For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાર્કીંગ પોલીસીને મનપાની સ્ટેન્ડીંગમાં સૈધ્ધાંતીક મંજુરી

Updated: Sep 14th, 2021


- સ્ટેન્ડીંગ કમિટિમાં 28 ઠરાવને મંજુરી, લીઝ હોલ્ડ પ્લોટનો ઠરાવ નામંજુર 

- ભાવનગર શહેરમાં પાર્કીંગ પોલીસી લાગુ થશે તો લોકો પર આર્થીક ભારણ વધશે, રોડ પર પાર્ક કરેલ વાહનનુ એક દિવસનુ પ૦ પૈસાથી રૂ. ૩૦ સુધીનુ ભાડુ ચુકવવુ પડશે 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે મંગળવારે પાર્કીંગ પોલીસીને સૈધ્ધાંતીક મંજુરી આપવામાં આવી હતી. પાર્કીંગ પોલીસી લાગુ પડયા બાદ વાહન ચાલકો પર આર્થીક ભારણ વધશે. સ્ટેન્ડીંગની બેઠકમાં ર૮ ઠરાવને બહાલી આપવામાં આવી હતી, જયારે લીઝ હોલ્ડ પ્લોટનો એક ઠરાવ નામંજુર કરાયો છે. ઢોર પકડવાનો ઠરાવ ચર્ચાને અંતે મંજુર કરવામાં આવ્યો હતો. સીકયુરીટીમાં નિવૃત્ત આર્મી મેનને લેવા આયોજન કરાશે.  

મહાપાલિકામાં આજે મંગળવારે સાંજે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળી હતી, જેમાં પાર્કીંગ પોલીસીને સૈધ્ધાંતીક મંજુરી અધ્યક્ષ સ્થાનેથી આપવામાં આવી છે. પાર્કીંગ પોલીસીનો ઠરાવ હજુ મનપાની સામાન્ય સભામાં જશે અને ત્યારબાદ સ્ટેન્ડીંગમાં પણ ચર્ચા કરવામાં આવશે. આ ઠરાવ બંને સભામાં મંજુર થયા બાદ સરકારમાં મંજુરી માટે મોકલવામાં આવશે. હાલ સુરતમાં પાર્કીંગ પોલીસી લાગુ છે અન્ય શહેરોમાં હજુ પોલીસી લાગુ પડી નથી. પાર્કીંગ પોલીસી લાગુ થયા બાદ મહાપાલિકાની હદના કોઈ પણ મુખ્ય રોડ, સોસાયટીના રોડ પર કાર, ટ્રક વગેરે વાહન રાખ્યા હશે તેનુ મનપા ભાડુ વસુલશે. એક દિવસનુ આશરે પ૦ પૈસાથી રૂ. ૩૦ સુધીનુ ભાડુ હોવાની ચર્ચા છે, જેનાથી મહાપાલિકાની આવક વધશે અને ટ્રાફીકનો પ્રશ્ન હલ થશે તેવો મનપાના શાસકોનો દાવો છે. પાર્કીંગ પોલીસી લાગુ કરતા પૂર્વે લોકોને પણ સાંભળવામાં આવશે અને ત્યારબાદ પાર્કીંગ પોલીસી લાગુ કરાશે તેમ ચેરમેને જણાવ્યુ હતું. પાર્કીંગ પોલીસી લાગુ થયા બાદ વાહન માલિકો પર આર્થીક ભારણ વધશે તેમ જણાય રહ્યુ છે.  

ઢોર પકડવાનો કોન્ટ્રાકટ આપવો સહિતના ર૮ ઠરાવને બહાલી આપવામાં આવી હતી, જયારે મોખડાજી સર્કલ પાસે આવેલ લીઝ હોલ્ડ પ્લોટ નં. ૧૪૦૧ને પ૦ ટકા કરતા ઓછો રહેણાંકમાંથી કોર્મશીયલ ઉપયોગફેર કરી આપવા મંજુરી થયેથી પ્રિમીયમની રકમ ભરપાઈ કરવાની શરતે મંજુરી આપવા અંગે નિર્ણય કરવાનો હતો પરંતુ આ ઠરાવ નામંજુર કરવામાં આવ્યો છે. લીઝ હોલ્ડ પ્લોટને શુ હેતુ માટે ફાળવ્યો હતો તે માહિતી મેળવ્યા બાદ ઠરાવને મંજુરી અપાશે તેમ ચેરમેને જણાવ્યુ હતું. ઢોર પકડવાનો ઠરાવ ચર્ચાને અંતે મંજુર કરવામાં આવ્યો હતો. મહાપાલિકા પાસે ઢોર પકડવાનો સ્ટાફ છે છતા કોન્ટ્રાકટ આપવામાં આવે છે તે પ્રશ્ન ઉઠયો હતો પરંતુ આ અંગે અધિકારીએ સ્ટેન્ડીંગમાં જણાવ્યુ હતુ કે, ભરતી ઘણા વર્ષ પૂર્વે થઈ હતી, જેમાં કેટલાક કર્મચારીના મૃત્યુ થયા છે અને કેટલાક કર્મચારીને બઢતી મળી ગઈ છે. હાલ માત્ર ૬ કર્મચારી છે તેથી કોન્ટ્રાકટ આપવો જરૂરી છે. મનપાના બાગ-બગીચા સહિતના સ્થળે સીકયુરીટી માટે નિવૃત્ત આર્મી મેનને લેવા માટે આયોજન કરવા, આંગણવાડીના રજીસ્ટ્રેશન છપાવવા સહિતના ચાર ઠરાવને અધ્યક્ષ સ્થાનેથી મંજુર કરવામાં આવ્યા હતાં. 

ઢોર પકડવાનો ઠરાવ ચર્ચાને અંતે મંજુર કરાયો : સીકયુરીટીમાં નિવૃત્ત આર્મી મેનને લેવા આયોજન 

કંસારા શુધ્ધિકરણ પ્રોજેકટની બંને સાઈડમાં ઘટાડો કરાયો 

ભાવનગર શહેરના કંસારા શુધ્ધિકરણ પ્રોજેકટમાં બંને સાઈડ ૧ર.પ૦ મીટર કરવાની હતી પરંતુ ઘણા દબાણ હટાવવાના થતા હોવાથી બંને સાઈડ ઘટાડીને પ.પ૦ મીટર કરવા સ્ટેન્ડીંગ કમિટિમાં અધ્યક્ષ સ્થાનેથી નિર્ણય કરવામાં આવ્યો હતો. કંસારા શુધ્ધિકરણ પ્રોજેકટની કામગીરી હાલ ચાલુ છે પરંતુ પ્રોજેકટમાં ઘણા મકાન સહિતના દબાણો હટાવવા પડે તેમ છે તેથી કોંગ્રેસ અને સ્થાનીક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધના પગલે શાસક ભાજપના સભ્યો મુંઝવણમાં હતા તેથી હાલ બંને સાઈડમાં ઘટાડો કરવાથી ઓછા દબાણ દુર કરવા પડે તેવો નિર્ણય હાલ કરવામાં આવ્યો છે.  


Gujarat