દુધપેંડો, મલ્લિકાર્જુન, રસરાજ, સુવર્ણરેખા...: શું, તમે આ કેરી ક્યારેય ખાધી છે?
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- કેસર કેરી નામ કઇ રીતે પડયું, પહેલા તે કયા નામે ઓળખાતી? તેની 'રસ' ભરી વાત
- 22 જુલાઇ
- કેરી દિવસ
'ક્યા બાત હૈ આમોં કી, હોં દેસી યા વિદેસી, સુર્ખે હોં, તુખ્મી હોં કિ કલમી ચૌંસે હોં, સફેદ હોં,ખજરી હોં કિ ફજરી એકતરફા કયામત હૈ મગર આમ દસહરી, ફિરદૌસ મેં ગંદુમ કે એવમ આમ જો ખાતે, આદમ કભી જન્નત સે નિકાલે નહીં જાતે...'
કેરીના પ્રશંસાને વર્ણવતી આ ખૂબ જ જૂની પંક્તિઓ છે. કેરી માત્ર ફળ નથી,તે એક ઈમોશન છે. ઉનાળાની આગઝરતી ગરમીમાં જાણે ઠંડક આપતું વટવૃક્ષ એટલે કેરી. એટલું જ નહીં, ચોમાસાનું આગમન થાય ત્યારે સ્વાદપ્રેમીઓને અંદરખાને એ વાત ચૂભાડતી જાય છે કે, 'હવે કેરી ખાવા નહીં મળે...?'
દર વર્ષે ૨૨ જુલાઇની ઉજવણી 'કેરી દિવસ' તરીકે કરવામાં આવે છે. આપણે ત્યાં ઘરમાં કેરી પહેલીવાર આવે એટલે પહેલા બ્રાહ્મણને ખવડાવે, મંદિરમાં ધરાવવામાં આવે, ઘર મંદિરમાં ભગવાનને આંબાનો ભોગ ચડાવે ત્યાર પછી જ આંબો મોઢમાં મૂકે. ઘરના બાળકોએ કેરી ન ખાધી હોય ત્યાં સુધી વડિલોના મોઢે આંબો ન જાય, પરિણીત પુત્રીના ઘરે કેરીનો કરંડિયો મોકલાવ્યા પછી જ માતાપિતા આંબો ચાખે. આ સઘળી પરંપરા આંબા પ્રત્યેનો આપણો આદર-પ્રેમ પુરવાર કરે છે. કેરીનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન છે. કહેવાય છે કે, ૪૦૦૦થી ૫૦૦૦ વર્ષ પહેલાં કેરીની શરૂઆત થઈ હતી. કેરી ભારતની લોકકથાઓ અને ઇતિહાસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જ્યારે દુનિયાને કેરી અને આંબા વિશેની કોઈ માહિતી નહોતી ત્યારે ભારતમાં આંબાવાડીઓનું અસ્તિત્વ હતું. આપણા વેદોમાં કેરીને વૈભવનું પ્રતિક સમાન ગણવામાં આવી છે. આ ઉપરાંત વેદોમાં કેરીના રસ વિશે પણ વાત કરવામાં આવી છે, જે દર્શાવે છે કે, સૌપ્રથમ કેરીનું ઉત્પાદન ભારતમાં થયું હતું. મહાકવિ કાલિદાસના સાહિત્યમાં પણ કેરી વિશેની માહિતી આપવામાં આવી છે.માંગલિક પ્રસંગોએ આંબાના પાનને પવિત્ર સુશોભન મનાય છે. તાંબાના ઘડામાં આંબાના પાંચ પાન રાખી, ઉપર શ્રીફળ મૂકીને 'લક્ષ્મીકુંભ' બનાવી અનુષ્ઠાન- હવન કરવામાં આવે છે.મલયાલમમાં કેરીને 'મન્ના' તરીકે ઓળખવામાં આવે છે. ૧૪૯૮માં પોર્ટુગીઝોએ કેરળમાં વેપાર કર્યો ત્યારે તેઓ મસાલાની ચીજવસ્તુઓની સાથે તેઓ કેરી પણ લઈને જતાં હતા. તેમણે 'મન્ના'ને 'મેંગા' કહેવાનું શરૂ કર્યું હતું અને તેમાંથી ધીરે-ધીરે અપભ્રંંશ થઈને તેને 'મેંગો' તરીકે ઓળખવા લાગ્યા હતા. તેથી અંગ્રેજી શબ્દ 'મેંગો' મૂળ ભારતીય 'મન્ના'માંથી લેવામાં આવ્યો છે.
