આસુરી એસ્થેટિશિયનનાં કાળાં કારનામાં
- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- પાંચ પ્રકારના બોટુલિઝમ છે. એ ક્લોસ્ટ્રીડીયમ બોટુલિઝમ નામના બેક્ટિરિયાથી શરીર પર જીવલેણ અસર કરે છે
કો ણ જાણે કેમ, લગભગ દરેક વ્યક્તિને પોતાના કરતાં અન્ય વ્યક્તિ વધુ સુડોળ, સુંદર અને આકર્ષક લાગતી હોય છે. તમે અવારનવાર વાંચતાં હશો કે કોઇ ટીનેજરને સલમાન ખાન જેવા સિક્સ પેક કરવા છે તો કોઇને શર્મિલા ટાગોર જેવી આંખો બનાવવી છે. કોઇને પોતાનું નાક બેડોળ લાગે છે તો કોઇ ટીનેજરને પોતાનાં સ્તન પાતળાં અને નાનકડાં લાગે છે. આવા ગાંડાઘેલા વિચારોને કારણે લોકો હજારો રૂપિયા ખર્ચીને સુંદર બનવા કોસ્મેટિક સર્જ્યન કે એસ્થેટિશિયન પાસે જતાં હોય છે. જો કે ક્યારેક આવા પ્રયોગો બકરું કાઢતાં ઊંટ પેસાડી દેવા જેવા નીવડે છે.
આપણે ત્યાં અભિનેત્રી પરવીન બાબી અને રાખી સાવંતે આ પ્રકારે પોતાના સ્તનનો ઊભાર વધારાવ્યો હતો એ તમને યાદ હશે. જો કે આવી કૃત્રિમ સુંદરતા લાંબો સમય ટકતી નથી. જેમ સ્ટીરોઇડ લેનારો ખેલાડી આ ઔષધની અસર પૂરી થતાં ગાભા જેવો થઇ પડે છે એમ કૃત્રિમ સુંદરતા સમયની સાથે પોતાનું આકર્ષણ ગુમાવી દે છે. ગયા મહિને અમેરિકી પોલીસે એક ડિગ્રીધારી એસ્થેટિશિયનને પોતાના ક્લાયન્ટ સાથે જીવલેણ જોખમ જેવાં કૌભાંડો કરતાં ઝડપી લીધો હતો. અમેરિકી અદાલતે ગુનાની ગંભીરતાં જોતાં એેને એક લાખ અમેરિકી ડોલર (આશરે એંસી લાખ રૂપિયા)ના જામીન પર છોડયો હતો. પોલીસે એનો પાસપોર્ટ કબજે કરી લીધો હતો જેથી એ દેશ છોડીને ભાગી ન જાય.
જોય ગ્રાન્ડ લુથર નામના આ કોસ્મેટિક સર્જ્યનની મોડસ ઓપરેન્ડી અર્થાત્ કામ કરવાની પદ્ધતિ બહુ સરળ હતી. એ ખૂબ લલચામણી ભાષામાં સ્થાનિક અખબારોમાં જાહેર ખબર આપતો. દાખલા તરીકે, તમારે સ્તનનો ઊભાર વધારવો છે ? તો તમારે એકવાર અચૂક અમારા અલ્ટ્રામોડર્ન બ્યુટિ ક્લીનીકની મુલાકાત લેવી જ રહી. ઇમ્પોર્ટેડ બોટોક્સ અને અન્ય સાધનો દ્વારા તમારા બજેટને પરવડે એવા ખર્ચે અલૌકિક સૌંદર્ય મેળવો અને તમારી પાડોશણો અને બહેનપણીઓને ઇર્ષાનો ભોગ બનવાદો.
