Get The App

સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ ? સેકન્ડ હેન્ડ લેવાય ?

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ ? સેકન્ડ હેન્ડ લેવાય ? 1 - image

તમે સ્માર્ટફોનની કિંમતો પર સતત નજર રાખતા હોય તો એક ટ્રેન્ડ તમારા ધ્યાનમાં આવ્યો હશે. દસેક વર્ષ પહેલાં ખરીદેલા ફોનમાં જે ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ મળતાં હતાં, લગભગ એ જ બધું પછીના ચાર-પાંચ વર્ષમાં ઓછી કિંમતે મળવા લાગ્યું હતું. હવે એ ટ્રેન્ડ બદલાયો છે. પાછલાં એક-બે વર્ષમાં, ફોનમાં સ્પેસિફિકેશન્સ ખાસ બદલાયાં નથી, પણ કિંમતો વધી છે. ખાસ કરીને બજેટ અને મિડ-રેન્જ ફોનની કિંમતો એકાદ હજારથી લઈને સાડા ત્રણ હજાર જેટલી વધી ગઈ છે.

આ કારણે ભારતમાં સેકન્ડ હેન્ડ ફોનનું માર્કેટ ફરી ઊંચકાય તેવી શક્યતા છે. તમે અત્યારે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમે પણ બજેટની ભીંસ અનુભવો એવું બની શકે છે. એ કારણે તમારે એવું પણ વિચારવું પડે કે ખરેખર નવા ફોનની જરૂર છે ખરી? બીજો સવાલ એ કે સેકન્ડ હેન્ડ ફોન લેવાય ખરો?

આ બંને સવાલના જવાબ એકદમ વ્યક્તિગત છે. તમારો ફોન તદ્દન જૂનો થઈ ગયો હોય તો તેને બદલવો જ પડે. તેમ, તમે બજેટ કે મિડ-રેન્જ ફોનથી કંટાળ્યા હોય, પણ ફ્લેગશિપ ફોનનું બજેટ ન હોય તો સેકન્ડ હેન્ડ ફોન તરફ નજર દોડાવવી પડે. બંને સ્થિતિમાં, જો બજેટની બહુ ચિંતા ન હોય તો, કે અપેક્ષાઓ થોડી ઘટાડીને પણ સેકન્ડ હેન્ડને બદલે નવો ફોન લેવો સારો.

હવે એ વિચારીએ કે એવી કઈ સ્પષ્ટ નિશાનીઓ છે જેને કારણે આપણો ફોન આઉટડેટેડ થતો હોવાના આપણને સંકેત મળે?

‘નવાં ફીચર્સ’ તમારા ફોનમાં નથી?

સૌથી પહેલાં તો ટીવી પર જાત જાતની ‘નવી’ સુવિધાઓ (પોપઅપ થતો કેમેરા!) ધરાવતા સ્માર્ટફોનની જાહેરાતો જોઈને આપણને ખ્યાલ આવે કે આપણા ફોનમાં એ સુવિધા નથી, ફોન હવે જૂનો થયો! પરંતુ આવા ‘દેખીતા’ (અને ઘણાના મતે બહુ અનિવાર્ય નહીં!) ફેરફારો ઉપરાંત જુદી જુદી એવી ઘણી બાબતો હોય, જેને કારણે આપણે ફોન ખરેખર બદલવાની જરૂર ઊભી થાય. એપલના કિસ્સામાં ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને ફોન પોતે કંપની જ બનાવતી હોવાથી, ફોનનાં નવાં મોડેલમાંનાં હાર્ડવેરનાં નવાં ફીચર્સનો લાભ ભલે જૂના ફોનમાં ન મળે, પણ ઓપરેટિંગ સિસ્ટમ સહેલાઈથી અપગ્રેડ કરી શકાતી હોવાથી એટલી નિરાંત રહે. એન્ડ્રોઇડમાં ફોન મેન્યુફેક્ચરિંગ કંપની અને ફોનની ઓપરેટિંગ સિસ્ટમ બંને પોતપોતાની રીતે નવી સુવિધાઓ આપે છે. સામાન્ય રીતે એન્ડ્રોઇડ દર વર્ષે સપ્ટેમ્બરની આસપાસ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરે છે. આપણે સ્ટોક એન્ડ્રોઇડવાળો ફોન ખરીદ્યો હોય કે પ્રમાણમાં મોંઘો એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો હોય તો તેમાં ઝડપથી નવું વર્ઝન મળવાની શક્યતા ખરી, બાકી ક્યારેય ન પણ મળે.

