વસંતપંચમીના મહિમાવંતા મહાપર્વે બે હજારથી વધુ લગ્ન પ્રસંગના આયોજન

Updated: Jan 23rd, 2023


- લગ્નસરા જામતા બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો

- મોટા ભાગના જ્ઞાતિ, સમાજની વાડી,  બોર્ડિંગ, પાર્ટીપ્લોટ,  હોટલ, રિસોર્ટસ એડવાન્સમાં બુક થઈ ગયા 

ભાવનગર : આગામી તા. ૨૬ જાન્યુઆરીને ગુરૂવારે વસંતપંચમીના મહિમાવંતા મહાપર્વે વણજોયુ શુભ મુર્હૂત હોય ગોહિલવાડમાં ચોતરફ ધૂમ જોવા મળશે. ભાવનગર શહેર અને જિલ્લામાં અંદાજે બે હજારથી વધુ સ્થળોએ લગ્નોત્સવ ઉજવાશે. આ અવસરે અનેક સ્થળોએ વિવિધ જ્ઞાાતિ, સમાજ અને સામાજિક,ધાર્મિક સંસ્થાઓ દ્વારા સમુહ લગ્નોત્સવના પણ આયોજન કરાયા છે. 

ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ સોળે કળાએ શિયાળુ લગ્નોત્સવ ખિલી ઉઠયો છે.જેના કારણે સ્થાનિક મોટા ભાગના જ્ઞાતિ, સમાજની વાડી, પાર્ટીપ્લોટ, ફાર્મ હાઉસ, કોમ્યુનિટિ હોલ, હોટલ, રિસોર્ટ, બેન્ડવાજા, ડીજે, ગોરમહારાજ,કેટરર્સ, બ્યુટીપાર્લર, ઈવેન્ટ મેનેજર્સ,રસોયા સહિતના છેલ્લા દોઢેક માસથી બુક થઈ ગયા છે.  હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વસંતપંચમીના  પર્વે યોજાતા લગ્નને અત્યંત માંગલિક અને શ્રેયકર માનવામાં આવતા હોય  આગામી તા.૨૬.૧ ને ગુરૂવારે વસંત પંચમીએ વણજોયા શુભ મુર્હૂતના દિવસે ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજયભરમાં ચોમેર અંદાજે ૧૦ હજારથી વધુ લગ્નો યોજાશે. ગુરૂવારે દિવસ દરમિયાન ઠેરઠેર લગ્નોત્સવની કર્ણપ્રિય શરણાઈઓ ગૂંજતી સંભળાશે એટલુ જ નહિ બજારોમાં ડીજે અને બેન્ડવાજાના સંગાથે વરઘોડાઓ નિકળશે. જેમાં જાનૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠતા દ્રશ્યમાન થશે. માનવીઓ જેમ ઉત્સવ ઉજવે છે તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઉજવે છે.અને તે મહાપર્વના વધામણા આપતા વસંતપંચમીના અવસરે ચોમેર લગ્નોત્સવ, સગાઈ, વાસ્તુપુજન, નૂતન ગૃહપ્રવેશ, નવી ઓફિસનું ઉદઘાટન આદિ માંગલિક કાર્યોનો ધમધમાટ જોવા મળશે એટલુ જ નહિ આ સાથે વસંતપંચમીના પર્વે ઠેર-ઠેર જમીન,મકાન સહિતની જંગમ અને સ્થાવર મિલ્કતોના સોદાઓ થશે. લગ્નસરાની સિઝનને અનુલક્ષીને શહેરની વિવિધ બજારોમાં છેલ્લા સપ્તાહથી વેપાર ધંધામાં ઉછાળો આવતા ખરીદીનો માહોલ જામતા રોનક છવાઈ ગઈ છે.ગત ૨૦૨૧ માં વસંતપંચમીના પર્વે વિધિની વિસંગતતાને લઈને લગ્ન માટેનું શુભ મુર્હૂત ન હતુ.

    Sports

    RECENT NEWS