For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખનિજ ચોરોનો આતંકઃ કાગવડનાં વૃધ્ધ પર પાંચ શખ્સોનો ઘાતકી હુમલો

- ગૌચરની જમીનમાં ખનન અંગે રજૂઆત કરતા બેફામ મારકૂટ

Updated: Nov 25th, 2021

Article Content Image- રિવોલ્વર બતાવીને 'હવે ક્યારે'ય ફરિયાદ કરી છે તો ફૂંકી મારીને જીવતો પતાવી દઇશું' એવી ચીમકી ધમકી આપી

જેતપુર


જેતપુર શહેરમાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા બાદ હવે જેતપુર તાલુકા પંથકમાં ખનીજ માફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે.  આજે ખનીજ ચોરી બાબતે વારંવાર સરકારી તંત્રોને રજૂઆત કરનાર કાગવડના એક વૃદ્ધ  ઉપર ખનીજ ચોરી કરતા પાંચ શખ્સોએ હુમલો કરતા તેમને  હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેથી  પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન લઇને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

બનાવની વિગત એવી છે કે જેતપુર તાલુકાના કાગવડ ગામે રહેતા અને માલધારી તરીકે જીવન જીવતા હેમંતગર વજેગર મેઘનાથી  નામના વૃદ્ધે છેલ્લા ચાર વર્ષ થયા કાગવડ વિસ્તારમાં બેરોકટોક ખનીજ ચોરી બાબતે જેતપુર સહિત લાગતા વળગતા સત્તાવાળાઓને રજૂઆત કરતા આવે છે, છતાં ખનીજ માફિયાઓને સરકારી તંત્ર સાથે જાણે મીલીભગત હોય તેમ કોઈ પણ પ્રકારના પગલા ભરાતા નથી. આજે કાગવડમાં ગૌચરની જમીન ખોદી રહેલા ખનીજ ચોરો બાબતે હેમંતગરભાઈએ તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ટીડીઓએ તાત્કાલિક આ ખનિજ ચોરી અટકાવી દીધી હતી.

આ વાતનો રાગદ્વેષ રાખીને કિશન સહિત પાંચ શખ્સો રજૂઆત કરનારના ઘરે પહોંચી જઈને  લાકડી તેમજ ઢીકાપાટુનો માર  મારી માલધારી વૃદ્ધને ઘાયલ કરી દીધા હતા. ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીં હોસ્પિટલ ખાતે દોડી ગયેલી પોલીસ સમક્ષ ઇજાગ્રસ્ત વૃદ્ધે નિવેદન આપ્યું હતું કે કાગવડની ધાર વિસ્તારમાં થતી ખનીજ ચોરી બાબતે તેમણે તાલુકા  વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ખનીજ ચોરો લાજવાને બદલે ગાજીને  તેમના ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં પોતાના પર હુમલો કરનાર ૫ શખસમાંથી એકના પડખામાં રિવોલ્વર હતી અને એવી ધમકી આપી હતી કે હવે પછી ખનીજચોરી બાબતે ક્યાંય પણ રજૂઆત કરી છે તો ફૂંકી મારીને જીવતો પતાવી દઈશ.

વૃદ્ધે આક્ષેપ કરતા કહ્યું હતું કે પોતાના પર હુમલો કરવામાં કાગવડ ના સરપંચ તેમજ એક કિશન નામના શખ્સ સહિત ૫ હતા.  હુમલા દરમિયાન તેમના ચશ્મા તૂટી જતા તેઓ હુમલાખોરોને બરાબર ઓળખી શક્યા નહોતા.પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધના  નિવેદન પરથી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જાણકારો કહે છે કે ખનીજ ચોરી રોકવાનો પ્રયાસ કરનાર વૃદ્ધ પર હુમલો કરવામાં ભાજપના અમુક કાર્યકરો સામેલ હોવાની વિગતો ગામમાં ચર્ચાઈ રહી છે. ત્યારે સ્થાનિક પોલીસે કોઈપણની સામે શેહ શરમ  રાખ્યા વગર હુમલાખોરો સામે ગુનો નોંધવો જોઈએ.

ખનીજ ચોરી બાબતે ૪ વર્ષથી કરું છું ફરિયાદઃ ઇજાગસ્ત

ઇજાગ્રસ્ત હેમતગર મેઘનાથીએ જણાવ્યું હતું કે કાગવડ વિસ્તારમાં ગૌચરની જમીનમાં થતી ખનીજ ચોરી બાબતે તેઓ છેલ્લા ચાર વરસથી લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત કરતા આવે છે. આમ છતાં ખનીજ ચોરી અટકતી નથી. આજે આ બાબતે રજૂઆત કરાતા ખનીજ માફિયાઓને જાણ થઈ જતા તેમના પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ખનીજ માફિયાઓ આવી રીતે પોતાના પર હુમલો કરીને પોતાની કાર્યવાહી રોકાવી શકશે નહીં. ગૌચરની જમીનને બચાવવા માટે તેઓ ભવિષ્યમાં પણ અવારનવાર સરકારી તંત્રને રજૂઆત કરતા રહેશે.

Gujarat