કટોકટીના સંજોગમાં આઈફોન સેટેલાઈન સાથે કનેક્ટ થશે !


લાંબા સમયથી એવી ચર્ચા ચાલતી હતી કે એપલના આઇફોનમાં સેટેલાઇટ કનેક્ટિવિટી પણ આવી જશે. શરૂઆતમાં આ વાત માત્ર અફવા હતી, પછી એપલ કંપનીએ તેને સમર્થન આપ્યું. હવે આ ફીચર ટૂંક સમયમાં લાઇવ થવાની તૈયારીમાં છે. અલબત્ત હાલ પૂરતું આ ફીચર માત્ર આકસ્મિક સ્થિતિમાં સેટેલાઇટ કનેક્ટિવિટી મેળવીને મદદ મેળવવા માટે કામ લાગશે. આ માટે એપલ કંપનીએ ગ્લોબલ સ્ટાર નામની કંપનીની મદદ લીધી છે, જે પોતાના સેટેલાઇટ્સની મદદથી આઇફોનને સેટેલાઇટ કનેક્ટિવિટી પૂરી પાડશે.

આ ફીચર હાલમાં માત્ર નવા લોન્ચ થયેલા આઇફોન ૧૪માં મળશે. જો તમારી પાસે આઇફોન ૧૪ હોય, તેમાં આઇઓએસનું લેટેસ્ટ વર્ઝન હોય તથા યુએસ કે કેનેડામાં રહેતા હો તો તમને તેનો લાભ મળી શકશે (અન્ય દેશોમાં આ ફીચર ક્યારે મળશે એ તો ઠીક, મળશે કે નહીં એ વિશે પણ હજી સ્પષ્ટતા નથી!).

જે આઇફોન યૂઝર્સ ઉપરની બધી શરતો પૂરી કરતા હોય તેમના આઇફોનમાં આ ફીચર આવી જાય તે પછી તેઓ કોઈ પણ સમયે મુશ્કેલીમાં મુકાય અને સામાન્ય મોબાઇલ નેટવર્ક પણ ડિસકનેક્ટ થઈ ગયું હોય ત્યારે તેઓ પોતાના આઇફોનની મદદથી ઇમરજન્સી ‘એસઓએસ’ રિકવેસ્ટ મોકલી શકશે.

એ માટે આઇફોન પર ફક્ત ઇમરજન્સી એસઓએસનું બટન દબાવવાનું રહેશે. આથી આઇફોન નજીકના ગ્લોબલ સ્ટાર સેટેલાઇટને આપણે મુશ્કેલીમાં હોવાનો મેસેજ મોકલશે. એ સાથે આપણું લોકેશન તથા જો આઇફોનમાં મેડિકલ ઇન્ફર્મેશન સ્ટોર કરી હોય તો તેની વિગતો પણ શેર થઈ શકે છે.

આ મેસેજ સેટેલાઇટ મારફત પૃથ્વી પરના ગ્રાઉન્ડ સ્ટેશનમાં પહોંચશે અને ત્યાંથી નજીકની ઇમરજન્સી સર્વિસ તથા એપલ કંપનીના ઇમરજન્સીના સ્પેશિયાલિસ્ટને પહોંચાડવામાં આવશે. આ રીતે મુશ્કેલીમાં મુકાયેલ આઇફોનધારકને મોબાઇલ નેટવર્કના કનેકશન વિના પણ મદદ મળી શકે છે.

City News

Sports

RECENT NEWS