For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે માંસ રહિત દિવસઃ વિશ્વમાં મીટલેસ મન્ડેનું ચાલે છે અભિયાન

- ગુજરાતમાં ઈંડા-મટનની લારી સામે મંદ પડેલી ઝૂંબેશ વચ્ચે આજે ઉજવાશે

Updated: Nov 24th, 2021

Article Content Image

- સાધુ વાસવાણીનો જન્મદિવસ મીટલેસ ડે તરીકે મનાવાય છે, સ્કૂલ દ્વારા વિવિધ સ્પર્ધા યોજાશે

- યુનોના ડો.પંચોરીએ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા શાકાહારી બનવા પર ભાર મુક્યો છે તો ઈંડાથી ચણાંને બહેતર ગણાવે છે ન્યુટ્રીશિયનો

રાજકોટ

સિંઘના હૈદ્રાબાદમાં તા.૨૫ નવેમ્બર ૧૮૭૯માં જન્મેલા થાંવરદાસ  લીલારામ વાસવાણ કે જેઓ વિશ્વભરમાં સાધુ ટી.એલ.વાસવાણી તરીકે આજે પણ પ્રસિધ્ધ છે તેમના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે ભારત સહિત વિશ્વભરમાં માંસ રહિત દિવસ (મીટલેસ ડે) ઉજવાશે. ભારત તો હજારો વર્ષથી શાકાહારનું સમજી,વિચારીને સમર્થક રહ્યું છે પરંતુ, વિશ્વભરમાં ઈ.સ.૨૦૦૩થી  મીટલેસ મન્ડે એટલે કે સોમવારે માત્ર શાહાકારનું અભિયાન સ્વાસ્થ્ય રક્ષા માટે ચાલી રહ્યું છે જે યુરોપના દેશોમાં શરુ થયેલ છે. 

ગુજરાતમાં ગત પખવાડિયામાં રાજકોટ સહિત મહાનગરોમાં  ઈંડા-મટનની ગેરકાયદે લારીઓ સામે મનપા દ્વારા ઝૂંબેશ હાથ ધરાઈ હતી અને લોકોએજે ખાવું હોય તે ખાય એમ કહીને મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે  આ ઝૂંબેશ પર ઠંડુ પાણી રેડયું છે પરંતુ, બીજી તરફ યુનાઈટેડ નેશન્સમાં આંતર સરકારોની પેનલના અધ્યક્ષપદે રહી ચૂકેલા વિખ્યાત ડો.રાજેન્દ્ર પંચોરીએ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા, વિશ્વમાં ગરીબો માટે શાકાહાર પર ભાર મુક્યો હતો. માંસની માથાદીઠ વપરાશ ઘટાડવાની તેમણે ભલામણ કરી હતી. એક કાર્યક્રમમાં જ્યારે તેમને શાકાહારી લોકોને પ્રોટીન કઈ રીતે મળે તે મુદ્દે પ્રશ્ન પુછાયો ત્યારે તેમણે હળવા ટોનમાં પણ ગંભીર વાત કરી હતી કે તમે ઘોડા અને હાથીને આ અંગે કન્સલન્ટ કરી શકોછો!

અનેક ન્યુટ્રીશિયનો ન્યુટ્રીશિયન વેલ્યુની દ્રષ્ટિએ ઈંડા કરતા ચણાને કેટલાક પોષણમૂલ્યોની દ્રષ્ટિએ ઉત્તમ  ગણે છે. ચણામા ઈંડા કરતા વધુ ફોલેટ, નિયાસીન,થિયામીન છે અને તે આયર્ન અને પોટેશ્યમનો મજબૂત સ્ત્રોત છે. ઉપરાંત ડાયેટરી ફાઈબર માટે પણ ચણા ઈંડા કરતા ઉત્તમ મનાય છે. શાકાહારના સમર્થકો પોષણના હેતુથી માંસાહાર કે ઈંડાહારને અનિવાર્ય ગણતા નથી. અનેક સંતો શુધ્ધ શાકાહારને મનુષ્યના શરીરની બાયોલોજીકલ રચના મૂજબ વધુ અનુકૂળ આહાર ગણાવતા રહ્યા છે.  

રાજકોટની સાધુ વાસવાણી સ્કૂલે આજે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે માંસનો વપરાશ ઘટાવાથી મેદવૃધ્ધિ, હૃદય સંબંધી બિમારીઓ, હાઈ બી.પી., ડાયાબીટીસ, કેટલાક પ્રકારના કેન્સર વગેરે રોગથી બચી શકાય છે. સાધુ વાસવાણી ટ્રસ્ટ દ્વારા આ સપ્તાહની ઉજવણી નિમિત્તે સલાડ ડેકોરેશન, પક્ષી સેવા, ડ્રોઈંગ સ્પર્ધા, સુલેખન વગેરે સ્પર્ધાનું આયોજન કરાયું છે અને આ દિવસે કતલખાના બંધ રાખવા અપીલ કરાઈ છે. 

Gujarat