For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુટ્યુબ પર વિડિયો પ્લે થવામા અવરોધ?

Updated: Jan 21st, 2023

Article Content Image

 - Þwxâqçk Ãkh ðerzÞku Ã÷u Úkðk{kt yðhkuÄ?

પીસી/લેપટોપ કે આઇફોન, એન્ડ્રોઇડ વગેરેમાં યુટ્યૂબ પર વીડિયો જોતી વખતે તમારા વીડિયો વારંવાર અટકી પડે છે?  આવું સામાન્ય રીતે થાય નહીં, પણ જ્યારે થાય, વીડિયો પ્લે થવાનું અટકી પડે ત્યારે આપણું જાણે જીવન અટકી પડે!

આમ થવાનું સૌથી સાદું કારણ આપણા ડિવાઇસના ઇન્ટરનેટ કનેકશનમાં કંઈક ગરબડ થતી હોવાનું થઈ શકે. પરંતુ એ સિવાય પણ જુદાં જુદાં ઘણાં કારણોને કારણે યુટ્યૂબના વીડિયો પ્લેબેકમાં અવરોધ આવી શકે છે. તમને એવો અનુભવ થતો હોય તો નીચેના ઉપાયો અજમાવી શકાય.

પીસી/લેપટોપમાં

સૌથી પહેલાં તો એ તપાસો કે તમારા બ્રાઉઝરમાં બીજી બધી સાઇટ્સ બરાબર રીતે અને ઝડપથી ખુલે છે? જો હા તો એનો અર્થ એ છે કે ઇન્ટરનેટ કનેકશન બરાબર છે. હવે કંઈક બીજો પ્રોબ્લેમ છે. એવું પણ બની શકે કે તમે યુટયૂબમાં વીડિયો પ્લેબેકની ક્વોલિટી એકદમ હાઇ રાખી હોય પરંતુ કનેકશન પોતે ધીમું હોય. આવી સ્થિતિમાં તમે વીડિયોનું રેઝોલ્યુશન ઘટાડીને ટ્રાય કરી શકો. વીડિયોની ક્વોલિટી બગડશે પરંતુ તે વારંવાર અટકી પડશે નહીં કે બફર થશે નહીં.

બીજું એક કારણ બ્રાઉઝરમાં તકલીફ હોઈ શકે છે. જો ઇન્ટરનેટ કનેકશન બરાબર હોય અને બીજી બધી સાઇટ્સ ઝડપથી લોડ થતી હોય તથા તેમાંના વીડિયો પણ પ્રોપર પ્લે થતા હોય તો બની શકે કે તમારા બ્રાઉઝરમાં કંઈક એવી ખામી છે, જે માત્ર યુટ્યૂબને નડી રહી છે.

તમે જાણતા હશો કે આપણે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ, માઇક્રોસોફ્ટ એજ વગેરે બ્રાઉઝરમાં જુદાં જુદાં એક્સટેન્શન ઉમેરીને બ્રાઉઝરમાં વધારાની સુવિધા મેળવી શકીએ છીએ. સ્માર્ટફોનમાં ઉમેરી શકાતી એપ્સની જેમ આ એક્સટેન્શન બ્રાઉઝર બનાવનારી મૂળ કંપની નહીં, પરંતુ થર્ડ પાર્ટી એપ ડેવલપર્સે ડેવલપ કરેલ હોય છે. આથી આપણે કોઈ એવું એક્સટેન્શન બ્રાઉઝરમાં ઉમેરીએ જેનું કોડિંગ યોગ્ય રીતે થયું ન હોય તો પણ તેની અસર યુટ્યૂબના પ્લેબેક પર થઈ શકે છે.

આથી સૌથી પહેલાં તમારું બ્રાઉઝર બદલીને તેમાં યુટ્યૂબ સાઇટ પર જઇને વીડિયો પ્લે કરી જુઓ. નવા બ્રાઉઝરમાં વીડિયો બરાબર પ્લે થાય તો જૂના બ્રાઉઝરમાં નજીકના સમયમાં તમે જે એક્સટેન્શન ઉમેર્યાં હોય તેને એક પછી એક બંધ કરીને ફરી તેમાં વીડિયો પ્લે કરી જુઓ. જો કોઈ એક્સટેન્શનથી જ તકલીફ સર્જાઈ હશે તો તેને બંધ કરવાથી હવે વીડિયો સ્મૂધલી પ્લે થવા જોઇએ.

