તળાજી નદી પર બનાવાયેલ પુલ પુર અને ભારે વાહનોથી બિસ્માર બન્યો

- નવિનીકરણની કામગીરી વિલંબમાં પડતા લોકોમાં આક્રોશ
- સત્તાધીશો વહેલી તકે મજબુત પુલ બનાવીને સરળ અને સલામત માર્ગ બનાવે તેની તાતી આવશ્યકતા
ગુજરાત રાજય સરકાર દ્વારા આજથી લગભગ ૩૦ વર્ષ પુર્વે તળાજી નદી પર બાંધવામાં આવેલ બેઠો પુલ નદીના પુર અને દિવસ અને રાત્રી દરમિયાન સતત અને અવિરતપણે વાહન વ્યવહારના ધમધમાટથી તદ્રન જર્જરીત હાલતમાં આવી ગયો છે. સમગ્ર પંથકના ગ્રામ્ય વિસ્તારોને સરળ બનાવતા આ ટૂંકા અને ખુબ જ ઉપયોગી એપ્રોચ રોડની અગત્યતાને લક્ષમાં લઈ આ કોઝવે પર પૂર્ણ કક્ષાનો મજબુત બ્રીજ વહેલી તકે બનાવવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ બળવત્તર બનતી જાય છે. આ રોડની દિન પ્રતિદિન વધતી જતી દુર્દશાને અનુલક્ષીને સ્થાનિક રહિશોની માંગને લઈને તંત્રવાહકો દ્વારા અવારનવાર નાનુ મોટુ સમારકામ કરવામાં આવેલ પરંતુ હાલ તે પણ એકસપાયરી ડેટ જેવી સ્થિતીમાં હોય કોઈપણ સમયે અકસ્માતગ્રસ્ત થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. હાલ ભાવનગર હાઈવેથી તળાજામાં પ્રવેશ માટે ત્રણ કિ.મી.નું ભારે ટ્રાફિકવાળુ અંતર કાપવાનો વખત આવે છે જે આ ટૂંકા માર્ગમાં માત્ર અર્ધા કિ.મી.નું અંતર રહે છે. તેમજ હાઈવેથી ગોપનાથ રોડ, સરતાનપર બંદર રોડ, રામપરા રોડ પરના ટ્રાફિક માટે અગત્યનો બાયપાસ હોય તેના ઉપર વહેલી તકે મજબુત પુલ બનાવીને સરળ અને સલામત માર્ગ બનાવવામાં આવે તેવી તાતી આવશ્યકતા જણાઈ રહી છે.