સિક્યોરિટી અપડેટ્સ નિયમિત મળતા નથી?

ફોનમાં પ્રમાણમાં જૂની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો ફોન તો ચાલે, આપણું કામ પણ ચાલી જાય, પણ જો ફોન કંપની વિવિધ સિક્યોરિટી અપડેટ્સ પણ આપવાનું બંધ કરી દે તો એ સાચો સમય છે જ્યારે આપણે ફોન બદલવાનો વિચાર કરવો જોઈએ. આજના સમયમાં સ્માર્ટફોન ઘણી બધી રીતે આપણી નબળી કડી હોવાથી તેમાં નવા નવા સિક્યુરિટી અપડેટ્સ મળવાનું બંધ થાય તો એ ફોન ઝડપથી બદલવો જોઇએ.

બેટરી ઝડપથી ઉતરી જાય છે?

સિક્યુરિટીની મહત્ત્વની બાબત ઉપરાંત જો તમે સ્માર્ટફોનના પ્રખર યૂઝર હો તો તેના ઉપયોગમાં આવતી અડચણો પણ બતાવી શકે કે હવે સ્માર્ટફોન બદલવો પડશે. જેમ કે ફોનની બેટરી ખાસ્સી ઝડપથી ઉતરવા લાગે, ફોન થોડા થોડા સમયે ફેકટરી રીસેટ કર્યા પછી પણ વધુ ને વધુ ધીમો થતો જતો હોય તેવું લાગે. આવી સ્થિતિમાં ફોન બદલ્યા વિના છૂટકો નથી કેમ કે હવે મોટા ભાગના ફોનમાં બેટરી બદલી શકાતી નથી.

નવી એપ્સ નથી ચાલતી?

તમારો ફોન ઘણો જૂનો હોય અને તેમાંની ઓપરેટિંગ સિસ્ટમ પણ જૂની હોય તો નવા જમાનાની ઘણી એપ્સનો આપણને લાભ ન મળે એવું બની શકે. જેમ કે, વર્ચ્ચુઅલ રિઆલિટી કે ઓગમેન્ટેડ રિઆલિટી ભલે હજી દૂરની વાત હોય, પણ આવી રહેલા સમયની ઝાંખી કરાવતી ઘણી એપ્સ, આપણા જૂના ફોનમાં ચાલે જ નહીં એવું બની શકે.

ફોનમાં જે એપ ઇન્સ્ટોલ થઈ શકી હોય, ચાલતી પણ હોય, એ વારંવાર ક્રેશ થવા લાગે તો એ પણ ફોન જૂનો થઈ રહ્યો હોવાનો સંકેત છે. કોઈ એપ પોતે નબળી રીતે ડિઝાઇન થઈ હોય અને એ વારંવાર ક્રેશ થાય તો એ અપવાદ થયો, પણ સારી, જાણીતી એપ્સ પર ક્રેશ થાય તો પછી લોચો ફોનમાં છે!

કેમેરાથી સંતોષ નથી?

ફોનથી ફોટોગ્રાફી તમારા માટે શોખનો વિષય હોય તો એ મુદ્દો પણ ધ્યાને લેવા જેવો છે. નવા સ્માર્ટફોનમાં કેમેરાની ખૂબીઓ માત્ર એડવર્ટાઇઝમેન્ટમાં ગાઇ-વગાડીને કહેવા પૂરતી સીમિત નથી, એમાં ખરેખર ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે. એટલે માત્ર કેમેરા ખાતર પણ તમારે ફોન અપગ્રેડ કરવાનું વિચારવું પડે.

એન્ડ્રોઇડનું નવું વર્ઝન, પણ સ્પેસિફિકેશન્સ જૂનાં?

