For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેન્સર હોસ્પિટલ શરૂ કરાતી નથી ત્યાં નાયબ મુખ્યમંત્રીએ નવી જાહેરાતો કરી

- નાયબ મુખ્યમંત્રીએ ભાવનગરમાં હોસ્પિટલની મુલાકાત લીધી

- આશરે ૮ વર્ષ પૂર્વે કેન્સર હોસ્પિટલનુ બિલ્ડીંગ બન્યુ પરંતુ હજુ હોસ્પિટલ શરૂ નહી કરાતા લોકોના રોષ

Updated: Jul 3rd, 2021


ભાવનગર : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ આજે ભાવનગર જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવ્યા હતાં. તેઓ સર ટી. હોસ્પિટલ ખાતે નિમત અને નિર્માણાધીન બિલ્ડીંગોની સ્થળ મુલાકાત અને નિરીક્ષણ બાદ રૂવાપરી ખાતે આવેલ લેપ્રસી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ભાવનગર શહેરમાં આશરે ૮ વર્ષ પૂર્વે કેન્સર હોસ્પિટલનુ બિલ્ડીંગ તૈયાર થઈ ગયુ હતુ પરંતુ હજુ સુધી હોસ્પિટલ શરૂ કરવામાં નહી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેન્સર હોસ્પિટલ શરૂ થયુ નથી ત્યાં નાયબ મુખ્યમંત્રીએ નવી જાહેરાતો કરી દીધી છે ત્યારે આ કામ કયારે પૂર્ણ થશે ? તેની રાહ જોવી જ રહી. નાયબ મુખ્ય મંત્રીની આ મુલાકાત વેળાએ શિક્ષણ રાજ્ય મંત્રી, પશ્ચિમના ધારાસભ્ય સાથે રહ્યાં હતાં.

ભાવનગરમાં દવાઓના સ્ટોકના સંગ્રહ માટે લેપ્રેસી હોસ્પિટલ ખાતે દવાઓ માટેનું ગોડાઉન બનશે : લેપ્રસી હોસ્પિટલ ખાતે ૫૦ બેડની મેન્ટલ હોસ્પિટલ બનશે, ભાવનગરને જોડતા માર્ગોને ચાર માર્ગીય બનાવવા માટે ફેઝ-૨ ના કામની શરૂઆત થશે 

ભાવનગરમાં આવેલ નાયબ મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યુ હતુ કે, ભાવનગર ખાતે કેન્દ્ર સરકારની સહાયથી મહિલાઓ અને બાળકો માટેની અલાયદી ૩૦૦ પથારીની ૧૧ માળની હોસ્પિટલ બનાવવામાં આવશે. સર ટી. હોસ્પિટલ ખાતે આ હોસ્પિટલના નિર્માણની પ્રક્રિયા માટે ટેન્ડર મંજૂર કરી દેવામાં આવ્યા છે અને ઝડપથી આ હોસ્પિટલના નિર્માણનું કાર્ય ચાલુ થઇ જશે. રાજ્ય સરકાર દ્વારા લોકોને સસ્તા ભાવે દવા મળી રહે તે માટે જથ્થાબંધ દવાની ખરીદી કરે છે અને આ માટે રાજ્યમાં વાઇઝ ડેપો નક્કી કરી ત્યાંથી દવાઓનું વિતરણ કરવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં અમરેલી ડેપોમાંથી આ દવાઓ મળે છે. પરંતુ હવે રૂવાપરી રોડ પર આવેલ લેપ્રસી હોસ્પિટલ ખાતેના કેમ્પસ ખાતે જ આ દવા માટેના ડેપોનું નિર્માણ કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટશે અને ઝડપથી ભાવનગર શહેર અને જિલ્લાને દવાઓ મળી રહેશે. લેપ્રેસી હોસ્પિટલ ખાતેનું મેદાન વિશાળ છે અને અહીંયાં ૫૦ બેડની મેન્ટલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. 

ભાવનગર જિલ્લાને જોડતા માર્ગોને ચાર માર્ગીય બનાવવાના ફેઝ-૨ નુ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ફેઝ-૧ ના કામમાં લાઈટના થાંભલા ખસેડવાનું કામ, જમીન સંપાદન કરવાનું કામ, નાના-મોટા બનાવવાનું કામ, વૃક્ષો હટાવવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ને જોડતા મહત્વપૂર્ણ વટામણ-તારાપુર રોડનું કામ જે છેલ્લાં ચાર વર્ષથી પ્રગતિમાં હતું તે પણ હવે ઝડપથી પૂરુ થઈ જશે. કોરોના સંક્રમણ સાથે રાજ્યમાં કોરોનાની સારવાર માટેના બેડ પણ ક્રમશઃ વધારવામાં આવી રહ્યાં છે. તે જ રીતે કોરોનાની મહામારી બાદ પણ લોકોને સુરક્ષિત કરવા માટે રાજ્યમાં દરરોજ ૩ લાખ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં ૨.૬૫ કરોડ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જો કોરોનાનું ત્રીજું સંક્રમણ આવે તો તેને ધ્યાનમાં રાખીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજન બેડ, આઈ.સી.યુ. વગેરેની સગવડ તબક્કાવાર વધારવામાં આવી રહી છે તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવેલ છે. 

