For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જેતપુરમાં દારૂબંધી મુદ્દે ધરણાં બાદ મહિલાઓ દ્વારા રોષપૂર્ણ વિશાળ રેલી

- 'આંદોલન કરાયુ છતાં અસરકારક પગલાં નથી લેવાયા'

Updated: Nov 16th, 2021


- જેતપુરમાં દારૂની બદી નાબુદ કરવાની માંગ સાથે મહિલા કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.

- દારૂના દૂષણને લીધે અનેક પરિવારો બેહાલ થઈ રહ્યાં છે, ગરીબ કુટુંબો આર્થિક રીતે ભાંગી ગયા છે છતા પોલીસતંત્ર દ્વારા સેવાતી ચુપકીદી

જેતપુર


જેતપુરમાં દારૂની બદી વકરી છે તેની આડમાં ગુંડાગીરી ઉછરી રહી છે. શહેરમાં દેશી વિદેશી દારૂ ઠેર-ઠેર વેચાઈ રહ્યો છે. છતાં પોલીસ દ્વારા પગલાં લેવાતા ન હોવાના આક્ષેપ કરી જેતપુર મહિલા કોંગ્રેસ દ્વારા આજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી દારૂની બદી નાબુદ કરવા માંગ કરી હતી.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર રહી છે. થોડા દિવસ પહેલા જેતપુરમાં ફારસરૂપ દારૂબંધી સામે આંદોલન કરાયું હોવા છતાં કોઈ પગલાં નહી લેવાતા આજે રેલી કાઢવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, જેતપુરમાં દારૂની વવકરેલી બદીને લીધે ગરીબીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. તો કેટલાય પરિવારોના સભ્યો દારૂની કુટેવના કારણે ગંભીર બિમારીનો ભોગ બન્યા છે. અને બેરોજગારીના ખપ્પરમાં પણ હોમાયા છે. દારૂના બુટલેગરો અને પોલીસની સાંઠ ગાંઠના કારણે દારૂ બંધીનો કાયદો માત્ર કાગળ ઉપર જ છે. કડકાઈથી અમલવારી કરવામાં પોલીસતંત્ર સદંતર નિષ્ફળ નિવડયું છે. થોડા દિવસ પહેલાં દારૂ બંધી મુદે ધરણાં કરી આંદોલન કરવામાં આવ્યું હતું છતાં સ્થાનિક તંત્ર દવારા અસરકારક પગલાં લેવામાં નહીં આવતા આજે રેલી યોજવામાં આવી હતી. 

જેતપુર શહેર પોલીસની ભ્રષ્ટ નીતિ રીતીના કારણે દેશી વિદેશી દારૂ વેંચનારા બુટલેગરોને મોકળુ મેદાન મળી ગયું છે. પોલીસ તંત્રની રહેમ નજર તળે બેફામ બનેલા બુટલેગરોને કાયદાનો કોઈ ડર જ ન હોય તેઓ માહોલ જોવા મળી રહ્યો છે, દારૂની બદીની આડમાં ગુંડાગીરી વકરી છે. જેતપુરમાં દારૂ વેચાણની જગ્યાઓ પર દરોડા પાડીને દારૂની બદી નાબુદ કરવામાં આવે તેવી મહિલા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ હતી.

Gujarat