For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

75 લાખનું નકલી બાયોડિઝલ ખાલસા, હવે હરાજીથી ઈન્ડસ્ટ્રીઝને વેંચી દેવાશે

- દરોડા પાડીને સ્થગિત કરાયો હતો 11 વિક્રેતાઓનો જથ્થો

Updated: Nov 25th, 2021

Article Content Image

- જેતપુરનો એક પમ્પ બે વખત ઝપટે ચડી ગયો હતો, રાજકોટ, ગોંડલ, જેતપુર અને જસદણના ધંધાર્થીઓએ કાયદાથી અજાણ હોવાની કરેલી દલીલ ફગાવી દેવાઈ

રાજકોટ


રાજકોટ શહેર- જિલ્લામાં અસલીનાં નામે બનાવટી બાયોડિઝલનું થતું ગેરકાયદે વેચાણ ડામવા હાલ તો છેલ્લા થોડા મહિનાઓથી પોલીસ કે પુરવઠા વિભાગે કોઈ તસ્દી લીધી જ નથી પરંતુ અગાઉ જે ૧૧ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડીને ૭૫ લાખ રુપિયાથી વધુ રકમનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો તે હવે રાજ્યસાત (ખાલસા) કરી દેવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

તપાસણી દરમિયાન જૂન- ૨૦૨૦માં એક જ દિવસે પાંચ સ્થળે, ઓક્ટોબર-નવેમ્બર  અને ડિસેમ્બરમાં એક-એક, ફેબુ્રઆરી-૨૦૨૧માં બે તથા છેલ્લે માર્ચ માસમાં પણ બે પમ્પો ખાતે મળીને કુલ ૨ લાખ ૭૪ હજાર ૨૬૦ લિટર શંકાસ્પદ જથ્થો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન જેતપુરનો એક પમ્પ તો બે વખત ઝપટે ચડી ગયો હતો. આ શક પડતું રાસાયણિક પ્રવાહી કયું છે તે સ્પષ્ટ કરવા નમૂનાં લઈને ફોરેન્સિક લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. 

અસલી (અને ઈકો ફ્રેન્ડલી) બાયોડિઝલ વેચવા માટે પણ બહૂ ઓછા વિક્રેતાઓને અધિકૃત કરવામાં આવ્યા છે ત્યારે અહીં તો તમામ કિસ્સાઓમાં વાહનોમાં મોંઘા ડિઝલનાં વિકલ્પરુપે (અને બાયો ડિઝલનાં નામે) પૂરી  આપવામાં આવેલું પ્રવાહી વાસ્તવમાં ભેળસેળીયું ઈંધણ હોવાનું માલૂમ પડયું હતું અને કહેવાતા વિક્રેતાઓ પાસે તેનાં સંગ્રહ કે વેચાણનું કોઈ લાયસન્સ પણ નહોતું. આથી, તમામ સામે કેસ ચલાવીને તેમનાં ખૂલાસા સાંભળવામાં આવ્યા હતા, જેમાં ધણાંખરાએ કાયદા વિશેની પોતાની અજ્ઞાાનતા વ્યક્ત કરીને એવા પોકળ બચાવ રજૂ કર્યા હતા કે વેચાણ માટે મંજૂરી મેળવવી જરુરી હોય તેની તેમને ખબર જ નહોતી! સુનવણીના અંતે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કુલ રુપિયા ૭૫ લાખ ૪૧ હજાર ૨૨૪ની કિંમતનું નકલી બાયોડિઝલ રાજ્યસાત કરવા નિર્ણય લીધો છે. જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડાએ જણાવ્યું કે આવું પ્રવાહી કેટલીક ઈન્ડસ્ટ્રીઝમાં બળતણ તરીકે વાપરી શકાતું હોવાથી મામલતદાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડનાં અધિકારીઓ એવા વેરીફાઈડ કસ્ટમરને હરાજીથી વેચાણ કરી રકમ સરકારમાં જમા કરાવી દેશે.

કયા ધંધાર્થીનો કેટલી કિંમતનો જથ્થો રાજ્યસાત...

(૧) યોગીરાજ ટ્રેડિંગ (રબારિકા ચોકડી પાસે-જેતપુર)ઃ ૯.૩૮ લાખ.(૨) શ્રી રાજ ટ્રેડિંગ (ગોંડલ- જેતપુર હાઈ-વે,ગોંડલ)ઃ૨૦.૩૦ લાખ.(૩) ગણેશ પેટ્રોલિયમ(રબારિકા ચોકડી પાસે-જેતપુર)ઃ ૧.૫૧ લાખ.(૪) પવન બાયોડિઝલ (કાગવડ ચોકડી પાસે-જેતપુર)ઃ ૨ લાખ અને ૧.૧૬ લાખ.(૫) પરશુરામ એન્ટરપ્રાઈઝ (કાગવડ ચોકડી પાસે-જેતપુર)ઃ ૫.૪૪ લાખ.(૬) દ્વારકાધીશ બાયોડિઝલ પમ્પ (હડમતિયા-ખાંભા,તા.જસદણ) ઃ ૧.૮૦ લાખ.(૭) શિવશક્તિ એન્ટરપ્રાઈઝ (એસ.આર.પી. કેમ્પ- ધંટેશ્વર,રાજકોટ)ઃ ૪.૫૭ લાખ.(૮) કૌશિક બકુત્રા( સાત હનુમાન પાસે, રાજકોટ)ઃ ૩.૬૮ લાખ.(૯) શક્તિ બાયોડિઝલ( કુવાડવા રોડ, રાજકોટ)ઃ ૧૧.૯૦ લાખ.(૧૦) શ્રી હરિકૃપા પેટ્રોલિયમ (માલિયાસણ)ઃ ૭.૧૫ લાખ.(૧૧) ઓમ શક્તિ એન્ટરપ્રાઈઝ (માલિયાસણ)ઃ ૬.૫૦ લાખ. 

Gujarat