For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોઈ ઘર મોતથી બચેલું નથી

Updated: Sep 20th, 2022

Article Content Image

- મૃત્યુનો શોક ન કરતાં એની શોધ કરવી જોઈએ કે જેથી ફરીથી જન્મ ન  આવે. જો જન્મ નહિ થાય તો મૃત્યુ પણ નહીં આવે.

કિ સા ગૌતમીને પ્રાણથી પણ પ્યારો એવો એક પુત્ર હતો. તેના અચાનક મૃત્યુથી તે છાતીફાટ રડવા લાગી ને એટલી બધી શોકમગ્ન રહેવા લાગી કે ધીરે ધીરે તે ગાંડી બની ગઈ ને પોતાના પુત્રની લાશને છાતી પર રાખી ઠેરઠેર ભટકતી બૂમો પાડવા લાગી : 'કોઈ દવા આપો, મારા બાળકને કોઈ સજીવન કરો.' આમ કહેતી તે ક્યારેક દોડતી, ક્યારેક ગામના પાદરે જઈ બેસતી તો ક્યારેક કરુણ સ્વરે રડી ઊઠતી.

ગામના લોકોએ એને ખૂબ સમજાવી; પરંતુ એ તો કેમેય સમજતી નહોતી. તેને આવી દયાજનક સ્થિતિ જોઈ કોઈ સજ્જને તેને ભગવાન બુદ્ધ પાસે મોકલીને કહ્યું, 'જા' સામે વિહારમાં ભગવાન બુદ્ધ બેઠા છે, એમની પાસે દવા માગજે. એ જરૃર તારું દુ:ખ દૂર કરશે.'

કિસા તો માતા હતી ને! પુત્રને જિવાડવાની ઈચ્છાથી એ તો દોડતી બુદ્ધ પાસે ગઈ. એમના ચરણમાં આળોટી પડીને રોતાં રોતાં પોતાના બાળકને જીવતદાન આપવા પ્રાર્થના કરવા લાગી.

'કિસા, તું અહીં આવી એ તેં ખૂબ સારું કર્યું. હું બાળકને જીવતદાન આપીશ; પરંતુ એક શરતે. જો, તું ગામમાં જા. જેના ઘરમાં આજ સુધી કોઈ પણ મૃત્યુ ન પામ્યું હોય તેને ત્યાંથી  થોડા રાઈના દાણા લઈ આવ.'

કિસા તો બાળકને છાતી સરસો લગાડી ગામ ભણી દોડી ને ઘેરઘેર રાઈના દાણા માટે ભટકવા લાગી. લોકો એનું દુ:ખ જોઈને રાઈના દાણા લઈ બહાર દોડી આવી તેને આપવા હાથ લંબાવતા પણ કિસા તેમને પૂછતી, 'તમારા ઘરમાં આજ સુધી કોઈ એમની આંખો સામે કરુણ નયને નિહાળી રહેતી ને ફરી પાછો એ પ્રશ્ન પૂછતી, ત્યારે કોઈ બોલી ઊઠતું : 'બહેન, મરણ વગર તે કોઈ ઘર રહ્યું હોય ખરું કે? મૃત્યુ તો દરેક ઘરમાં થાય છે ને માનવીને લઈ જાય છે.'

કિસા નિરાશ થઈ ત્યાંથી પાછી ફરતી ને બીજે ઘેર જતી. ત્યાં પણ એ જ પ્રશ્ન પૂછતી ને જવાબ પણ એવો જ મળતો. ધીરે ધીરે એના હૈયામાંથી અવાજ ઊઠયો : 'મૃત્યુ તો માનવીમાત્રનું થવાનું છે ને એ તો દરેક ઘરનું ભાવિ છે. જે જન્મે છે તે મરે છે. એને તો કોઈ ઉપાયે ટાળી શકાય નહિ. જો મૃત્યુ ન હોત તો પછી લોકો પોતાનાં સ્વજનોને, માતા પોતાના બાળકને કેમ મરવા દેત? એક જ ઘરમાં નહિ, પરંતુ મૃત્યુનું સામ્રાજ્ય તો સારાયે જગત પર ફેલાયેલું છે.'

કિસા છેવટે બાળકને લઈને સ્મશાન ગઈ. તે બાળકને દાટી આવીને પાછી બુદ્ધના ચરણાં ઢળી પડી. ભગવાને એને આશીર્વાદ આપતાં કહ્યું : 'કીસા, મૃત્યુનો શોક ન કરતાં એની શોધ કરવી જોઈએ કે જેથી ફરીથી જન્મ ન  આવે. જો જન્મ નહિ થાય તો મૃત્યુ પણ નહીં આવે. જિંદગીનું સાચું રહસ્ય એ જ છે. એને તું સમજ.'

Gujarat