For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેંક કર્મચારીઓની બદલીના મામલે આજથી 2 દિવસ સેન્ટ્રલ બેંકોમાં હડતાલ

Updated: Sep 18th, 2022


- હડતાલથી કરોડોના ટ્રાન્જેક્શન ઠપ્પ થશે

- અગાઉ રજૂઆત બાદ 45 દિવસની અપાયેલ મહેતલ વીતી જવા છતાં નિર્ણય નહીં આવતા રોષ

ભાવનગર : સેન્ટ્રલ બેંક મેનેજમેન્ટ દ્વારા બેંક કર્મચારીઓની આડેધડ કરાયેલ બદલી અંગે રજૂઆત બાદ ૪૫ દિવસનો સમય વીતી જવા છતાં મુળ જગ્યાએ પરત નહીં મુકાતા વ્યાપક રોષ ફેલાયો છે જેના ભાગરૂપે ગુજરાત બેંક વર્કસ દ્વારા તા.૧૯, ૨૦ની હડતાલનું એલાન કર્યું છે જેથી કરોડોના ટ્રાન્જેક્શન ઠપ્પ થશે.

સેન્ટ્રલ બેંકના મેનેજમેન્ટે મે મહિનામાં ૪૩૨૫ કર્મચારીઓની દ્વી-પક્ષીય કરાર અને બેંકની પોતાની બદલીની નીતિનું ઉલ્લંઘન કરી બદલી કરી હતી. બેંકે કલાર્ક પટાવાળા ઉપરાંત અધિકારીઓની પણ આડેધડ બદલી કરી હતી. ટૂંકમાં કર્મચારીઓમાં બેંકની અમાનુષી બદલી સામે રોષ ભભુક્યો હતો. યુનાઇટેડ ફોરમ ઓફ સેન્ટ્રલ બેંક યુનિયનના આદેશ મુજબ કર્મચારીઓએ હડતાલનું એલાન આપેલ છે. હડતાલના એલાન બાદ સરકારના સમાધાનકારની મધ્યસ્થી થયેલ અને ત્યારબાદ બેંક અને કર્મચારીઓના સંગઠન સાથે વાટાઘાટ કરી મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેડીંગમાં સહી સીક્કા કરેલ અને રજૂઆત બાદ ૪૫ દિવસમાં તેમના મુળ સ્થળે પરત લઇ આવવાની વાતને માન્ય રાખી હતી પરંતુ ૪૫ દિવસ બાદ બેંકે હકારાત્મક નિર્ણય ન લેતા તા.૧૯, ૨૦ના રોજ હડતાલનું એલાન આપેલ છે. બેંક તરફથી આઇડી એક્ટની કલમ તેમજ કેરાલા હાઇકોર્ટે આ બદલી દ્વી-પક્ષીય કરારની વિરૂદ્ધ છે તેમ ઠરાવવામાં આવેલ છતાં બેંક પોતાની વાતને વળગી રહેલ છે અને કર્મચારીઓની નોકરી સમાપ્તી સુધીની ધાક ધમકી આપી રહેલ છે. કર્મચારીઓ હડતાલમાં મક્કમ છે. દેશમાં સેન્ટ્રલ બેંકના કર્મચારીઓ, અધિકારીઓ હડતાલ પર જશે. ગુજરાતમાં પણ સેન્ટ્રલ બેંકના ૧૫૦૦ કર્મચારીઓ હડતાલ પર જશે. આવતીકાલે તા.૧૯ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સરદારનગર એરિયા શાખા એચ.સી.જી. હોસ્પિટલ સામે ભાવનગર યુનાઇટેડ ફોરમ ઓફ સેન્ટ્રલ બેંક યુનિયનના હડતાલના ભાગરૂપે મૌન પોસ્ટર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ રાખેલ છે તથા સાંજે ૫.૩૦ કલાકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભાવનગર મેઇન શાખા વડોદરીયા પાર્ક, સંસ્કાર મંડળએ હડતાલના ભાગરૂપે ડેમોસ્ટ્રેશનનો પ્રોગ્રામ રાખેલ છે.

Gujarat