For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કલ્યાણપુર પંથકમાં પૂર આવવાની શક્યતાથી NDRFની ટીમ તૈનાત

- 14 જવાનો મારફત જરૂર પડયે નીચાણવાળા વિસ્તારમાંથી સ્થાનિકોના સ્થળાંતર કરાશે

- 97થી 107 ટકા જેવા નોંધપાત્ર વરસાદનાં કારણે

Updated: Sep 15th, 2021


ખંભાળિયા

દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં ગઈકાલે થયેલા નોંધપાત્ર વરસાદથી કલ્યાણપુર તાલુકાના કેટલાક ગામોમાં ભારે પુર આવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આના અનુસંધાને તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે કલ્યાણપુર તાલુકામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

કલ્યાણપુર તાલુકાના મોસમનો કુલ ૧૦૭ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ભાણવડ તાલુકામાં પણ આશરે ૯૭ ટકા જેટલા વરસાદ સાથે અનેક જળાશયો તરબોળ બન્યા છે. આમ, આ વરસાદના કારણે કલ્યાણપુર પંથકમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાની પૂરી શક્યતા વચ્ચે તંત્ર દ્વારા કલ્યાણપુર તાલુકા માટે એનડીઆરએફની ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે.

ખાસ કરીને તાલુકાના જામરાવલ ગામે પુરના કારણે લોકોને હાલાકી તથા નુકશાની ન થાય તે માટે તંત્ર દ્વારા એનડીઆરએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં રાવલ ગામે એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેને રાવલ ગામની શાળામાં ઉતારો આપવામાં આવ્યો છે. રાવલ ગામના નીચાણવાળા વિસ્તારોમાં ટીમના જવાનો દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જરૂર પડયે નીચાણવાળા વિસ્તારમાંથી સ્થાનિકોના સ્થળાંતરની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. આ ટીમના ૨૪ જવાનોની ટુકડી દ્વારા જરૂરી સેવાઓ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં રાવલ ગામે પુર આવવાના કારણે આ ગામ બેટ બની ગયું હતું અને ભારે હાલાકી સર્જાઇ હતી. આ વર્ષે પણ રાવલ ગામમાં ખાના-ખરાબી ન સર્જાય તે માટે તંત્ર સજ્જ થયું છે.

Gujarat