નાનકડા નગરની મોટીમસ સમસ્યા .


- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- ગૌપાલક કે માલધારીના નેસ પાસેથી પસાર થઇએ ત્યારે ગાયના શરીરમાંથી વછૂટતી એક ખાસ પ્રકારની સુગંધ આ નગરની વિશેષતા છે

વા ત એક નાનકડા નગરની છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા આ નગરની વસતિ માત્ર ૧૮૪૨૩ (અઢાર હજાર ચારસો ત્રેવીસ) લોકોની છે. પૈસે ટકે બધા સુખી છે. કોઇ ગૌપાલક કે માલધારીના નેસ પાસેથી પસાર થઇએ ત્યારે ગાયના શરીરમાંથી વછૂટતી એક ખાસ પ્રકારની સુગંધ આ નગરની વિશેષતા છે. અહીં ચોવીસે કલાક આવી સુગંધ ફોર્યા કરે છે.

સો દોઢસો વરસ પહેલાં આ વિસ્તારને જોડતી રેલવે લાઇન નખાઇ રહી હતી ત્યારે કોલસાથી ચાલતા એંજિનો હતાં એટલે અહીં કોલસાના મોટા ગોદામો હતા. ત્યારથી આ નગરનું નામ કોલીંગા પડી ગયેલું. મૂળ નામ તો આજે કોઇને યાદ સુદ્ધાં નથી. ૨૦૨૨ના ઓગસ્ટ મહિનામાં કોલીંગાના ફાયર બ્રિગેડના વડાએ મિડિયાને કહેલું કે નગરના હાઇડ્રન્ટમાં પાણી નથી.

આજે તો ભાગ્યે જ કોઇ શહેરની સડકો પર હાઇડ્રન્ટ જોવા મળે છે. એક સમયે મુંબઇ, અમદાવાદ કે દિલ્હી જેવાં શહેરોની સડકો પર હાઇડ્રન્ટ જોવા મળતા. ભૂગર્ભમાં રહેલી પાણીની પાઇપ સાથે આ હાઇડ્રન્ટ જોડેલા રહેતા. ક્યારેક ઓચિંતી ક્યાંક આગ લાગે ત્યારે આ હાઇડ્રન્ટ ફાયર બ્રિગેડના જવાનોને કામ લાગતા.

એ પછી તાજેતરમાં સ્થાનિક વહીવટી તંત્રે જાહેર કર્યું કે નગરને પીવાનું પાણી પૂરું પાડતા  સરોવરમાં હવે તળિયું દેખાય છે. નગરના મેયર રે સિંગલટને કહ્યું કે માત્ર પહેલી ડિસેંબર સુધી પાણી મળશે. સ્વાભાવિક છે કે આ જાહેરાત સાંભળીને લોકોના જીવ અદ્ધર થઇ જાય.

કોલીંગા એક નાનકડું પણ રમણીય નગર છે. અહીંની બે ચીજો સમગ્ર અમેરિકામાં વખણાય છે. એક, અહીંની હોસ્પિટલ અને બીજી અહીંની વિરાટ જેલ. હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર વાજબી ચાર્જથી મળે છે. આખા અમેરિકામાં આવી બીજી હોસ્પિટલ નથી. બીજી અહીંની જેલ જેના પરથી હોલિવૂડમાં એક કરતાં વધુ ફિલ્મો બની ચૂકી છે. ૬૪૦ એકરમાં વિસ્તરેલી આ જેલમાં ખૂંખાર હત્યારા અને રીઢા ગુનેગારોને સીધા કરી દેવાની અનેક 'તરકીબો' (ખરેખર તો ચૌદમું રતન) અજમાવાય છે. ભલભલા ગુનેગારો આ જેલનું નામ સાંભળીને જ પરસેવે રેબઝેબ થઇ જાય છે. આ જેલ વિશે એક આખો લેખ થઇ શકે એમ છે.

નગરના મેયર સિંગલટન કહે છે કે અગાઉ અમને દર વરસે સ્ટેટ તરફથી દસ હજાર એકર ફિટ જમીનમાં ખેતીવાડી થઇ શકે એટલું પાણી મળતું હતું. પરંતુ કોરોના એપિડેમિક પછી કોણ જાણે શું થયું આ વરસે અમને ફક્ત બે હજાર એકર ફિટ જેટલું પાણી મળ્યું છે. આ સંજોગોમાં અમે દરેક પરિવારને દૈનિક વપરાશ માટે રોજ એક લિટર પાણી પણ ન આપી શકીએ.

આમ તો કોલીંગાને સ્ટેટ તરફથી પાઇપ લાઇન દ્વારા પાણી પુરવઠો પૂરો પડાય છે. પરંતુ અગાઉ કહ્યું એમ આ વરસે નિશ્ચિત ક્વોટા જેટલો પુરવઠો મળ્યો નથી. આ સંજોગોમાં ટેન્કર્સ દ્વારા પાણી મંગાવીને ખરીદવું પડે. દુનિયાભરમાં બને છે એેમ આ નગરમાં પાણીની ખેંચ છે એવા અહેવાલો વોશિંગ્ટન પોસ્ટ જેવા અખબારોમાં પ્રગટ થઇ જતાં 'પાણીના વેપારીઓ'એ કાળાબજાર શરૂ કરી દીધા.

અગાઉ જે પાણી દર એકર ફૂટે ૧૯૦ ડોલરના ભાવે મળતું હતું એના ભાવ વેપારીઓએ વધારીને દર એકર ફૂટે ૨૫૦૦ ડોલર કરી નાખ્યા.

મેયર સિંગલટન કહે છે કે અમારું વાર્ષિક બજેટ જ ૧૦ લાખ ડોલરનું છે. દર ફૂટ એકરે ૨૫૦૦ ડોલરના ભાવે અમારે પાણી ખરીદવું હોય તો અમારે પચીસ લાખ ડોલર ચૂકવવા પડે. નગરના બજેટ કરતાં અઢી ગણો ખર્ચ થાય. અમારી કને એટલી મૂડી નથી. આ ભાવવધારો ગુનાહિત છે. ફેટરલ ગવર્નમેન્ટ (અર્થાત બાઇડેન સરકાર) કોઇ નક્કર પગલાં લે તો સારું નહીંતર અમે તરસે મરી જઇશું. બોટલ્ડ વોટરના ભાવમાં સીધો બે હજાર ગણો વધારો આ લોકોએ કરી નાખ્યો છે. અમારી ક્રિસમસ આ વરસે જીવલેણ નીવડે એવાં અણસાર છે. જિસસ સૌને સદ્બુદ્ધિ આપે.

City News

Sports

RECENT NEWS