For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહેરીકરણ ઘટાડવા સરકાર ગામડાઓમાં સુવિધા વધારશે- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Updated: Nov 15th, 2021

Article Content Image

- ચૂંટણી પૂર્વે કાર્યકરોને મળવા મુખ્યમંત્રી-પ્રદેશ ભાજપ પ્રમુખ સૌરાષ્ટ્રમાં 

- સુધરાઈ,પંચાયતોમાં અધિકારીઓએ હવે ફોન ઉપાડવા  પડશે અને કામો પણ કરવા પડશે-પ્રદેશ પ્રમુખ પાટિલ

- જુનાગઢ અને ઉનામાં મુખ્યમંત્રીની હાજરીમાં અને અમરેલીના લાઠીમાં પ્રદેશ ભાજપ પ્રમુખનું સ્નેહ મિલન

રાજકોટ : ધારાસભા ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં  મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખના સ્નેહમિલનોનો સિલસિલો શરુ થયો છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શહેરીકરણ ઘટાડવા માટે ગામડામાં સુવિધા વધારવા પર અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પર ભાર મુક્યો હતો તો પ્રદેશ ભાજપ પ્રમુખે ગ્રામ્યથી શહેર સુધી ચૂંટાયેલા પ્રતિનિધિના ફોન અફ્સરો નહીં ઉપાડે કે કામ નહીં કરે તે નહીં ચાલે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

ઉનામાં સ્નેહમિલનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે શહેરો જેવી સુવિધા ગામડાઓમાં ઉપલબ્ધ કરાવાઈ રહી છે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમાં માર્કેટીંગની વ્યવસ્થા સરકાર કરશે. ગીર સોમનાથ  જિલ્લાના પ્રભારી મંત્રી અરવિંદ રૈયાણીએ જણાવ્યું કે  ગામડામાં સુવિધા વધારવા સરકારે અભિયાન હાથ ધર્યાનું જણાવ્યુંહતું. કાર્યક્રમમાં સાંસદ,ધારાસભ્યો, પૂર્વ મંત્રી વગેરે હાજર રહ્યા હતા.

જુનાગઢમાં અક્ષર મંદિર ખાતે મુખ્યમંત્રીએ ભાજપના સ્નેહમિલનમાં જણાવ્યું  કે જુનાગઢ આસપાસના વિસ્તારોમાં સુવિધા વધારાશે જેથી શહેરોમાં થતું સ્થળાંતર ઘટશે. 

અમરેલી જિલ્લાના લાઠીના કાચરડી ગામ નજીક ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના સ્નેહ મિલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખે જણાવ્યું કે ધારાસભ્યો ઉપરાંત અમે મુખ્યમંત્રીને જણાવ્યું છે કે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા,મહાપાલિકાના અધિકારીઓ પણ ચૂંટાયેલા પ્રતિનિધિના ફોન ઉપાડતા નથી તેમને પણ સૂચનાઓ મળશે અને ફોન રીસીવ કરવા પડશે અને કામો પણ કરવા પડશે. સરકાર આ દિશામાં આગળ વધે છે. આ કાર્યક્રમમાં પૂર્વ આઈ.પી.એસ.અધિકારી હરિકૃષ્ણ પટેલે કેસરિયો ખેંસ પહેર્યો હતો. 

Gujarat