Get The App

એમ.કે. ભાવનગર યુનિ.ના કુલપતિ તરીકે અમદાવાદના ડો.ચાવડા નિયુક્ત

Updated: Mar 10th, 2019

GS TEAM

Google News
Google News
એમ.કે. ભાવનગર યુનિ.ના કુલપતિ તરીકે અમદાવાદના ડો.ચાવડા નિયુક્ત 1 - image

ભાવનગર, તા. 11 માર્ચ 2019, રવિવાર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો.મહિપતસિંહ ચાવડાની નિયુક્તિ થઇ છે. આ સાથે ભાવ. યુનિ.ને સ્થાનિક કુલપતિ મળે તેવી આશા અને લાગણી પર પાણી ફરી વળ્યું છે. નવા કુલપતિએ આજે જ બપોરે ભાવનગર આવીને ચાર્જ સંભાળી લીધો હતો.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વ વિદ્યાલયના ૧૫માં કુલપતિ તરીકે અમદાવાદ એલ.ડી. આર્ટસ કોલેજના આચાર્ય અને એબીવીપી સાથે સંકળાયેલા ડો.મહિપતસિંહ ચાવડાનો હુકમ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડતા જ તેઓ મોટર માર્ગે તાબડતોબ ભાવનગર આવી પહોંચ્યા હતા અને ઇ.કુલપતિ ડો.વાઘાણી પાસેથી ચાર્જ સંભાળી લીધેલ હતો.

અગાઉના કુલપતિ ડો.ઝાલા પણ અમદાવાદથી આવ્યા હતા જ્યારે આ ડો.ચાવડા પણ અમદાવાદથી આવતા ભાવનગરના સ્થાનિક કુલપતિની લાગણી પર પાણી ફરી વળ્યું છે. ડો.મહિપતસિંહ ચાવડા કડક અને શિસ્તના આગ્રહી હોવાનું કહેવાય છે ત્યારે ભાવનગર યુનિવર્સિટીમાં તેઓ કેવા કાર્યક્ષમ પુરવાર થાય છે તે જોવું રહ્યું.

ડો.વાઘાણીને ઇન્ચાર્જમાંથી નિયમિત થતા રહી ગયા

ડો.ગીરીશભાઇ વાઘાણીને ડો.ઝાલા પછી ઇન્ચાર્જ તરીકે હવાલો સોંપાયો હતો. તેઓ ઇન્ચાર્જમાંથી નિયમિત કુલપતિ તરીકે નિમણૂંક પામે તેવી ભાવનગરના મહાજન, અગ્રણીઓ અને યુનિ.ના એક મોટા જુથની લાગણી હતી. આ અંગે રજૂઆત પણ થઇ હતી પરંતુ કોઇ કારણોસર આ પ્રયત્નો ફળ્યા નહીં.

ભાઇનો હોદ્દો અને સમય નડી ગયો ?

ઇન્ચાર્જ કુલપતિ ડો.વાઘાણી ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના ભાઇ છે અને ઇન્ચાર્જ તરીકે મુકાયા ત્યારે પણ થોડો વિવાદ થયો હતો. તેઓ કુલપતિ પદ પ્રબળ દાવેદાર અને સ્થાનિક હોવા છતાં નિમણૂંક ન થવા પાછળ ધારાસભ્ય-પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે આંગળી ન ચિંધાય તે મુદ્દો અને ચૂંટણી હોય વિવાદ ન સર્જાય તે બાબત નડયાની ચર્ચા છે.