આપણે ત્યાં અખબારોમાં જે તે જાહેર ખબરના ચોપાનિયાં આવે છે એવાં ચોપાનિયાં પણ એ ઘરે ઘરે મોકલતો. એમાં સૌંદર્ય સારવારની ફી એટલી ઓછી લખતો કે અનેક મહિલાઓ લલચાઇ-ફસાઇ જતી. જોય લુથર ચીનથી સસ્તાં ઓસડિયાં અને બનાવટી બોટોક્સ મંગાવતો. એના દ્વારા કહેવાતી બ્યુટી સારવાર કરતો. આ સારવાર થોડો સમય ચહેરા પર ચમક કે સ્તનના ઊભાર જેવો ચળકાટ આપતી. પછી બનાવટી દવાઓ એની અસલિયત દેખાડવા લાગતી. બનાવટી બોટોક્સની એક સૌથી જોખમી અને ગંભીર આડઅસર બોટુલિઝમના નામે મેડિકલ વિશ્વમાં જાણીતી છે.
આમ તો પાંચ પ્રકારના બોટુલિઝમ છે. એ ક્લોસ્ટ્રીડીયમ બોટુલિઝમ નામના બેક્ટિરિયાથી શરીર પર જીવલેણ અસર કરે છે. આ બેક્ટિરિયા આપણી નર્વસ સિસ્ટમ પર આક્રમણ કરે છે. કોઇને આંખે ઝાંખપ આવી જાય તો કોઇને બધી ચીજ વસ્તુ અને વ્યક્તિ બબ્બે દેખાવા માંડે. કોઇને સ્નાયુનો પેરેલિસિસ થઇ જાય તો કોઇના ચહેરા પર દાઝી ગયા જેવા ફોલ્લા ઊઠી આવે કે સોજા ચડે. કોઇને શ્વાસોચ્છવાસમાં તકલીફ થાય તો કોઇને ખોરાક ગળવામાં તકલીફ પડે. કોઇને બોલતી વખતે ઉચ્ચારો લથડી પડતાં લાગે. ક્યારેક ડોક્ટરને ખ્યાલ આવે એ પહેલાં આવા દર્દીનું મૃત્યુ નીપજે. સારવાર લઇ જનારી કોઇ મહિલા આડઅસરની ફરિયાદ કરે ત્યારે જોય એવું અષ્ટંપષ્ટં સમજાવતો કે શરૂમાં આવું થાય. સુંદર દેખાવું હોય તો થોડો સમય તકલીફ સહન કરી લેવી પડે. જરા જુઓ તો ખરાં તમારી ઉંમર દસ વર્ષ ઘટી ગઇ હોય એટલાં સુંદર તમે દેખાઓ છો. કોઇને એમ કહીને સમજાવતો કે ક્યારેક જેમ ઇમપ્લાન્ટ કરેલી કિડની કે અન્ય અવયવ શરીર રિજેક્ટ કરે છે એમ સૌંદર્ય સારવારમાં ક્યારેક આવી કામચલાઉ આડઅસર થાય પણ ખરી. થોડા સમય પછી બધું બરાબર થઇ જશે. નહીં થાય તો હું તમે ચૂકવેલી ફી પાછી આપી દઇશ, બસ?
પોલીસે જોય લુથરના ક્લીનીક પર દરોડા પાડયા ત્યારે ચીનથી આવેલાં અન્ય ઓસડિયાં અને બનાવટી બોટોક્સનો જથ્થો મળી આવ્યો. એની સાથોસાથ લુથરે આવાં ચીની ઔષધોથી ઓછામાં ઓછી સાતસો મહિલાઓની સારવાર કરી હોવાના રેકર્ડ પણ મળી આવ્યા. પોલીસે અમેરિકી કાયદાની વિવિધ કલમો આ એસ્થેટિશિયન પર લગાડી અને એની ધરપકડ કરીને એને કોર્ટમાં રજૂ કર્યો. કેટલીક મહિલાઓએ શરમ સંકોચ વિના કોર્ટમાં સાક્ષી આપવાની તૈયારી દેખાડતાં પોલીસનું કામ સરળ થઇ પડયું હતું. ઢગલાબંધ પોલીસ ફરિયાદો જોતાં જોય લુથરે ડહાપણ વાપરીને પોતાનો ગુનો કબૂલ કરી લીધો.