આખરે સ્માર્ટ હોમ ડિવાઈસિસમાં સ્ટાન્ડર્ડાઇઝેશન આવી રહ્યું છે


અત્યારે વિવિધ ટેક કંપની જુદા જુદા પ્રકારનાં સ્માર્ટ હોમ ડિવાઇસિસ ડેવલપ કરી રહી છે. આ બધાં ડિવાઇસની પોતપોતાની આગવી ઇકોસિસ્ટમ છે. એટલે કે એક પ્રકારના ડિવાઇસ માટે ડેવલપ કરેલી એપ કે સિસ્ટમ બીજી કંપનીના સ્માર્ટ હોમ  ડિવાઇસમાં ચાલે નહીં!

કંઈક આવી સ્થિતિ વર્ષો પહેલાં હાર્ડવેરની બાબતે મોબાઇલ ફોનમાં હતી. દરેક કંપનીના મોબાઇલમાં ચાર્જિંગ માટેના પોર્ટ અલગ અલગ પ્રકારના હોય એટલે આપણે દરેક ફોન માેટ અલગ ચાર્જિંગ કેબલ સાચવવો પડે. એન્ડ્રોઇડ ફોન આવતાં એ બાબતે નિરાંત થઈ અને ચાર્જિંગ કેબલની બાબતે સ્ટાન્ડર્ડાઇઝેશન આવી ગયું. આ બાબતે એપલ કંપનીએ હજી હમણાં સુધી પોતાની અલગ પદ્ધતિ જાળવી રાખી હતી. પરંતુ હવે તેમાં પણ ટાઇપ-સી પ્રકારનું, એન્ડ્રોઇડ જેવું સ્ટાન્ડર્ડાઇઝેશન આવી જવાની શક્યતા છે.

સ્માર્ટ હોમ ડિવાઇસ ડેવલપ કરતી કંપનીઓ પણ સોફ્ટવેર કે એપ્સની દૃષ્ટિએ આ પ્રકારનું સ્ટાન્ડર્ડાઇઝેશન લાવવાના પ્રયાસ કરી રહી હતી. આખરે તેમાં સફળતા મળી હોય તેવું લાગે છે. સ્માર્ટ ડિવાઇસિસ ડેવલપ કરતી ૩૦૦ જેટલી કંપનીઓએ સાથે મળીને ‘મેટર’ નામે એક સિંગલ સ્ટાન્ડર્ડ ડેવલપ કર્યું છે. મેટર હેઠળ ઓપન સોર્સ ટેકનિકલ સ્પેશિફિકેશન્સ વિકસાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ કરીને કોઈ પણ કંપની જુદી જુદી કંપનીના સ્માર્ટ ડિવાઇસમાં કોઈ ફેરફાર વિના ઉપયોગી થઈ શકે તેવાં સોફ્ટવેર વિકસાવી શકશે. અત્યાર સુધી એમેઝોન, એપલ, ગૂગલ, સેમસંગ વગેરે કંપનીએ પોતપોતાની માલિકીની સોફ્ટવેર ઇકોસિસ્ટમ વિકસાવી હતી, હવે મેટરના નેજા હેઠળ એક કોમન બેઝ પ્લેટફોર્મ તૈયાર થવાને કારણે આવી વાડાબંધી નહીં રહે.

હાલમાં એપલ, ગૂગલ અને એમેઝોન જેવી કંપનીઓએ મેટરના સ્ટાન્ડર્ડને સપોર્ટ કરવાની જાહેરાત કરી દીધી છે. આપણે ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ એટલે કે ઘરના લાઇટિંગથી માંડીને રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન વગેરે બધાં જ સાધનો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તેવી દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ ત્યારે આવું સ્ટાન્ડર્ડાઇઝેશન સૌ માટે લાભદાયી છે.

City News

Sports

RECENT NEWS