અનુદાનિત મા. અને ઉ.મા. શાળાના મહિલા કર્મચારીને પ્રસુતિની 180 દિવસની રજા મંજૂર
- નાણા વિભાગના તાજેતરમાં ઠરાવ મંજૂર કરાયો
- બે કે તેથી વધુ જીવીત બાળકો ધરાવતા ન હોય તેવા કાયમી કે હંગામી મહિલા કર્મીને માતૃત્વ રજા મળવાપાત્ર થશે
શિક્ષણ વિભાગની બિનસરકારી અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો તથા સાથી સહાયકો તરીકે માન્ય ભરતી પદ્ધતિ દ્વારા ફિક્સ પગારથી નિમણૂંક પામેલ મહિલા કર્મચારીઓ તેમજ નિયમિત શૈક્ષણિક અને બિનશૈક્ષણિક મહિલા કર્મચારીઓને વર્ષ ૨૦૧૪ના નાણા વિભાગના જાહેરનામા મુજબની તારીખ એટલે કે તા.૧-૧૦-૨૦૧૪ થી ૧૮૦ દિવસની પ્રસુતિ રજાનો લાભ આપવામાં આવેલ છે. આ જોગવાઇ મુજબ જે મહિલા કર્મચારીએ એક વર્ષ કરતા વધારે નોકરી કરી હોય અને જેને એક કરતા વધારે બાળક હયાત ન હોય તેવી મહિલા કર્મચારીને ૧૮૦ દિવસની પ્રસુતિ રજા આપવાની જોગવાઇ થયેલ છે. વિનિયમ ક્રમાંક ૩૦(૬)(ખ) મુજબ પ્રસુતિ રજાના આરંભ પહેલા જે મહિલા કર્મચારીએ બે વર્ષ કરતા ઓછી નોકરી કરી હોય તેને આવી રજા અર્ધા પગારે અને બે વર્ષની અથવા બે કરતા વધારે વર્ષની નોકરી કરી હોય તેને પુરા પગારે પ્રસુતિ રજા મળવાપાત્ર થાય છે. નાણા વિભાગના તાજેતરના ઠરાવથી બે કે તેથી વધુ જીવીત બાળકો ધરાવતા ન હોય તેવા કાયમી તેમજ હંગામી નોકરી પરના મહિલા સરકારી કર્મચારીને નોકરીમાં જોડાયા બાદથી જ તેણી જે તારીખથી માતૃત્વ રજા પર જાય તે તારીખથી એકસો એંસી દિવસના સમયગાળાની માતૃત્વ રજા મળવાપાત્ર થવાનું ઠરાવેલ છે તથા આવી માતૃત્વ રજા તેણીના રજાના હિસાબમાં ઉધારવામાં આવશે નહીં અને તેણીને મળવાપાત્ર રજાનો પગાર, તેને રજા પર જતા તરત પહેલા જે પગાર મળતો હોય તેની બરાબર રહેશે તેવી જોગવાઇ થયેલ છે. જે બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ (ફિક્સ પગાર અને નિયમિત નિમણૂંક)ને લાગુ પાડવાની મંજૂરી આપવામાં આવી છે.