For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મુખ્યમંત્રી પટેલ લગ્ન પ્રસંગે આવતા 18 કિ.મી.ના રસ્તા બંધ, લોકો હેરાન

- રાજકોટના 4 પૈકી બે ધારાસભ્યો મુખ્યમંત્રીની સાથે સાથે

Updated: Nov 23rd, 2021

Article Content Image

- કાલાવડ રોડ ,રેસકોર્સ  સહિતના માર્ગો ઉપર ટ્રાફિક  જામ, ૪૦૦  પોલીસ તૈનાતઃ  એરપોર્ટે જનતા જોગ સંબોધન ટાળી સીધા પાર્ટીપ્લોટ ભણી રવાના 

- લોકોમાં કટાક્ષોઃ ખાસ માણસોને નોતરવા હેલીપેડની બાજુમાં જ લગ્ન સમારંભો રાખો કે પાર્ટીપ્લોટ પાસે જ હેલીપેડ બનાવી નાંખો 

રાજકોટ

રાજકોટમાં એરપોર્ટથી આશરે ૧૮ કિ.મી.દૂર  ખીરસરા પાસે પાર્ટી પ્લોટમાં એક સીમેન્ટના ઉદ્યોગપતિને ત્યાં લગ્નપ્રસંગે હાજરી આપવા આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પહોંચતા પોલીસે રેસકોર્સ રીંગરોડ, મહિલા કોલેજ ચોક, કાલાવડ રોડ સહિતના સાંજના સમયે કાયમ અત્યંત ટ્રાફિક જામ રહે છે તેવા માર્ગો એક તરફ બંધ કરાવી દેતા લોકોને હાલાકીમાં ઓર વધારો થયો હતો. 

એરપોર્ટ પર સી.એમ.( એટલે ચીફ મિનિસ્ટર) આવ્યા ત્યારે શહેરમાં પોલીસકર્મીઓ દ્વારા પ્રજાજનો સાથે તોછડાં વર્તન સહિતની ઘટનાઓ અંગે પ્રશ્નો પુછવા સજ્જ થઈને ઉભા રહી ગયા હતા પરંતુ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ લોકજોગ કોઈ નિવેદન કરવાનું ટાળી એરપોર્ટમાંથી સીધા કારમાં જ બહાર નીકળી આશરે સોએક કારના કાફલા સાથે સીધા  પાર્ટીપ્લોટ ભણી રવાના થઈ ગયા હતા. 

રાજકોટ સિટી અને રૂરલ જિલ્લાના ૪૦૦ પોલીસ કાફલાને અન્ય કામગીરી છોડીને રસ્તા બ્લોક કરવા ,બંદોબસ્ત માટે ઠેરઠેર  ઉભા રાખી દેવાયા હતા. સાંજના સમયે લોકો રેસકોર્સ રીંગરોડ પર રોજ  બેસવા જતા હોય છે તેમને પાળી પરથી ઉઠાડાયા હતા.  તો ઓફિસો,કામકાજના સ્થળેથી છૂટીને લાખો લોકો ઘરભણી જવા કાલાવડ રોડના મુખ્ય માર્ગ પરથી પસાર થતા હોય છે. આ માર્ગો પર એક તો બ્રીજના ચાર ચાર કામોને કારણે બંધ કરાયા છે અને હવે વી.આઈ.પી. સિક્યુરિટીના નામ પર વારંવાર બંધ કરાતા લોકોમાં કચવાટ જાગ્યો હતો અને એવા કટાક્ષો થતા હતા ધનાઢ્ય લોકોના લગ્નપ્રસંગે વી.વી.આઈ.પી.ઓ ભલે આવતા હોય, એ પણ વ્યવહારિક માણસો છે પણ આવા લગ્નપ્રસંગો કાં તો હેલીપેડની બાજુમાં યોજવા જોઈએ અથવા જ્યાં યોજાય તે પાર્ટી પ્લોટ પાસે હેલીપેડ ઉભુ કરી દેવું જોઈએ. વી.આઈ.પી.કલ્ચર સામે લોકોમાં પહેલેથી જ રોષની લાગણી છે .

મુખ્યમંત્રીની કારમાં તેમની સાથે  ધારાસભ્ય ગોવિંદ પટેલ, ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણી રહ્યા હતા તો લગ્નસ્થળે મંત્રી જીતુ વાઘાણી, સાંસદ મોહન કુંડારિયા સહિત પાટીદાર નેતાઓની પણ હાજરી હતી. જ્યારે રૂપાણી અને તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ખડેપગે રહેનારા નેતાઓ અદ્રશ્ય હતા. 

Gujarat