સુરતથી પાલિતાણા ખાનગી બસમાં આવતા વૃધ્ધને બેશુધ કરી હીરાના પડીકાની ઉઠાંતરી

Updated: Jan 25th, 2023


- ભરૂચ નજીક વૃધ્ધને બાજુમાં બેસેલા વ્યકિતએ ઠંડુપીણુ પીવડાવ્યુ હતુ

- વૃધ્ધને સારવાર માટે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ કરાયા, ભરૂચ પંથકમાં પોલીસ ફરિયાદ નોંધાય તેવી શકયતા 

ભાવનગર : સુરતથી પાલિતાણા ખાનગી બસમાં આવતા વૃધ્ધને બેશુધ કરી હીરા પડીકા સહિતના મુદ્દામાલની કોઈ શખ્સ ઉઠાંતરી કરી ગયુ છે તેવો વૃધ્ધના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ભરૂચ નજીક વૃધ્ધને બાજુમાં બેસેલા વ્યકિતએ ઠંડુપીણુ પીવડાવતા વૃધ્ધ બેભાન થઈ ગયા હતાં. વૃધ્ધને સારવાર માટે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભરૂચ પંથકમાં પોલીસ ફરિયાદ નોંધાશે તેમ જાણવા મળેલ છે. 

સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સુરત શહેરના અમરોલી ખાતે રહેતા છગનભાઈ જાગાભાઈ સોલંકી (ઉ.૬૦) ગત તા. ર૩ જાન્યુઆરી સાંજે સુરતથી પાલિતાણા આવવા નિકળ્યા હતાં. ખાનગી બસના ચાલકે તેઓને ગારિયાધારની બસમાં બેસાડયા હતા અને સોનગઢથી પાલિતાણાની બસમાં બેસાડી દેશુ તેમ જણાવ્યુ હતું. વૃધ્ધને બાજુમાં અન્ય એક અજાણ્યો વ્યકિત બેસ્યો હતો. ભરૂચ પાસે એક હોટલમાં બસે હોલ્ટ કર્યો હતો. ત્યારબાદ બસમાં બાજુમાં બેસેલા વ્યકિતએ વૃધ્ધને ઠંડુપીણુ પીવડાવતા છગનભાઈ બેશુધ થઈ ગયા હતાં. બેભાન હાલતે તેઓને પાલિતાણા ઉત્તારવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેઓએ તેના સંબંધીને ફોન કરી બોલાવ્યા હતા અને ત્યારબાદ વૃધ્ધના ભાઈ ભરતભાઈને પાલિતાણા બોલાવવામાં આવ્યા હતાં. વૃધ્ધને સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોંધ કરવામાં આવી છે. 

ભોગ બનનાર વૃધ્ધ પાસેથી અજાણ્યા શખ્સો હીરાના પેકેટ, સોનાની ચેઈન, રોકડ રકમ વગેરે મુદ્દામાલની ઉઠાંતરી કરી ગયા છે તેવો આક્ષેપ કરતા ભોગ બનનારના ભાઈ ભરતભાઈ (રહે. ભાવનગર)એ જણાવેલ છે. આ બાબતે આજે બુધવારે રાત્રીના ૯.૩૦ કલાક સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. આ અંગે ભરૂચ પંથકમાં પોલીસ ફરિયાદ નોંધાશે તેમ જાણવા મળેલ છે. 

    Sports

    RECENT NEWS