ભાવનગર-ભરૂચ વચ્ચે મલ્ટીપર્પઝ બ્રીજના વિકાસ ચક્રો 1985થી શરૂ થયા હતા
ભાવનગર, તા. 07 ડિસેમ્બર 2018, શુક્રવાર
1985-86ના સમયથી ભાવનગર-ભરૃચ વચ્ચે ખાડી પર મલ્ટીપર્પઝ બ્રીજ અંગેની કવાયત શરૃ કરાઇ હતી. કંપનીઓ દ્વારા મંજૂરી અને સરકાર દ્વારા ભલામણ કરાઇ હોવા છતાં સરકારી તુમારમાં અટવાયેલ આ વિકાસ પ્રોજેક્ટને વાઇબ્રન્ટ ગુજરાતમાં લઇ જવા માગણી ઉઠી છે.
જાન્યુઆરી-૨૦૧૯માં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થવા જઇ રહ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સરકાર દ્વારા ભારતમાં જુદા જુદા સ્થળોએ રોડ શો યોજાઇ રહ્યા છે. હાલમાં જ દિલ્હીમાં આવો એક અગત્યનો રોડ શો યોજાઇ ગયો જેમાં મુખ્યમંત્રી દ્વારા વિદેશના કોન્સ્યુલેટ સાથે મિટીંગો યોજાયેલ અને તેમાં ગુજરાતના અગત્યના પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરેલ.
ખંભાતની ખાડી ઉપર ભાવનગર-ભરૃચ વચ્ચે ૧૯૮૫-૮૬માં મલ્ટીપર્પઝ બ્રીજની માગણી કરવામાં આવેલ જેના અનુસંધાને જે-તે વખતની સરકાર દ્વારા ફીઝીબીલીટી અને ટેકનિકલ રીપોર્ટ કરાવવામાં આવેલા. આ બ્રીજ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે, ફ્રાન્સની જી.આઇ.એમ. ઇન્ટરનેશનલ, બ્રીટનની ફ્રીમોન ફોક્સ કંપની અને મુંબઇની ગેમન ઇન્ડીયા પાસે ઉપરોક્ત રીપોર્ટ કરાવવામાં આવેલા. આ તમામ કંપનીઓ દ્વારા આ પ્રોજેક્ટને વાયેબલ ગણેલ અને આગળ વધવાની મંજૂરી આપેલ.
ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે વિદેશમાં વસતા ગુજરાતીઓ પાસેથી મુડી મેળવવા પ્રોજેક્ટને કેન્દ્રીય આયોજન પંચને સુપ્રત કરવામાં આવેલ. કેન્દ્રીય આયોજન પંચે આ પ્રોજેક્ટને વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસીસ ઇન્ડીયાને ચકાસવા માટે આપેલ. ઉપરોક્ત સંસ્થા દ્વારા ડિસેમ્બર-1988માં મંજૂરી આપેલ. જેને આયોજન પંચે 1990માં મંજૂર કરી ગુજરાત સરકારને સોંપેલ. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1996માં આ પ્રોજેક્ટને મુર્તીમંત કરવા ભલામણ કરેલ, પરંતુ આજ સુધી આ પ્રોજેક્ટ સરકારી તુમારમાં અટવાયેલો છે. વચ્ચે સરકાર દ્વારા કલ્પસર યોજના અને બ્રીજ યોજનાથી થનારા લાભાલાભ ઉપર પણ જુદા જુદા રીપોર્ટો કરવામાં આવેલા. જે તમામ રીપોર્ટો સરકારની ફાઇલોમાં પડેલા છે.
આમ સમગ્ર રીતે આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રના વિકાસનો એક નવો દ્વાર ખુલી શકે તેમ હોય, આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં દેશની તેમજ વિદેશની કંપનીઓ સમક્ષ રજૂ કરવામાં આવે અને તેમને ટોલટેક્ષ દ્વારા તેમનું રોકાણ પરત મેળવવાની જોગવાઇ કરવામાં આવે તો આ પ્રોજેક્ટ કોઇપણ રોકાણ વગર ઝડપથી પૂર્ણ થાય તેમ છે. હાલના આધુનિક ટેકનોલોજીને કારણે ઉપરોક્ત 35-40 કિ.મી.નો પુલ ખુબ જ ઓછા સમયમાં બની શકે તેમ છે.
મલ્ટીપર્પઝ બ્રીજથી 200 કિ.મી.નું અંતર ઘટાડી ઇંધણ બચાવી શકાશે
આ પ્રોજેક્ટ મુજબ બ્રીજ બનાવવાથી સૌરાષ્ટ્ર અને ભરૃચ વચ્ચેનું 150 થી 200 કિ.મી. અંતર ઘટી જાય છે. તેમજ પુલ સાથે પાણી અને ગેસની પાઇપ લાઇન નાખી નર્મદાનું પાણી તથા ગેસ ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાને નીચી કિંમતે વપરાશમાં દઇ શકાય તેમ છે તેમજ આ પુલ સાથે બ્રોડગેઇઝ રેલવે લાઇન કરવાથી પણ સમયનો અને કિંમતી વિદેશી ઇંધણનો બચાવ થાય તેમ છે.