For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકોટ જિલ્લાના 4 માર્કેટ યાર્ડના ચેરમેન ચૂંટવા પણ ભાજપ 27મીએ સેન્સ લેશે!

- ભાજપમાં આંતરિક જૂથવાદ અને પદલાલસાનાં પગલે

Updated: Nov 24th, 2021

Article Content Image

- અગાઉ સહકારી સંઘો,યાર્ડમાં રાદડીયાનો સિક્કો ચાલતો, હવે  પ્રદેશ ભાજપ જ કિંગમેકર, ચૂંટાયેલા ડિરેક્ટરોને વ્હીપ અપાશે

રાજકોટ

ધારાસભાની ટિકીટ આપવાની જેમ ભાજપે સૌ પ્રથમવાર હવે માર્કેટ યાર્ડના ચેરમેન કોને બનાવવા તે અંગે પક્ષમાં સેન્સ લેવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી જૂથવાદ, નારાજગી, મામકાવાદ, પદ લાલસાના પગલે સ્થાનિક નેતાગીરી પર નિર્ણય છોડવાને બદલે પ્રદેશ ભાજપે પોતે કમાન સંભાળ્યાનું બહાર આવ્યું છે.

રાજ્ય સરકારે તા.૨ ડિસેમ્બરે જે યાર્ડમાં ડિરેક્ટરોની ચૂંટણી કે બીનહરીફ વરણી થઈ ગઈ છે તેમાં ચેરમેન અને વાઈસ ચેરમેન ચૂંટવા જાહેરનામુ બહાર પાડયું છે. રાજકોટ જિલ્લામાં રાજકોટ બેડી યાર્ડ, ધોરાજી, ઉપલેટા અને જેતપુર એ ચાર માર્કેટ યાર્ડમાં ચેરમેન નક્કી કરવા આગામી તા.૨૭ના ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે તેમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. 

ધારાસભા ચૂંટણીની જેમ આ સેન્સ પ્રક્રિયા માટે પણ અલગ અલગ સમય અપાયો છે, જેમ કે જેતપુર યાર્ડ માટે સવારે ૧૦, ઉપલેટા માટે ૧૦-૩૦, ધોરાજી માટે ૧૧ વાગ્યે અને રાજકોટ યાર્ડ માટે ૧૧-૩૦ વાગ્યે જિલ્લા ભાજપના આગેવાનો રક્ષાબેન બોળિયા, નાગદાન ચાવડા વગેરેની હાજરીમાં સેન્સ લેવાશે. ત્યારબાદ ચેરમેન-વાઈસ ચેરમેનના નામોની યાદી પ્રદેશ ભાજપમાં મોકલાશે અને પ્રદેશ ભાજપ કોને પદ પર બેસાડવા તેઅંગે સભ્યોને વિધિવત્ વ્હીપ આપશે.

અગાઉ, વર્ષોની પરંપરા મૂજબ રાજકોટ જિલ્લાના સહકારી સંઘો, યાર્ડ વગેરેમાં પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સહિતના નેતાઓ નામ નક્કી કરે તેને પદ મળી જતું હતું. આ કારણે રાજકોટ ડેરી, લોધિકા સંઘ વગેરેમાં અણધાર્યા નેતાને પદ મળી ગયા છે. પરંતુ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે આ પ્રથા બંધ કરાવી છે અને હવે પ્રદેશમાંથી જ ચેરમેન બનાવાશે.

Gujarat