For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાય તો હવે ઉપાય મળશે

Updated: Jul 5th, 2022

Article Content Image

વોટ્સએપની પોલિસીનું પાલન ન થતું હોય તેવા સંજોગમાં કંપની યૂઝર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દેતી હોય છે. જો તમે ક્યારેય આવા પ્રતિબંધનો સામનો કર્યો હોય તો તમારો અનુભવ હશે કે આપણું એકાઉન્ટ રીસ્ટોર કરવાની વિધી બહુ મુશ્કેલ બનતી હોય છે. અલબત્ત ટૂંક સમયમાં આપણી સ્થિતિમાં આપણી મુશ્કેલી હળવી થાય તેવી શક્યતા છે.

હજી હમણાં જ બહાર આવેલા સમાચાર અનુસાર પાછલા થોડા સમયમાં વોટ્સએપે ૧૬ લાખ જેટલા ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હોય તે યૂઝર વોટ્સએપ એપ ઓપન કરે તેને અત્યાર સુધી એવો મેસેજ જોવા મળતો હતો કે ‘‘આ એકાઉન્ટને વોટ્સએપનો ઉપયોગ કરવાની છૂટ નથી.’’

આવી સ્થિતિમાં શું પગલાં લેવાં તેની કોઈ માહિતી યૂઝરને મળતી નહોતી. પરંતુ સ્થિતિ બદલાશે. હવે વોટ્સએપ એકાઉન્ટ એપમાંથી જ વોટ્સએપની સપોર્ટ ટીમનો કોન્ટેક્ટ કરવાની સગવડ મળશે. આપણે એક બટન ક્લિક કરીને વોટ્સએપને વિનંતી કરી શકીશું કે તે આપણા એકાઉન્ટ પરનો પ્રતિબંધ પાછો ખેંચે. અલબત્ત, ત્યારે આપણે કેટલીક વધારાની વિગતો આપવાની રહેશે.

વોટ્સએપની ટીમને એ વિગતોના આધારે ખાતરી થાય કે આપણા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં કોઈ ચૂક થઈ છે તો પ્રતિબંધ પાછો ખેંચાઈ શકે છે. એ ધ્યાનમાં રાખવા જેવું છે કે વોટ્સએપને ખાતરી થાય કે તેની શરતોનો ભંગ થવાથી યોગ્ય રીતે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો છે તો પ્રતિબંધ યથાવત રહેશે અને તેને પાછો ખેંચવા માટે આપણને ત્રીજો મોકો આપવામાં આવશે નહીં!

Gujarat