For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધો.1 થી 5 ની શાળા શરૂ થયાના ત્રીજા દિવસે હાજરી 93 ટકાએ પહોંચી

Updated: Nov 24th, 2021

Article Content Image

- શાળા શરૂ થયાના પ્રથમ દિવસે 35 ટકા હાજરી હતી

- ભાવનગર, ઘોઘા અને સિહોર તાલુકામાં 50 ટકાના નિયમ પ્રમાણે 100 ટકા વિદ્યાર્થી હાજર

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ધો.૧ થી ૫ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ થયાના પ્રથમ દિવસે વિદ્યાર્થીનો હાજરીનો રેશીયો ૩૫ ટકા હતો જે આજે ત્રીજા દિવસે ૯૩ ટકાએ પહોંચ્યો છે. તો ભાવનગર અને ઘોઘા તાલુકાની સરકારી પ્રા.શાળામાં ૧૦૦ ટકા વિદ્યાર્થીઓ હાજરી આપી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર સહિત બોટાદ જિલ્લામાં ખુલતા દિવાળી વેકેશનથી તા.૨૨ થી ધો.૧ થી ૫નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો હતો. જેના પગલે પ્રા.શાળાનો સ્ટાફ પણ કામે લાગી ગયો હતો અને સંચાલકો દ્વારા રૂમની, શાળા સંકુલની સફાઇ હાથ ધરાઇ હતી. જો કે, પ્રારંભે વાલીઓ પણ પોતાના સંતાનને શાળાએ મોકલતા ગભરાયા હતા પરંતુ જતા દિવસોમાં વિદ્યાર્થીઓની હાજરી વધી જવા પામી છે.

ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાના સત્તાવાર મળેલા આંકડાઓ જોતા શાળા શરૂ થયાના પ્રથમ દિવસે ૩૫ ટકા હાજરી નોંધાઇ હતી. જ્યારે બીજા દિવસે એટલે કે તા.૨૩ના રોજ ૮૧ ટકા હાજરી નોંધાઇ હતી તો આજે ત્રીજા દિવસે ૯૩.૮૭ ટકા હાજરી નોંધાવા પામી છે. આમ દિવસો જતા વાલીઓની માનસિક્તા પણ સુધરી રહી હોવાનું જણાય છે. જ્યારે ભાવનગરના દસ તાલુકામાંથી ભાવનગર, ઘોઘા અને સિહોર તાલુકામાં ૧૦૦ ટકા હાજરી નોંધાવા પામી છે. જે હાજરી ૫૦ ટકાના નિયમ મુજબ આવેલ છે અને આ નિયમ મુજબ શાળાના વિદ્યાર્થીઓને એકાતરે બોલાવવામાં આવતા હોવાનું જણાયું છે. આમ શિક્ષણની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે પરંતુ વિદ્યાર્થીનો અભ્યાસ સતત બે વર્ષ કરતા વધુ સમયથી અટકી પડયો છે ત્યારે તેની શિક્ષણ પ્રત્યેની રૂચીમાં પણ મોટો ગેપ જણાય છે. જે પૂર્વવત થતા પણ ખાસ્સો સમય માંગી લેશે તેવું જણાય છે.

Gujarat