એન્ડ્રોઇડનાં નવાં વર્ઝન ઝડપથી મળે એ ધ્યાનમાં રાખીને તમે સ્ટોક એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો હોય કે એવી અમુક કંપનીનો ફોન ખરીદ્યો હોય જે બજેટ ફોનમાં પણ એન્ડ્રોઇડના નવા વર્ઝનનો લાભ આપતી હોય, તો એના ગેરલાભ પણ છે!

જેમ કે આપણા જૂના ફોનનાં સ્પેસિફિકેશન્સ નવા વર્ઝનની બધી ખૂબીઓનો ભાર ખમી શકે તેમ ન હોય. સામાન્ય રીતે એન્ડ્રોઇડ પોતે પ્રમાણમાં નબળાં સ્પેસિફિકેશનને પણ ધ્યાનમાં રાખીને એન્ડ્રોઇડનું નવું વર્ઝન તૈયાર કરે છે, પરંતુ નવી એપ્સ અને ગેમ્સ યૂઝરને વધુને વધુ લાભ આપવાની લ્હાયમાં ફોનમાં વધુ ને વધુ રિસોર્સિસ માંગે છે. પરિણામે ફોનમાં એન્ડ્રોઇડનું નવું વર્ઝન મળે તેમ છતાં આપણને તેનો પૂરો લાભ ન મળે એવું પણ બને!

એટલે, હાલના ફોનને હાર્ડવેર અને સોફ્ટવેર બંને રીતે તપાસીને પછી નક્કી કરવું પડે કે ફોન ખરેખર જૂનો થયો છે કે નહીં?!

ftÃkLke MkŠxVkRz MkufLz nuLz VkuLk

ભારતમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદવી હોય તો તે કામ પ્રમાણમાં સહેલું છે કેમ કે હવે મોટી મોટી કાર કંપની પણ સર્ટિફાઇડ પ્રી-ઓન્ડ કાર ઓફર કરે છે. જેમાં કંપની પોતે સેકન્ડ હેન્ડ કારને યોગ્ય રીતે ટેસ્ટ કરી, રિપેર કરીને પછી વોરંટી સાથે વેચાણ કરે છે. આપણે ઉપર જોયું તેમ રીફર્બિશ્ડ લેપટોપ કે ડેસ્કટોપ ખરીદવા માટે પણ આપણને ભરોસાપાત્ર વિકલ્પો મળી રહે છે પરંતુ સ્માર્ટફોન બાબતે આવા વિકલ્પો ઓછા છે. મોટા ભાગે આપણે કોઈ ઓળખીતા-પાળખીતા પાસેથી સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદવો પડે.

પરંતુ હવે સેમસંગ કંપનીએ ભારત માટે ‘સર્ટિફાઇડ રીન્યૂડ સ્માર્ટફોન પ્રોગ્રામ’ (સર્ચ કરો Samsung Certified Re-Newed ) લોન્ચ કર્યો છે. એ કારણે આપણે પોતાનું બજેટ ઓછું હોય પરંતુ પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવામાં રસ હોય તો ડાયરેક્ટ કંપની પાસેથી રીફર્બિશ્ડ ડિવાઇસ ખરીદી શકીશું.

સેમસંગ કંપનીના ખાસ્સા મોંઘા ફ્લેગશિપ ફોન્સથી લઇને મિડ-રેન્જ ગેલેક્સી સ્માર્ટફોન્સ આપણે આ પ્રોગ્રામ હેઠળ ખરીદી શકીશું. જેમાં ખાસ્સી ઓછી કિંમત ઉપરાંત સિક્યોરિટી, પરફોર્મન્સ, રિલાયેબિલિટી વગેરે બાબતે આપણે લગભગ નિશ્ચિંત રહી શકીશું. કંપની પોતે દરેક સ્માર્ટફોનનું ટેસ્ટિંગ કર્યા પછી તેને સર્ટિફાઇડ કરતી હોવાથી તેમાં આપણને મેન્યુફેકચરર વોરન્ટી, ૧૦૦ ટકા જેન્યુઇન પાર્ટ્સ, ક્વોલિટી ટેસ્ટ તથા લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ્સનો ભરોસો મળી શકે છે.