ઢસા-માંડવા રોડ પર ડિવાઈડર સાથે કાર અથડાતા બેના મોત
- ચાલકને ઝોકુ આવી જતા સર્જાઇ કરૂણાંતિકા
- ધારી ખાતે માતાજીના દર્શન કરવા જતા વાપીના પરમાર પરિવારને નડયો અકસ્માત માતા-પુત્ર મોતને ભેટયાં, 3 ઈજાગ્રસ્તને ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડાયા

ભાવનગર/રસનાળ, તા. 22 મે 2019, બુધવાર
વાપીથી માતાજીના દર્શન કરવા માટે અમરેલી જિલ્લાના ધારી ખાતેથી નીકળેલા પરમાર પરિવારને ઢસા નજીક ગમખ્વાર અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં માતા-પુત્રના ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે ઢસા ૧૦૮ એમ્બ્યુલન્સમાં ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઉપલબ્ધ વિગત અનુસાર રાજકોટ-ભાવનગર હાઈવે પરના બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીના) તાલુકાના ઢસા ચોકડીથી માંડવા રોડ પર આવેલા રેલવે બ્રીજ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ મારૂતિ વેગનઆર કારના ચાલકને અચાનક ઝોકુ આવતા તેમણે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.
જેના કારણે કાર રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં વાપી ખાતે રહેતા અતુલભાઈ બાબુભાઈ પરમાર (ઉ.વ.૪૫) અને ઘનલક્ષ્મીબેન બાબુભાઈ પરમાર (ઉ.વ.૬૫)ને ગંભીર ઈજા થવાથી માતા-પુત્રના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા.
જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિ કૃપાબેન અતુલભાઈ પરમાર (ઉ.વ.૨૧), વંશભાઈ અતુલભાઈ પરમાર (ઉ.વ.૧૮) અને ઈલાબેન અતુલભાઈ પરમાર (ઉ.વ.૪૫) સહિત માતા અને બે સંતાનને ઈજા થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટના અંગે જાણ થતા ઢસા ૧૦૮ એમ્બ્યુલન્સના ડો.જયેશ વાળા, પાયલોટ ભરતભાઈ ખત્રી તેમજ રંઘોળો ૧૦૮નો સ્ટાફ તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ સિહોર બાદ ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડયા હતા. જ્યારે મૃતદેહને પી.એમ. અર્થે સિહોર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ઘટના સંદર્ભે ઢસા પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ વાપીનો પરમાર પરિવાર ધારી ગામે માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યો હતો. ત્યારે એક જ પરિવારના પાંચ સભ્યોને ગમખ્વાર અકસ્માત નડયો હતો.

