂપિયા ૩ લાખની ફી લે છે.

 આમ, ચેનલના વિકલ્પ ભલે ઓછા હતા પણ તેમાં વિવિધતા ખૂબ જ હતી. જેના દ્રારા માત્ર મનોરંજન નહી જ્ઞાાનની તૃપ્તિ સઁતોષાયાનો ઓડકાર આવતો. હાલની સિરીયલો ગુજરાતી ભાણું પિરસતી હોટેલ જેવી છે. ચમક-દમક ખુબ જ છે, થાળીમાં પાણ શાક-ફરસાણ-મીઠાઇના વિવિધ વિકલ્પ છે. પરંતુ હોટેલથી બહાર નીકળતા જ સ્વાદ દાઢે રહી ગયો હોય તેવી વાનગી ભાગ્યે જ મળે છે.

Gujarat