નાયબ મુખ્યમંત્રીએ કોરોના કાળમાં અગ્રીમ હરોળના સૈનિકો એવાં તબીબી અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા દરિદ્રનારાયણની અને દર્દીઓની કરવામાં આવેલી સેવાઓ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓને બિરદાવી હતી. કોરોના સમયગાળામાં અલંગને જરૂરી મદદ કરવામાં આવી હતી. આ સિવાય ઘોઘા તાલુકામાં એક સામુહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થઈ ગયું છે તે નજીકના ભવિષ્યમાં લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત દિવાળી સુધી ૮૦ કરોડ ભારતીય નાગરિકોને અનાજ સુરક્ષા હેઠળ અનાજ આપવામાં આવશે વગેરેની વિગતો તેમણે આપી હતી.

કેન્સર હોસ્પિટલમાં આધુનિક સાધનો પરંતુ સ્ટાફની જોવાતી રાહ 

કેન્સર વિભાગમાં કેન્સરની આધુનિક સારવાર માટે નવા વસાવવામાં આવેલ રૂ. ૨૫ કરોડના વિવિધ સાધનો-ઉપકરણોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. તેમણે આધુનિક સારવાર સાધનો અંગેની માહિતી કેન્સર હોસ્પિટલના તજજ્ઞા ડોક્ટરો પાસેથી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્સરની સારવાર ત્રણ પદ્ધતિથી કરવામાં આવે છે. જેમાં કિમોથેરાપી, રેડિયોથેરાપી અને છેલ્લે કેન્સર સર્જરી દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે છે. કેન્સર હોસ્પિટલમાં મુકવામાં આવેલા આ નવા સાધનોથી હવે ત્રણેય પદ્ધતિથી કેન્સરની સારવાર સર ટી. હોસ્પિટલમાં શક્ય બનશે. કેન્સર હોસ્પિટલમાં કેન્સરની આધુનિક સારવાર માટે ૩ નવા સાધનો મૂકવામાં આવ્યા છે. આ ઉપકરણો ખર્ચાળ હોય છે અને બધી જગ્યાએ તે ઉપલબ્ધ હોતાં નથી. આજે જે  સાધનો કેન્સર હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા છે તેમાં સીટી સ્કેન સીમ્યુલેટર, આ સાધન સીટી સ્કેન માટેનું આધુનિક વર્ઝન છે, જેનાથી સારામાં સારી રીતે સીટી સ્કેન થઈ શકે છે. બ્રેકી થેરાપી ( રેડિયોથેરાપી )મશીન, આ સાધનના ઉપયોગ દ્વારા રેડિયોથેરાપીનો ઉપયોગ કરીને શરીરના કોઈ ચોક્કસ ભાગ ઉપર કેન્દ્રિકરણ કરીને સફળતાથી નાનામાં નાના વિસ્તારની રેડિયોથેરાપી કરી શકાય છે. લિનિયર એક્સેલેટર, આ સાધન દ્વારા શરીરના મોટા એરિયા પર ફોકસ કરી શકાય છે. જેનાથી શરીરના મોટાં કેન્સરગ્રસ્ત ભાગની સરળતાથી સારવાર કરી શકાય છે. કેન્સર હોસ્પિટલમાં આધુનિક સાધનો આવી ગયા છે પરંતુ તબીબ સહિતના સ્ટાફની રાહ જોવાય રહી છે. કેન્સર હોસ્પિટલ તત્કાલ શરૂ કરવા માંગ ઉઠી રહી છે.  

હાલ માર્ગદર્શનની નહી, રસીની જરૂર 

નાયબ મુખ્યમંત્રી આજે સર ટી. હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલની મુલાકાત લીધાં બાદ સકટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા યોજી હતી. રાજ્ય સરકાર દ્વારા ક્રિયાન્વિત અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા જિલ્લાના નાગરિકોને મહત્તમ લાભ મળે તે જરૂરી છે. કોરોનાના મુશ્કેલીના સમયમાં લોકોને રાજ્ય સરકાર તરફથી જે અપેક્ષાઓ હોય છે તે પરિપૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ જિલ્લાના સ્થાનિક પ્રશ્નો અને તેના નિરાકરણ માટેના ઉપાયોની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. કોરોનાની મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા લોકોની ઉત્તમ સારવાર થાય તથા સારામાં સારી સારવાર આપી શકાય તે માટે કોરોના કાળમાં તથા ત્યારબાદ પણ અનેક માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના નાગરિકો કોરોનાની રસીથી સંરક્ષિત થાય તે માટેની યોગ્ય વ્યવસ્થાઓ માટે પણ તેમણે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડયું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ માર્ગદર્શનની નહી પરંતુ રસીની જરૂર છે તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. 

Gujarat