તમારા બ્રાઉઝરમાં ઉપર સૌથી જમણી તરફ સેટિંગ્સમાં ટૂલ્સમાં વિવિધ એડઓન જોઇ શકાશે અને તેમને ડિસેબલ કે અનઇન્સ્ટોલ કરી શકાશે. આ પછી પણ તકલીફ ચાલુ રહે તો બ્રાઉઝરને સંપૂર્ણપણે અનઇન્સ્ટોલ કરીને ફરી ઇન્સ્ટોલ કરી જોઈ શકાય.

સ્માર્ટફોનની એપમાં

તમારા એન્ડ્રોઇડ, આઇફોન કે આઇપેડમાં યુટ્યૂબ એપમાં વીડિયો પ્લેબેકમાં તકલીફ થતી હોય તો લાખ દુઃખોની એક દવા જેવા રિસ્ટાર્ટ વિકલ્પને અજમાવી જોઈ શકાય! એ માટે ડિવાઇસને કાં તો માત્ર રિસ્ટાર્ટ કરો અથવા સંપૂર્ણપણે પાવરઓફ કરીને ફરી ચાલુ કરી જુઓ.

જો તમે યુટ્યૂબ જોતી વખતે હેડફોન કે ઇયરપોડ્સનો ઉપયોગ કરતા હો તો ક્યારેક તેને કારણે પણ વીડિયો પોઝ થતા હોય તેવું બની શકે. આવી સંભાવના દૂર કરવા માટે ફોન સાથે કનેક્ટેડ હેડફોન કે ઇયરપોડ્સને ડિસકનેક્ટ કરો અને પછી વીડિયો પ્લે કરી જુઓ.

બીજું એક કારણ એ હોઈ શકે કે યુટ્યૂબ એપમાં જમા થતા ડેટામાંની કોઈ ફાઇલ કરપ્ટ થઈ હોય.

યુટ્યૂબમાં આપણા ઉપયોગ સાથે ફોનમાં તેની એપમાં તેના ડેટાનો ભરાવો થતો જાય છે. આવી ટેમ્પરરી ફાઇલ જો કરપ્ટ થાય તો તેને કારણે પણ વીડિયો પ્લે થવામાં અડચણ ઊભી થઈ શકે છે. એના ઉપાય માટે એન્ડ્રોઇડમાં સેટિંગ્સમાં એપ્સમાં જાઓ અને તેમાં યુટ્યૂબના પેજ પર જાઓ. અહીં  સ્ટોરેજ યૂજેઝમાં ‘ક્લિયર કેશ’ પર ક્લિક કરો. એ સિવાય આપણે એપને પૂરેપૂરી અનઇન્સ્ટોલ કરીને ફરી ઇન્સ્ટોલ પણ કરી શકીએ. જો ટેમ્પરરી ફાઇલમાં કંઈક ગરબડ હશે તો તે આ રીતે દૂર થઈ જશે. આ સિવાય, ફોનમાં સ્ટોરેજ બિલકુલ ભરાવા આવી હોય તો પણ વીડિયો પ્લે થવામાં તકલીફ ઊભી થઈ શકે છે. આવી શક્યતા દૂર કરવા માટે ફોનની સ્ટોરેજ તપાસીને બિનજરૂરી ફાઇલ્સ દૂર જુઓ.

હજી એક શક્યતા એવી પણ છે કે તમે પોતે જ યુટ્યૂબને સૂચના આપી હોય કે તે વીડિયો પ્લે કરવામાં અવરોધ ઊભો કરે! લગભગ બધી સોશિયલ મીડિયા સાઇટ્સની જેમ હવે યુટ્યૂબમાં પણ એવી સગવડ છે જેની મદદથી આપણે એવું સેટિંગ કરી શકીએ કે આપણે યુટ્યૂબનો બહુ લાંબો સમય સતત ઉપયોગ કરીએ તો તેમાં આપોઆપ વીડિયો પ્લે થવાનું ડિસેબલ થઈ જાય!

જોકે આ એક ફીચર હોવાથી કોઈ કારણ આપ્યા વગર વીડિયો પ્લેબેક ડિસેબલ થતા નથી. યુટ્યૂબ આપણને સ્પષ્ટ રીતે સૂચવે છે કે તમે વધુ પડતા સમય સુધી વીડિયો જોઈ લીધા છે હવે થોડો બ્રેક લઈ લો!

શરૂઆતમાં કહ્યું તેમ, યુટ્યૂબની સાઇટ કે એપમાં વીડિયો પ્લેબેકમાં અવરોધ થાય એવું ભાગ્યે જ બને, પણ ક્યારેક બને પણ ખરું. એવું જ અન્ય સોશિયલ મીડિયા સાઇ્ટ્સ કે ઓટીટી પ્લેટફોર્મમાં પણ બની શકે. એવું થાય તો અહીં આપેલા આપેલા ઉપાયો અજમાવી જુઓ, લગભગ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે!

Gujarat