For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહુવાના બગદાણામાં ગાજવીજ અને પવન સાથે કરાનો વરસાદ

Updated: Mar 18th, 2023

Article Content Image

- જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબકી ગયો

- વલ્લભીપુર, ઉમરાળા, સિહોર, તળાજા, ગારિયાધાર સહિતના પંથકોમાં કમોસમી વરસાદથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

બગદાણા/ભાવનગર : ભાવનગર જિલ્લો જાણે કાશ્મીર બની ગયો હોય તેમ ભરઉનાળામાં કરાનો વરસાદ થઈ રહ્યો છે. રાત્રે ભાવનગરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી બિહામણાં વીજ કડાકા-ચમકારા વચ્ચે કરા સાથેનો ધોધમાર વરસાદ વરસાવી દીધા બાદ આજે બગદાણા સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં કરાની સાથે કમોસમી વરસાદ ખાબકી ગયો હતો.

મહુવા તાલુકાના બગદાણા ગામે આજે બપોરના ૧-૩૦ કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને સુસવાટા મારતા પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. બગદાણા અને આજુબાજુના ગામોમાં કમોસમી વરસાદની સાથોસાથ કરા પણ વરસ્યા હતા. જેથી લોકો કરાનો વરસાદ જોવા ઘરની બહાર દોડી આવ્યા હતા. બગદાણા ઉપરાંત દેગવડા, રાળગોન, વલ્લભીપુરના પાટણા (ભાલ) સહિતના ગામોમાં પણ બરફ વર્ષા (કરાનો વરસાદ) વરસ્યો હોવાના વાવડ મળ્યા છે. જ્યારે સિહોરમાં બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતાં રસ્તા પરથી પાણી ફરી વળ્યા હતા. આ સાથે જ વીજળીના ધાંધિયા શરૂ થતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડયો હતો.

વલ્લભીપુર પંથકમાં વાદળછાયા વાતાવરણની સાથે છુટોછવાયો વરસાદ થયા બાદ રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે લાઈટ ડૂલ થઈ જતાં અંધારપટ છવાયો હતો. તેમજ ઉમરાળા પંથકમાં ઉમરાળા, ધોળા સહિતના ગામોમાં વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. જેના કારણે રસ્તા પર પાણી ભરાયા હતા. ગારિયાધાર પંથકમાં પણ સાંજના સમયે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી જતાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ઉનાળામાં જાણે ચોમાસાનો માહોલ સર્જાયો હોય તેવું વરસાદી વાતાવરણ થઈ ગયું હતું. જેથી ખેડૂતોને ઉભા પાકમાં નુકશાની જવાની ચિંતા સતાવી હતી. તળાજામાં બપોરે રસ્તો ભીંજવતું માવઠું વરસ્યું હતું. જ્યારે તાલુકાના સનાળા, કામરોળ, બોરડી, ઠળિયા, ઠાડચ સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ થયો હતો. ઘણી જગ્યાએ પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી જતાં વાડીમાં ખેતમજૂરી કરતા લોકોને રજા આપી દેવામાં આવી હતી. જેસરમાં પણ સાંજના સમયે ઝાપટું વરસી ગયું હતું. જ્યારે ભાવનગરમાં બપોરે અંધારપટ કરી દે તેવા કાળા ડિબાંગ વાદળોએ આકાશમાં પડાવ નાંખ્યા બાદ રાત્રિના સમયે ઠંડો પવન ફૂંકાયો હતો.

જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં માવઠાંની મારની વચ્ચે કેટલાક સ્થળોએ કરાનો વરસાદ થતાં ખેતીપાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની દહેશત ઉભી થતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

Gujarat