For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગર રેલવે સ્ટેડિયમના ગેટને દોઢ વર્ષથી અલીગઢી તાળા લાગ્યા

Updated: Nov 15th, 2021

Article Content Image

- શિયાળાના સમયમાં વોકિંગ-રનિંગ માટે આવતા કર્મચારી-પરિવારને મુશ્કેલી

- દરવાજો કૂદીને સ્ટેડિયમમાં જવા લોકો મજબૂર, પબ્લિક માટે તાળા ખોલવા જરૂરી

ભાવનગર : ભાવનગર પરા સ્થિત રેલવે સ્ટેડિયમને કોરોના મહામારીને કારણે ગેટ પર તાળા મારી બંધ કરી દેવાયું હતું. છેલ્લા દોઢ-પોણા બે વર્ષથી લાગેલા અલીગઢી તાળાને ખોલવામાં ન આવતા રેલવેના જ કર્મચારી અને તેમના પરિવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સવાર-સાંજ વોકિંગ-રનિંગ કરવા આવતા રેલવેના કર્મચારીઓ તેમજ અન્ય વ્યક્તિઓને ગેટ બંધ હોવાથી ઠેકડા મારી સ્ટેડિયમમાં જવું પડી રહ્યું છે.

ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ભાવનગર રેલવે સ્ટેડિયમને માર્ચ માસમાં જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી લઈ આજદિન સુધી સ્ટેડિયમના મેઈન ગેટ પર લાગેલા તાળાને ખોલવામાં આવ્યું નથી. હાલ કોરોનાની મહામારીનો ખૌફ ઘટી ગયો છે. તમામ ક્ષેત્રે જનજીવન રાબેતા મુજબ થઈ ચુક્યું છે. અન્ય ખેલના મેદાનોમાં પણ હવે રમત-ગમતની ગાડી પાટે ચડી ગઈ છે, ત્યારે હજારો લોકો માટે આશીર્વાદ સમાન રેલવે સ્ટેડિયમને હજુ ખોલવામાં આવ્યું નથી. જેના કારણે રેલવે કર્મચારીઓ તેમજ કર્મચારીઓ, તેમના પરિવાર સિવાયના અન્ય લોકોને મોર્નિંગ વોક, રનિંગ અને અન્ય રમત-ગમતની પ્રવૃત્તિઓ કરવા આવવા માટે નાછૂટકે દરવાજો કૂદવો પડી રહ્યો છે. જે દરેક વ્યક્તિ માટે શક્ય નથી. શિયાળાની ઋતુને કારણે અહીં દરરોજ હજારથી પણ વધુ સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે કર્મચારીઓ અને તેમના પરિવારના હિત માટે રેલવે તંત્ર દ્વારા ગેટના તાળા ખોલવા જરૂરી છે. 

Gujarat