For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હવે પાટિલની હાજરીમાં બ્રહ્મસમાજના કાર્યક્રમમાં રૂપાણી,ભારદ્વાજના નામ નહીં

- રાજકોટમાં સાંસદનું નામ કાપવા મુદ્દે મંચ પર ચણભણ થયા બાદ

Updated: Nov 16th, 2021

Article Content Image

- શહેર ભાજપ પ્રમુખનું નામ પણ આઉટ,મનપા સહિત સરકારી કચેરીઓ માટે સૂચના આપનારા શાસક નેતાઓ પણ બદલાશે 

- સત્તાના કેન્દ્રસ્થાનો  બદલાયા, પૂર્વે હાંસિયામાં ધકેલાયેલા નેતાઓનું માનવા અફ્સરોને અપાશે સૂચના

- રાજકોટમાં એક જ જૂથ પાસે સત્તાની દોર રહે તે માટે બે જૂથ ઉભા કરાયાની પણ ચર્ચા

રાજકોટ

રાજકોટમાં ગઈકાલે રૂપાણીની હાજરીમાં યોજાયેલા ભાજપના સ્નેહ મિલનમાં સંસદસભ્યો,ધારાસભ્યના નામ  ભાજપના એક જૂથે કટ કર્યાના મુદ્દે  સંસદસભ્ય રામભાઈ મોકરીયા,ધારાસભ્ય ગોવિંદ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે મંચ પર ચણભણ થયા બાદ હવે તા.૨૦ના પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલ જેના ઉદ્ધાટક છે તે બ્રહ્મસમાજના કાર્યક્રમમાં રૂપાણી અને શહેર ભાજપ પ્રમુખ મિરાણી ઉપરાંત રૂપાણીના ખાસ મનાતા બ્રહ્મસમાજના નિતીન  ભારદ્વાજને પણ આમંત્રણ નહીં અપાયાનું બહાર આવ્યું છે. 

પાટિલની હાજરીમાં રાજકોટમાં યોજાનાર કાર્યક્રમને હવે સ્નેહ મિલનનું નામ આપવું કેટલાક નેતાઓને અનુચિત લાગે છે તેથી અન્ય નામ અપાશે. શનિવારે સાંજે ૩-૩૦થી સાંજે ૭-૩૦ સુધી યોજાયેલા બ્રાહ્મણોના કાર્યક્રમમાં સંસદસભ્ય રામભાઈ મોકરીયા (કે જેમનું નામ શહેર ભાજપે કટ કરતા તેમણે આ મુદ્દે મંચ પર રૂપાણી સાથે બોલચાલ કરી હતી) પ્રેરણાદાયી અતિથિ તરીકે હાજર રહેશે. ઉપરાંત પ્રદેશ ભાજપના મહામંત્રી પણ હાજર રહેશે.આ કાર્યક્રમના આયોજક ભાજપના વરિષ્ઠ નેતા કશ્યપ શુક્લએ નામ કટ કરાયા અંગે કહ્યું કે કોઈને કાપ્યા નથી, જે અપેક્ષિત છે તેમને આમંત્રણ અપાયા છે અને તેઓ જ મંચ પર બેસશે.  

બીજી તરફ મનપા,પોલીસ તંત્ર, કલેક્ટર ઓફિસ સહિતની સરકારી ઓફિસમાં ઘણા વર્ષોથી ભાજપના ચોક્કસ નેતાની ભલામણો-સૂચનાઓ જતી રહી છે તેમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. મનપાના  દરેક કાર્યક્રમોમાં હાજર નેતાઓની હવે બાદબાકી થવા લાગી છે.જો કે મનપામાં ગત ચૂંટણી વખતે ધાર્યા મૂજબના નેતાઓને ટિકીટ અને બાદમાં મેયર,સ્ટેન્ડીંગ ચેરમેન સહિતના પદો અપાઈ ગયા છે ત્યારે હવે મનપા કામગીરીના મોનીટરીંગ માટેની નેતાગીરી બદલવા પણ હીલચાલ શરુ થઈ છે.

શહેર ભાજપમાં કોર્પોરેટરોથી માંડીને ધારાસભ્યો વર્ષોથી શોભાના ગાંઠિયા હતા તોે હાંસિયામાં ધકેલાયેલા કે ધકેલી દેવાયેલા આ નેતાઓના ફોન ઉપાડવા,જાહેર કામો કરવા પણ અફ્સરોને સૂચના અપાય તેવા સંકેતો પક્ષમાંથી મળ્યા છે. તો બીજી તરફ રાજકોટમાં એક જૂથનો સત્તા પર પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પણ કાયમ અંકુશ રહે તે માટે અંદરખાને વ્યવહારિક-વ્યવસાયિક સંબંધોમાં તેમની સાથે હોય અને બહારથી તેમનો વિરોધ કરે તેવું બીજુ જુથ (બી ટીમ) સક્રિય હોવાની પણ ચર્ચા છે.

Gujarat