Get The App

ગેસ તથા પેટના દુખાવાને દૂર કરતું એક સાદું સરળ ચૂર્ણ

Updated: Aug 10th, 2021

GS TEAM


Google News
Google News
ગેસ તથા પેટના દુખાવાને દૂર કરતું એક સાદું સરળ ચૂર્ણ 1 - image


- રોજ સવાર સાંજ અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકી જવાથી મળશુદ્ધિ સરળતાથી થાય છે

ચો માસાની સીઝન ચાલી રહી છે. સ્વાભાવિક રીતે આ ઋતુમાં પાચનતંત્ર કથળે છે. અનેક લોકોનો જઠરાગ્નિ વર્ષાના વાદળછાયા અને ભેજમુક્ત વાતાવરણમાં મંદ થવા માંડે છે. ખાધેલું બરાબર પચતું નથી અથવા તો જે કંઈ ખાધું હોય તેમાંથી કાચા આમ રસની ઉત્પત્તિ થાય છે. નબળા પહેલા પાચનના કારણે પેટ બરાબર સાફ આવતું નથી, પરિણામે ગેસની ઉત્પત્તિ થાય છે અને ક્યારેક તો પેટમાં ગરબડ સાથે દુખાવાની પણ ફરિયાદ જોવા મળે છે. 

આવી સ્થિતિમાં ઉપયોગી થાય અને આરોગ્ય પ્રાપ્તિ માટે મદદરૂપ બને એવું એક ચૂર્ણ 'સારંગધર સંહિતા'માં સૂચવેલું છે. સાદું સરળ છતાં સૌ કોઈને ઉપયોગી થાય એવું આ ચૂર્ણ સૂંઠ, હરડે, લીંડીપીપર, નસોત્તર અને સંચળના સમભાગ મિશ્રણમાંથી તૈયાર થાય છે.

સરખા ભાગે લેવાયેલ આ પાંચે ઔષધનું સંયોજન એટલું સરળ છે કે જો નિરોગી વ્યક્તિ એનું રોજ સેવન કરે તો બીમારીને શરીરમાં દાખલ થવાની તક જ ન મળે અને જો ગેસ, કબજિયાત કે આમજન્ય રોગોથી પીડાતી વ્યક્તિ એનું સેવન કરે તો સરળતાથી રોગ મુક્ત થાય છે. કેમ કે એમાં આવતાં પાંચેપાંચ ઔષધ (ઉપરોક્ત) બીમારીના મૂળમાં જ ઘા કરે છે.

સૂંઠનો સૌથી મહત્વનો ગુણ આમપાચનનો છે. જે ઔષધમાં પણ આમપાચનનો ગુણ હોય તે મહૌષધ એટલે કે શ્રેષ્ઠ ઔષધ બની શકે છે. કેમ કે આયુર્વેદમાં આમ એટલે કે નહીં પચેલા ખોરાકના કાચા અંશને જ રોગ માત્રનું મૂળ માનવામાં આવે છે. 'आम हि सर्व रोगाणां मूलम् ।' એ આયુર્વેદનું સાર સૂત્ર છે. સૂંઠ અગ્નિને પ્રદીપ્ત કરી પાચનશક્તિ સુધારે છે. તેના સેવનથી શરદી, અપચાના કારણે થતા ઉદરરોગો, આફરો તથા શૂલ એટલે કે પેટનો દુખાવો દૂર થાય છે. શરીરમાં થતા વાયુજન્ય દુખાવાને પણ સૂંઠ દૂર કરી શકે છે.

સૂંઠ પછીનું બીજું દ્રવ્ય છે હરડે. કેટલાક લોકો હરડેને બદલે હીમેજ પણ વાપરે છે. ઠળિયા કાઢી નાખેલી મોટી (રંગે), લીલી અને વજનદાર હરડેની છાલ ઉત્તમ ગણાય છે. હરડે આયુર્વેદની દૃષ્ટિએ ત્રિદોષશામક છે. વાયુ, પિત્ત કે કફ વિષમ થવાથી શરીરમાં જે ગરબડ થઈ હોય તેને શાંત કરવા માટે હરડે જેવું બીજું ક્યું ઔષધ હોઈ શકે?

હરડેથી પેટ સાફ આવે છે. પચીને સમયસર ઝાડો થઈ શકે છે. તે પણ અગ્નિને પ્રદીપ્ત કરી પાચનતંત્રને સુધારે છે. એના સેવનથી પેટમાં એકઠો થયેલો ગેસ દૂર થાય છે. વાયુનું અનુલોમન કરનાર હોવાથી આંતરડામાં એકઠો થયેલો વાયુ સરળતાથી નીચેના માર્ગથી બહાર નીકળી શકે છે. 'સ્રોતોરોધ' એટલે કે શરીરના વહનમાર્ગમાં અવરોધ ઊભો થવો. હરડે આ સ્રોતોરોધને દૂર કરી આખા શરીરના વહનમાર્ગોને ચોખ્ખા કરવાનું કામ કરે છે. સૂંઠના ઉકાળામાં ચમચી દીવેલ નાખીને પીવાથી આમવાત નામનો સાંધાનો દુખાવો પણ દૂર થાય છે.  લીંડીપીપર પણ આમનું પાચન કરે છે.

ભૂખ લગાડે છે અને કફ તથા વાયુનું શમન કરે છે. અને ગરમ પડતી ન હોવાથી સરળતાથી એનું સેવન કરી શકાય છે. લીંડીપીપરનો એક સૌથી મહત્વનો ગુણ એ છે કે તે 'રસાયન' છે. એના નિયમિત સેવનથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આથી રોગ તથા વૃદ્ધાવસ્થાને તે દૂર ઠેલી શકે છે.

ચોથું દ્રવ્ય છે નસોત્તર, તે પિત્તનું રેસન કરી પેટમાં એકઠા થયેલા મળોને બહાર કાઢે છે કમળાનું તથા હરસ (મસા)નું એ અસરકારક ઔષધ છે. વાયુ તથા કફનું શમન કરે છે અને તેથી આમાંના એક ઘટકદ્રવ્ય તરીકે ધાર્યું પરિણામ મેળવવામાં મદદ કરે છે.

સંચળ  છેલ્લું અને પાંચમું દ્રવ્ય છે. સંચળનો સૌથી મહત્વનો ગુણ છે. રૂચિ વધારવાનો, અમસ્તી પણ મોંમાં સંચળની કાંકરી રાખીને ચગળવામાં આવે તો રૂચિ થાય છે અને વાછૂટ પણ સરળતાથી થાય છે. તે અગ્નિને પ્રદીપ્ત કરી આમનું પાચન કરવામાં પણ મદદ કરે છે. ઓડકાર, ગેસ, કબજિયાત તથા પેટના દુખાવાને પણ તે દૂર કરી શકે છે.

રોજ સવાર સાંજ અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકી જવાથી મળશુદ્ધિ સરળતાથી થાય છે. અને આફરો, ગેસ, કૃમિ, મંદાગ્નિ અને આમવાત જેવા રોગોમાં ધાર્યું પરિણામ આપે છે.

Tags :