ભારતમાં કેરીનો રાજા એટલે સોરઠની કેસર કેરી, આફુસ બંગાળની લંગડો, માલગોવાની નીલમ, શાહપસંદ, તોતાપુરી મહુવાની જમાદાર અને રત્નાગિરિની આફૂસ મુખ્ય જાતો છે. જેમાંથી આજે આપણે વાત દરેકની ફેવરિટ એવી કેસર કેરીની ઉત્પતિની કરીશું. ૧૮૫૧થી ૧૮૮૨ સુધી જૂનાગઢમાં નવાબ મહાબતખાન-બીજાનું શાસન હતું. એ વખતે સાલેભાઈ નામના એક ખેડૂત માંગરોળ વિસ્તારમાં હતા. તેમણે પોતાના બગીચામાં મોટા કદની કેરીઓ જોઈ. આ કેરીઓ રાબેતા મુજબની કેરી કરતાં ખાસ્સી અલગ હતી. આ વિશિષ્ટ કેરી પાકીને ઝાડ પરથી નીચે પડી ત્યારે સાલેભાઈએ તેનો સ્વાદ ચાખ્યો. સાલેભાઈને એ કેરીનો સ્વાદ અન્ય કેરીના સ્વાદ કરતાં વધુ બહેતર લાગ્યો. તેમણે એ કેરી નવાબ મહાબતખાન બીજાને ભેટમાં આપી. નવાબે તેના દરબારીઓ સાથે કેરીનો સ્વાદ માણ્યો. તેમને આ કેરી અત્યંત મધુર, સોડમદાર અને રેસા વગરની લાગી. સ્વાદ-સુગંધમાં આ કેરી અન્ય કેરીઓ કરતાં ચઢિયાતી હતી. તેમણે આ કેરીને 'સાલેભાઈની આંબડી' નામ આપ્યું હતું. નવાબને કેરી પસંદ પડી એટલે તેની કલમો મંગાવી અને જૂનાગઢમાં રોપાવી.૧૮૮૭થી ૧૯૦૯ દરમ્યાન જૂનાગઢના દીવાન હરપ્રસાદ ઉદયશંકર દેસાઈએ માંગરોળ અને ચોરવાડના વિસ્તારોમાં સાલેભાઈની આંબડીનું વાવેતર કર્યું હતું. એ વખતે આ કેરી 'સાલેભાઈની આંબડી' તરીકે જ પ્રખ્યાત હતી. નવાબ મહાબતખાન-ત્રીજાના સમયગાળામાં એટલે કે ૧૯૨૦થી ૧૯૪૭ દરમ્યાન એ.એસ.કે. આયંગર જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ હતા. તેમણે 'સાલેભાઈની આંબડીનો વૈજ્ઞાાનિક ઢબે ઉછેર કર્યો. તેના કદ, રસ, સુગંધમાં થતાં ફેરફાર નોંધ્યા. કેરીના કેસરીયાળા ગરને ધ્યાનમાં રાખીને તેમણે સાલેભાઈની આંબડીને 'કેસર' નામ આપ્યું.તેમણે કેસરની વિવિધ જાતોને ગિરનારની તળેટી, સક્કરબાગ અને લાલઘોરી બગીચામાં ઉછેરી. તેમના દ્વારા ઉછેરવામાં આવેલી કેસર કેરીની વિવિધ જાતનો સ્વાદ રજવાડાઓને પણ દાઢે વળગ્યો. ૨૫ મે ૧૯૩૪ના રોજ જૂનાગઢ નવાબે કેરીને 'કેસર' નામ આપ્યું હતું. કેરીનો કેસરી રંગ તેમજ લહેજતદાર સ્વાદને ધ્યાનમાં રાખીને તેને 'કેસર' નામ આપ્યું હતું. કેસરનું ઉત્પાદન હવે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ થાય છે.
કચ્છમાં છેલ્લા બે દાયકામાં કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર કામ થયું છે. કચ્છમાં પણ કેસરની કલમો તાલાળા-ગીરમાંથી જ ગઈ હતી.સૂકી આબોહવાને લીધે કચ્છની કેસર તાલાળા-ગીરની કેસર કરતાં મોડેથી આવે છે.ગીર કેસર કેરીને ભૌગોલિક ઓળખ આપવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ૨૦૧૦માં આ માટેની અરજી મુકવામાં આવી હતી અને ૨૦૧૧માં ચેન્નાઇ ખાતે આવેલ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન રજીસ્ટ્રી દ્વારા આ અરજી મંજૂર કરવામાં આવી હતી.
