ફૂલ ગજરો રે મારો હીર ગજરો... .
- અક્ષરનો અજવાસ-જયેન્દ્રસિંહ જાદવ
ચૈ ત્ર મહિનો એટલે વસંતતુનો મધ્યાંતર અને ઉનાળાની શરૂઆતનો સમયગાળો. આ સમય પ્રકૃતિમાં નવા રંગો અને સુગંધો ઉમેરાય છે. ગુજરાતની લોકસંસ્કૃતિમાં ચૈત્ર માસમાં ફૂલોના ગરબાની પરંપરા એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગુજરાતની અનન્ય લોકસંસ્કૃતિમાં ભાતીગળ ભાત પાડતા આ ફૂલોના ગરબાની પરંપરા આજે પણ જીવંત છે. લોકદેવીઓ અને કુળદેવીને રાખેલી માનતા પૂર્ણ થતા માતાજીને આ ગરબા ચઢાવવાની પરંપરા ઉત્તર ગુજરાતમાં વિશેષ જોવા મળે છે. માન્યતાઓનાં આકાશમાં કળાતત્ત્વ ઉમેરાય ત્યારે લોકસંસ્કૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. આ માન્યતા અપભ્રંશ થઈને માનતા થયું હશે. ખેતીમાં વર્ષ સારું જાય, સંતાનનો જન્મ થાય, દીકરીના સારે ઠેકાણે વિવાહ થાય જેવા અનેક કારણોસર માતાજીની માનતા રાખવામાં આવે અને એ કાર્ય પૂર્ણ થાય પછી માતાજીને ફૂલના ગરબા ચઢાવવાની પરંપરા છે. આ પરંપરામાં હવે નવી નવી માનતાઓ રાખી ફૂલના ગરબા ધરવાનું જોવા મળે છે. જે પરદેશનાં વિઝા મળી જાય, સંતાનને મેડીકલમાં એડમિશન મળી જાય કે પછી સંતાનોને સરકારી નોકરી મળી જાય ત્યાં સુધીની યુગાનુકુલ માનતાઓ વિસ્તરતી જોવા મળે છે. આમ પણ શ્રદ્ધાનાં આકાશને ક્ષિતિજો ક્યાં હોય છે!! એક લોકવાયકા અનુસાર રાવણે પોતાનું મસ્તક ઉતારી કમળપૂજા કરી શિવને રાજી કર્યા હતા. આ કમળપૂજાના પ્રતીક સ્વરૂપે દેવી-દેવતાઓને ફૂલ ચઢાવવાની પ્રથા શરુ થઇ. પરંતુ ઉત્તર ગુજરાતની ભૂગોળ પ્રમાણે અહીં એટલા પ્રમાણમાં ફૂલોનું ઉત્પાદન ન થતું હોવાથી કાગળના ફૂલોથી મા જગદંબાને રાજી કરવા માટેનો વિશેષ ઉપક્રમ રહેલો છે.
આ ફૂલના ગરબા લાકડાં કે વાંસની પટ્ટીઓમાંથી બને છે. લગભગ ચારથી પાંચ ફૂટનો ઘેરાવો અને ચારથી સાડા પાંચ ફુટ જેટલી ઊંચાઈથી લઇ ૩૫ -૩૫ ફૂટ સુધીનાં ગરબા તૈયાર કરાય છે. ફૂલોના આ ગરબામાં લાકડાં કે વાંસની પટ્ટીઓ ગરબાની ટોચ પર ભેગી થાય છે એટલે ત્યાં શિખર જેવું બને છે. આ ફૂલ ગરબાને વિવિધ પ્રકારના કાગળના ફૂલોથી સજાવાય છે. ગુલાબ, મોગરો, ચંપો, જૂઈ અને ગલગોટા જેવા ફૂલોને અદ્દલ રીતે કાગળથી તૈયાર કરવામાં આવે છે. ફૂલના ગરબા તૈયાર કરવાની આ કળાના જાણતલ હવે બહુ ઓછા રહ્યા છે. આ ફૂલના ગરબામાં નીચેની સાઇડ ગરબી મૂકવામાં આવે છે અને ગરબીમાં દીવો કરવામાં આવે છે. ફૂલના ગરબાનું વજન લગભગ ૧૦ કિલો અને તેનાથી વધુ થતું હશે પણ જયારે બહેનો માથે મૂકીને ગરબે ઘૂમે ત્યારે જાણે ફૂલોનો આ વજનદાર ગરબો હળવોફૂલ થઇ જતો હોય તેમ લાગે. મધ્ય ગુજરાતમાં કેટલાક ઠેકાણે ભાઈઓ પણ આ ફૂલ ગરબો માથે લઇ મા જગદંબાની આરાધના કરે છે. આખી રાત આ ફૂલોના ગરબા માથે લઇ માતાજીની આરાધના થાય છે. આખું ગામ આ ફૂલોના ગરબાના દર્શન કરવા આવે છે. કેટલીક જગ્યાએ આ ફૂલોના ગરબા માતાજીનાં મઢ કે મંદિરમાં મૂકી દેવાની પરંપરા છે તો ક્યાંક ફૂલોના આ ગરબાને નદીમાં વિસર્જિત કરવાની પરંપરા પણ છે. ગુજરાતમાં ફૂલોના ગરબા ચૈત્ર મહિના સિવાય આસો માસમાં દિવાળી પર પણ કરવામાં આવે છે. દિવાળીમાં થતા આ ગરબા સામાન્ય રીતે કોઈ ચોક્કસ દેવી કે દેવતાની આરાધના માટે અથવા તો ગામમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે હેતુથી યોજાય છે.ઉત્તર ગુજરાતનાં માણસા તાલુકાના ધોળેશ્વર ગામે ૫૫૦ વર્ષથી વધુ સમયથી આ ફૂલોના ગરબા યોજવાની પરંપરા છે. બનાસકાંઠા જીલ્લાનાં ઠાકોર સમાજનાં અનેક ગામોમાં પણ આ પરંપરા સદીઓથી જીવંત છે. ફૂલોના ગરબામાં ગવાતા ગીતો પણ પરંપરાગત હોય છે અને તેમાં દેવી-દેવતાઓની સ્તુતિ, પ્રકૃતિનું વર્ણન અને સામાજિક સંદેશાઓ સમાયેલા હોય છે. આ ગીતોમાં ખાસ કરીને માતાજીની સ્તુતિ, ચૈત્ર મહિનાની પ્રકૃતિ અને ફૂલોની સુંદરતાનો ઉલ્લેખ જોવા મળે છે.આ રીતે ફૂલોનાં આકર્ષક રંગો સાથે ગરબાની ઊર્જાનો સમન્વય ગુજરાતની લોક સંસ્કૃતિનું એક અનોખું અને જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ પરંપરા માત્ર એક નૃત્ય સ્વરૂપ નથી, પરંતુ તે આપણી શ્રધ્ધા, એકતા, પર્યાવરણ પ્રત્યેનો આદર અને સંસ્કૃતિ તથા પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધને પણ પ્રતિબિંબિત કરે છે.
અંતે,
ધન્ય ક્ષણ, આ ધન્ય અવસર
સવારના સોનેરી ગાલીચે
તમે બિરાજ્યા હે પરમેશ્વર
- રવીન્દ્રનાથ ટાગોર