For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્સ્ટ્રાગ્રામનું એકાઉન્ટ હવે એપમાંથી પણ ડિલીટ કરી શકાશે, જોકે...

Updated: Jul 5th, 2022

Article Content Image

સામાન્ય રીતે સોશિયલ મીડિયા સાઇટ્સ તેના યૂઝરને પોતાના પ્લેટફોર્મ પર વધુ ને વધુ સમય એક્ટિવ રાખવાની મથામણ કરે છે. એ માટે જે તે વ્યક્તિગત યૂઝરને વધુમાં વધુ રસ પડી શકે એવું કન્ટેન્ટ પીરસવા ઉપરાંત વારંવાર જુદી જુદી રીતે, જુદા જુદા પ્રકારના નોટિફિકેશન મોકલવા જેવી પદ્ધતિઓ અજમાવવામાં આવે છે.

એટલું ઓછું હોય તેમ યૂઝર જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી કાયમ માટે દૂર ન થાય એ માટે, યૂઝર માટે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રક્રિયા પણ શક્ય એટલી મુશ્કેલ બનાવવામાં આવે છે!

જેમ કે ઇન્સ્ટાગ્રામ પર તમે એકાઉન્ટ ખોલાવ્યું હોય અને પછી લાંબો સમય તેમાં કંઈ ન જોયું હોય અને તમને વિચાર આવે કે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ડિલીટ કરી નાખવું છે, તો તમે કદાચ અનુભવ્યું હશે કે ઇન્સ્ટાગ્રામની મોબાઇલ એપમાં એકાઉન્ટ ડિલીટ કરવાનો કોઈ રસ્તો મળતો નથી! જો તમે માત્ર મોબાઇલ એપમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હો તો તેમાં એકાઉન્ટ ડિલીટ કરવાનો રસ્તો ન મળતાં તમે એ ઝંઝટ પડતી મૂકો.

ઇન્સ્ટાગ્રામ અત્યાર સુધી માત્ર તેના વેબ વર્ઝનમાં એકાઉન્ટ ડિલીટ કરવાની સગવડ આપતું હતું. એટલે કે આપણે પીસીમાં બ્રાઉઝરમાં ઇન્સ્ટાગ્રામ.કોમ સાઇટ ઓપન કરવાની, તેમાં લોગઇન થવાનું અને પછી માત્ર ત્યાંથી એકાઉન્ટ ડિલીટ કરી શકાય. ભારત જેવા દેશમાં મોટા ભાગના લોકો મોબાઇલ ધરાવતા હોય પરંતુ બધા પાસે પીસી ન હોય. આથી તેઓ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ ન કરી શકે, પરિણામે તેમને નોટિફિકેશન્સ મોકલીને ફરી ઇન્સ્ટાગ્રામ પર ખેંચી લાવી એક્ટિવ કરવાનો પ્રયાસ ચાલુ રહે!

હવે આ સ્થિતિ થોડી બદલાઈ રહી છે. એપલ કંપનીએ તેના એપ્સ સ્ટોરમાં ડાઉનલોડ કરી શકાતી એપ્સ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે. પરિણામે હવે કમ સે કમ એપલ ડિવાઇસ માટેની ઇન્સ્ટાગ્રામ એપમાંથી કંપનીએ એકાઉન્ટ ડિલીટ કરવાની સગવડ આપવી પડી છે. મોટા ભાગે એપલના સ્ટોર માટેના નિયમોનું એન્ડ્રોઇડના પ્લેસ્ટોરમાં અનુકરણ થાય છે એટલે એન્ડ્રોઈડમાં ઇન્સ્ટાગ્રામની એપમાંથી પણ એકાઉન્ટ ડિલીટ કરવાની સગવડ વહેલા મોડી મળે તેવી શક્યતા છે.

Gujarat