વોટ્સએપમાં તમે તમારું પોતાનું 'પ્રાઈવેટ' ગ્રૂપ બનાવી જોયું છે ?


ઇન્ટરનેટ પરની ઘણી બધી સર્વિસનો તેના જાણીતા ઉપયોગ સિવાય કંઈક જુદી રીતે પણ ઉપયોગ શક્ય હોય છે. જેમ કે વોટ્સએપ. વોટ્સએપનો આપણે રોજેરોજ અન્ય લોકો સાથે મેસેજિસની આપલે કરવા માટે ઉપયોગ કરીએ છીએ, પણ એ જ સર્વિસનો આપણે પોતાની સાથે વાતચીત માટે પણ ઉપયોગ કરી શકીએ!

ઇન્ટરનેટ પર સર્ફ કરતી વખતે કંઈ પણ કામનું લાગ્યું? કોઈ જગ્યાએ તમે લાઇનમાં ઊભા છો અને મનમાં કોઈ આઇડિયા ઝબક્યો? ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે કોઈ પ્રોડક્ટ ખરીદવા જેવી લાગી? આવી જુદી જુદી ઘણી સ્થિતિમાં, એ બાબત શક્ય એટલી ઝડપી રીતે ક્યાંક નોંધી લેવી જરૂરી હોય છે. એમ કરવામાં વોટ્સએપ આપણને બહુ ઉપયોગી થઈ શકે. તમે એકદમ પ્રોપર રીતે નોટ ટેકિંગ, વેબ ક્લિપિંગ કે ટાસ્ક મેનેજમેન્ટ કરવા માગતા હો તો ખાસ એ માટે જ ડિઝાઇન થયેલી એપ્સ કે સર્વિસનો ઉપયોગ વધુ સારો રહે. પરંતુ એમાં ફાવટ ન હોય તો વોટ્સએપથી પણ કામ ચાલી જાય!

આપણે કરવાનું ફક્ત એટલું છે કે વોટ્સએપ પર એવું ગ્રૂપ બનાવવાનું જેમાં માત્ર આપણે જ મેમ્બર હોઈએ!

આ માટે વોટ્સએપ પર રોજિંદી રીતે કોઈ ગ્રૂપ બનાવો અને તેમાં પરિવારની અન્ય કોઈ પણ વ્યક્તિને ઉમેરો. ગ્રૂપ બની જાય પછી એ ગ્રૂપમાં તમે એડમિન હશો એટલે અન્ય મેમ્બરને દૂર કરી શકશો. હવે આ જ ગ્રૂપમાં તમે એકલા જ મેમ્બર રહેશો. હવે ઇન્ટરનેટ સર્ફિંગ કરતી વખતે કંઈ પણ કામનું લાગે તો તેને આ ગ્રૂપમાં શેર કરી દો. વોટ્સએપમાં જ કોઈ મેસેજ ગમ્યો અને તેને સાચવી રાખવા જેવો લાગે તો તેને પણ તમારા પોતાના એક્સક્લુઝિવ ગ્રૂપમાં ફોરવર્ડ કરી દો. ગમે ત્યારે મનમાં કોઈ પણ આઇડિયા ઝબકે ત્યારે તેને પણ ટપકાવી લેવા માટે વોટ્સએપ ઓપન કરી આ ગ્રૂપમાં તેને વોઇસ મેસેજ કે ટાઇપ્ડ મેસેજ તરીકે પોસ્ટ કરી દો. તમારે ફક્ત આ ગ્રૂપનું તમને યાદ રહે એવું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ઉપરાંત એ ગ્રૂપને પિન કરો અથવા હોમ સ્ક્રીન પર તેનો શોર્ટકટ ઉમેરી દેશો તો વાત હજી વધુ સહેલી બનશે!

City News

Sports

RECENT NEWS