For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાપડ-કપડાં ઉપર જીએસટીના સૂચિત વધારા સામે રાજ્યભરમાં વિરોધ ઉઠયો

- જમવાનું, રહેવાનું, ફરવાનું બાદ હવે પહેરવાનું પણ મોંઘુ

Updated: Nov 24th, 2021


- રાજકોટ,અમદાવાદના ટેક્સટાઈલ્સના વેપારીઓને ફરી ઈન્સપેક્ટર રાજ શરુ થવાનો ડર, દેશવ્યાપી વિરોધ થશે 

રાજકોટ

આગામી તા.૧ જાન્યુઆરીથી કાપડ અને તૈયાર કપડાં પર જી.એસ.ટી.નો દર હાલ ૫ ટકા છે તે વધારીને સીધો ૧૨ ટકા કરવા અને તેનો અમલ તા.૧-૧-૨૦૨૨થી શરુ કરવાનું નક્કી થયાના અહેવાલના પગલે ગુજરાતના વેપારીઓમાં રોષની લાગણી જન્મી છે. 

રાજકોટના વોલસેલ ટેક્સટાઈલ્સ મર્ચન્ટ એસો.એ નાણામંત્રીને પત્ર લખીને એવી રજૂઆત કરી છે કે કોરોના કાળમાં બે વર્ષથી કાપડના વેપારીઓને ખૂબજ મૂશ્કેલી વેઠવી પડી છે ત્યારે આ વધારો અસહ્ય છે. કોરોના કાળમાં ખૂબ જ મોટુ આર્થિક નુક્શાન દરેક કપડાં-કાપડના વેપારીઓ અને કાપડ ઉત્પાદકોને ગયું છે ત્યારે જી.એસ.ટી.માં વધારો યોગ્ય નથી.  વધુમાં જણાવ્યા પ્રમાણે રાજકોટમાં આશરે ૬ હજાર વેપારીઓને આ નિર્ણયથી પ્રતિકૂળ અસર થશે અને વસ્ત્રો મોંઘા થશે. 

આ અંગે ગુજરાતના એસો.એ જણાવ્યું કે અમદાવાદમાં આશરે સાત હજાર કાપડ ઉત્પાદકો છે તેને પ્રતિકૂળ અસર થશે. વેપારીઓએ એવો ડર વ્યક્ત કર્યો કે સરકારના જો જી.એસ.ટી. વધારે તો અમારે ઈન્સપેક્ટર રાજના ભોગ બનવું પડે તેવી ભીતિ છે.

તો બીજી તરફ જનતાના દ્રષ્ટિકોણથી જોતા અગાઉ ઈંધણના બેફામ ભાવવધારાના પગલે અનેક ચીજવસ્તુઓ મોંઘી થઈ છે. સરકારના કરભારણથી ખાવાની ચીજવસ્તુ પર પણ ટેક્સ ચૂકવવો પડે છે, મકાનમાં વપરાતા સીમેન્ટ,રેતી,કપચી,સ્ટીલ સહિત કાચો માલ મોંઘો થતા મકાન મોંઘુ થયું છે, રોટી,મકાન પછી હવે કપડાં મોંઘા થશે. 

Gujarat