For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધોળામાં રેલવે ટ્રેકના ઓવરબ્રીજનું કામ 15 મહિનાથી વિલંબમાં

Updated: Nov 24th, 2021

Article Content Image

- ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉદાસીનતાથી લોકોમાં આક્રોશ

- પેસેન્જર ટ્રેન અને માલગાડીઓના આવાગમન વેળા ફાટકની બંને બાજુ જોવા મળતી વાહનોની લાંબી કતારો

ઉમરાળા : ભાવનગર-ધોળા-સુરેન્દ્રનગર રેલવે લાઈન પર પેસેન્જર ટ્રેનો તથા પીપાવાવ, ઢસા, ધોળા, સુરેન્દ્રનગર લાઈન પર માલગાડીઓના આવાગમન વેળા પ્રતિદિન લગભગ ૩૦ થી વધુ ગાડીઓની અવરજવર દરમિયાન ફાટક બંધ થાય ત્યારે સ્ટેટ હાઈવે પર ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળે છે અને તેમાં લોકોના કિંમતી સમય તથા મોંઘા ઈંધણનો બેફામ બગાડ થતો રહે છે.

ઉમરાળા તાલુકાના ધોળા જં. ખાતે એક કિ.મી.કરતા ઓછા અંતરમાં બે રેલવે ફાટકો આવેલાં છે. અમદાવાદ-અમરેલી સ્ટેટ હાઈવે નં ૩૯ને અવરોધતા આ બે ફાટકો પૈકી એક ધોળા-ભાવનગર અને ધોળા-ઢસા બંને રેલવે લાઈનોને જયારે બીજું ધોળા-ઢસા રેલવે લાઈનને લાગુ પડે છે. ભાવનગર-ધોળા-સુરેન્દ્રનગર રેલવે લાઈન પર પેસેન્જર ટ્રેનો તથા પીપાવાવ, ઢસા, ધોળા, સુરેન્દ્રનગર લાઈન પર માલગાડીઓ ઉપરાંત ધોળા-મહુવા પેસેન્જર ટ્રેન સહિત પ્રતિદિન ૨૪ કલાકમાં લગભગ ૩૦થી વધુ ગાડીઓની અવરજવર દરમિયાન ફાટક બંધ થાય ત્યારે સ્ટેટ હાઈવે પર ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જાય છે. અને તેમાં લોકોના કિંમતી સમય તથા વાહનોમાં મોંઘા ઈંધણનો બેફામ બગાડ થતો રહે છે. આ પરિસ્થિતિ નિવારવા દાયકા કરતાં વધુ સમય પહેલાં ધોળા નજીક હાઈવે બાયપાસ તૈયાર કરવામાં આવ્યા હતો પણ આ બાયપાસ વચ્ચે પણ ધોળા-ભાવનગર રેલવે ટ્રેક આવેલ હોય ત્યાં ઓવરબ્રીજ બનાવવો જરૂરી હોવાથી તે ન બને ત્યાં સુધી બાયપાસનો ઉપયોગ થઈ શકે તેમ ન હોવાથી અને ઓવરબ્રીજ મંજૂર કરાવવામાં પછીનું નેતૃત્વ નબળું પડયું કે ગમે તેમ, પણ બાયપાસ તૈયાર થયાના દાયકા કરતાં વધુ સમય સુધી ઓવરબ્રીજની મંજૂરી ન મળવાથી બાયપાસ ઉપયોગ વગર જ બિસ્માર બની ગયો. આખરે ૧૫ મહિના પહેલાં ઓવરબ્રીજ માટે ગુજરાત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી અને ધોળા બાયપાસ ક્રોસિંગ- ૧/એ પર રેલવે ઓવરબ્રીજની કામગીરી માટે અંદાજીત રકમ રૂા ૨૬ કરોડ મંજૂર કરીને આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબંધિત કાર્યપાલક ઇજનેરને સૂચના આપવામાં આવી હતી. પરંતુ સંબંધિત ખાતાએ આ સૂચનાના ૧૫ મહિના પછી પણ હજુ સુધી ઓવરબ્રીજના બાંધકામને લગતી કોઈ કાર્યવાહી શરૂ કર્યાના કોઈ અણસાર જોવા મળ્યા નથી અને તેથી ધોળા પાસે હયાત ફાટકની બંને બાજુ હાઈવે પર વાહનોની લાંબી કતારો અને લોકોના સમય તથા મોંઘા ભાવના ઈંધણનો વેડફાટ ચાલુ રહ્યો છે.

Gujarat