અલગ-અલગ જાતની કેરીઓમાં સ્વાદ- દેખાવ જ નહીં, ગરનું બંધારણ પણ અલગ-અલગ હોય છે. આપણે તો બાળપણમાં તેને ઘોળીને ચુંસીને ગોટલાને ચુંસીને ભરપૂર આનંદ મેળવ્યો છે. ગોટલીને શેકીને તેનો મુખવાસ પણ કર્યો છે. હાફુસ, કેસર, બદામ, તોતા, લંગડો જેવી અમુક કેરી ખાધી છે કે ઓળખીયે છીએ પણ તેની વિવિધ ૧૦૫ જાત છે. અમુક કેરીની જાતના તો વિચિત્ર નામો હોય છે, જે આપણે કયારેય જોઇ નથી!! જેમાં દુધપેંડો, બોમ્બે હાફુસ, નિલેશાન, જહાંગીરપસંદ, કાવસજી પટેલ, નિલફાન્ઝો, અમીરપસંદ, બાદશાહ પસંદ, અંધારીયો દેશી, નારીયેરી, કાળિયો, પીળીયો, બાજરીયો, હઠીલો, બાટલી, કાળો હાફૂલ, કાચો મીઠો, દેશી આંબડી, બદામડી, સીંઘડી, કલ્યાણ બાગી, રાજાપુરી, અષાઢી, લંગડો, જમ્બો કેસર, સુપર કેસર, અગાસનો બાજરીયો, સફેદા, માલ્દા ગોપાલ ભેગા, સુવર્ણરેખા, પીટર, બેગાનો પલ્લી, એન્ડૂઝ, દિલપસંદ, પોપટીયા, ગધેમાર, આમીની, ચેમ્પિયન, વલસાડી હાફુસ, બદામી, બેગમ પલ્લી, બોરસીયો, દાડમીયો, દશેરી, જમાદાર, કરંજીયો, મકકારામ, મલગોબા, નિલમ, પાયરી, ?માની, સબ્જી, સરદાર, તોતાપુર, આમ્રપાલી, મલ્લિકા અર્જુન, રત્નાગીરી હાફૂસ, વનરાજ, બારમાસી, શ્રાવણીફો, નિલેર્શ્વર, વસીલદાબી, ગુલાબડી, અમુતાંગ, બનારસી લંગડો, જમીયો, રસરાજ, લાડવ્યો, એલચી, જીથરીયો, ધોળીયો, રત્ના, સિંધુ, રેશમ પાયરી, ખોડી, નીલકૃત, ફઝલી, ફઝલી રંગોલી,અમૃતિયો, ગાજરીયો, લીલીયો, વજીર પસંદ, ગીરીરાજ, સલગમ, ટાટાની આંબડી, સાલમભાઇની આંબડી, અર્ધપુરી, શ્રીમંત, નિરંજન, કંઠ માળો, કુરેશી લંગડો જેવી વિવિધ કેરીની જાતો છે.
વાત વિશ્વની સૌથી મોંઘામાં મોંઘી કેરીની કરવામાં આવે તો તેમાં જાપાનની મિયાઝાકી મોખરે છે. આ કેરી એક કિલો ખરીદવી હોય તો તમારે રૂપિયા ૩ લાખ સુધી ખર્ચવા પડે છે. આપણા દેશમાં સૌથી મોંઘી અને મર્યાદિત પ્રમાણમાં જોવા મળતી મલ્લિકા નૂરજહાં નામની કેરી છે. જે કિલોગ્રામના ભાવે નહિં પરંતુ પીસ (નંગ)ના ભાવે વેચાય છે. જેના એક કેરીની કિંમત રૂ. ૧૦૦૦થી ૨૦૦૦ છે.
કેરીના શોખીન તો લગભગ દરેક હશે અને તેમાં મહાન કવિ મિર્ઝા ગાલિબનો પણ સમાવેશ થાય છે. મિર્ઝા ગાલિબ કેરીને જેટલી પસંદ કરતાં તેટલી જ તેમના મિત્ર રજીઉદ્દીન ખાન નાપસંદ કરતાં. એકવાર કેરી મુદ્દે બંને વચ્ચે લાંબી ચર્ચા ચાલી. આ દરમિયાન એક ગધેડો પસાર થયો અને તેણે રસ્તામાં પડેલી કેરીને જોઇને જ દૂર ચાલ્યો ગયો. આ જોઇ રજીઉદ્દીને કટાક્ષ કર્યો કે, 'મિયા, કેરીમાં એવું તે શું ખાસ છે? ગધેડા પણ તે ખાતા નથી.' મિર્ઝા ગાલિબે તુરંત જવાબ આપ્યો, 'અરે, મારા દોસ્ત, જે ગધેડા હોય તે જ કેરી ખાતા નથી...'