For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગરમાં ઠંડીનુ જોર વધ્યુ, 14 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો

Updated: Jan 25th, 2023

Article Content Image

- લઘુત્તમ તાપમાન ફરી 12 ડિગ્રીએ પહોંચતા લોકોને ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ 

- ઠંડો પવન ફુંકાતા અને લઘુત્તમ તાપમાન ઘટતા લોકો દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા મજબુર : ઠંડીના પગલે રોડ પર રહેતા ગરીબ લોકોની મૂશ્કેલી વધી 

ભાવનગર : ઠંડા પ્રદેશોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના પગલે હવામાન વિભાગે કેટલાક દિવસ ઠંડી વધુ પડશે તેવી આગાહી કરી છે. આ આગાહી હાલ સાચી પડી રહી હોય તેમ ભાવનગર શહેર અને જિલ્લામાં ઠંડીનુ જોર વધ્યુ છે. લઘુત્તમ તાપમાન ઘટતા તેમજ ઠંડો પવન ફુંકાતા લોકોને ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીના કારણે લોકોમાં ધુ્રજારો જોવા મળ્યો હતો. ભાવનગરમાં આજે બુધવારે લઘુત્તમ તાપમાન ઘટીને ૧ર ડિગ્રીએ પહોંચી જતા ઠંડી વધી હતી. ઠંડીના પગલે લોકો ગરમ વસ્ત્રોના સહારે જોવા મળ્યા હતાં. 

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બુધવારે મહત્તમ તાપમાન રપ.પ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧ર ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ર૯ ટકા અને પવનની ઝડપ ૧૪ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે મંગળવારે મહત્તમ તાપમાન રપ.૭ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ ૪પ ટકા અને પવનની ઝડપ ૬ કિલોમીટર નોંધાઈ હતી. છેલ્લા ર૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં ખાસ ફેર નથી પરંતુ લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી ઘટયુ છે. ભેજનુ પ્રમાણ પણ ઘટયુ છે અને પવનની ઝડપ ડબલ થઈ ગઈ છે. લઘુત્તમ તાપમાન ઘટતા અને પવન ઝડપ વધતા લોકો ઠંડીથી ઠુઠવાય ગયા હતાં. 

ઠંડો પવન ફુંકાતા લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. વહેલી સવારે તેમજ મોડીરાત્રીના ઠુઠવી નાખે તેવી ઠંડીનો અનુભવ લોકોને થયો હતો. રોડ સુમસાન જોવા મળ્યા હતા અને લોકોની ખુબ જ ઓછી અવર-જવર જોવા મળી હતી. ઠંડી વધતા રાત્રીના સમયે કેટલાક લોકો તાપણી કરતા નજરે પડયા હતાં. રોડ પર રહેતા ગરીબ લોકોની મૂશ્કેલી વધી હતી અને તેઓ ધાબળા ઓઢી સુતા જોવા મળ્યા હતાં. ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર નિકળવાનુ ટાળ્યુ હતું. લોકોએ ઘરના બારી-બારણા પણ ઠંડા પવનના કારણે બંધ રાખ્યા હતાં. થોડા દિવસ હજુ ઠંડીનુ જોર યથાવત રહે તેવી શકયતા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. 

ઠંડીના પગલે બજારમાં સાંજના સમયે સન્નાટો 

ભાવનગર શહેર અને જિલ્લામાં ઠંડીનુ જોર વધી રહ્યુ છે. ઠંડીનુ જોર વધતા સવારે કેટલાક વેપારીઓએ સમય કરતા મોડી દુકાનો ખોલી હતી અને ગ્રાહકો પણ બજારમાં ઓછા જોવા મળ્યા હતાં. સાંજના સમયે પણ બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી હતી તેથી ઘણા વેપારીઓએ દુકાનો વહેલી બંધી કરી દીધી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. 

Gujarat