For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજુલામાં સોની વેપારીની આંખમાં મરચાની ભુક્કી છાંટી લુંટનો પ્રયાસ

- સવારે વેપારી દુકાન ખોલતા હતા ત્યારે સોસાયટીનુ સરનામુ પુછી તરકટ રચ્યુ

Updated: Nov 18th, 2021

- વેપારીને છરીનો ઘા ઝીંક્યો : અન્ય વેપારી ભેગા થઈ જતા શખ્સ ફરાર, ધોળા દિવસે બનેલા બનાવના પગલે ચકચાર

રાજુલા

રાજુલામાં જ્વેલર્સ ધરાવતા વેપારી આજે સવારે પોતાની દુકાન ખોલી રહ્યા હતા ત્યારે શખ્સે તેની પાસે આવી સોસાયટીનું સરનામું પુછી વેપારીની આંખમાં મરચુ છાંટી તેની પાસે રહેલ સોના-ચાંદીના દાગીના ભરેલ પાકીટ આંચકી લુટના પ્રયાસ કરતા વેપારીએ તેનો પ્રતિકાર કરતા છરીનો ઘા ઝીંકી દીધો હતો. દરમિયાન વેપારીએ દેકીરો મચાવતા સ્થાનિક વેપારીઓઓ દોડી આવ્યા હતા. જેને લઇ શખ્સ નાસી છુટયો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર રાજુલા શહેરના ઇતડીયા રોડ પર આવેલ ક્રિષ્ના જ્વેલર્સના માલિક પ્રફુલભાઇ ભંડારી આજે ગુરૂવારે સવારે ૮ કલાકના અરસા દરમિયાન પોતાની જ્વેલર્સ આવી શટર ખોલી રહ્યા હતા તે વેળાએ એક શખ્સે તેની પાસે આવી સોસાયટીનું એડ્રેસ પુછ્યું હતું. જેને લઇ વેપારી પ્રફુલભાઇએ તેનું સામું જોતા શખ્સે આંખમાં મરચાની ભુકી છાંટી દઇ વેપારીના કબ્જામાં રહેલ સોનાચાંદીના દાગીના રાખેલ થેલો આંચકી લુંટનો પ્રયાસ કરતા પ્રફુલભાઇએ સમયસુચકતાથી બેગ પકડી રાખી બુમાબુમ કરતા અન્ય સ્થાનિક વેપારીઓ દોડી આવ્યા હતા અને શખ્સના વાળ પકડી ઝપાઝપી કરતા શખ્સે પોતાના કબ્જામાં રહેલ છરી કાઢી બે વેપારીને મારી દઇ ઇજા પહોંચાડી હતી. જોકે સદ્ભાગ્યે બન્ને વેપારીને નજીવી ઇજા પહોંચી હતી. દરમિયાન શખ્સ વેપારીનો થેલો સ્થળ પર જ મુકી અન્ય બાઇક પર રહેલા લુટારૂ સાથે બેસી ફરાર બન્યો હતો. ધોળા દિવસે વેપારી સાથે બનેલા બનાવને લઇ ભારે ચકચાર મચી જવા પામ્યો હતો અને વેપારી આલમમાં કચવાટ જોવા મળ્યો હતો. બાદ આજે સાંજના સુમારે વેપારીઓ પોલીસ મથક દોડી ગયા હતા. જ્યાં પોલીસ સાથે મિટીંગ કરી હતી. જ્યારે રાત્રીના ૯ કલાકના અરસા દરમિયાન સર્વપક્ષીય બેઠક અને વેપારીઓની બેઠક ધર્મશાળાના મેદાનમાં બોલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુલામાં છેલ્લા ૮ દિવસ દરમિયાન રેઇમ્બો સોસાયટીમાં એક જ રાત્રી દરમિયાન ચાર-ચાર મકાનના તાળા તુટયા હતા. જ્યારે ૧ બંધ મકાનમાથી લાખ્ખોની મત્તા ચોરી થવા પામી હતી. ત્યાં આજે વધુ એક લુંટના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો.

Gujarat