For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકોટ જિલ્લામાં સિંહો બાદ દિપડાનાં ધામા, ઉપલેટા પંથકમાં જોવા મળ્યો

- ગોંડલ બાદ હવે જેતપુર તાલુકામાં ત્રણ સિંહો દેખાતા ખેડૂતોમાં ભય

Updated: Nov 24th, 2021

- સિંહોએ જેતપુર નજીક ખારચીયામાં બે સ્થળે મારણ કર્યા, સાજડીયાળીની સીમમાં દીપડાને પકડવા પાંજરુ મુકાયું 

રાજકોટ

રાજકોટ જિલ્લામાં ગોંડલ પંથકમાં દિવાળી બાદ સિંહોએ ત્રણેક સ્થળે મારણ કર્યા બાદ હવે જેતપુર પંથકમાં સિંહોએ ધામ નાખ્યા છે. જેતપુરમાં છેલ્લા ર૪ કલાકમાં બે સ્થળે પશુઓ પર હુમલા કરી મારણ કર્યાની ઘટના સામે આવી છે દરમિયાન ઉપલેટા પંથકમાં દીપડાએ દેખા દેતા તેને ઝબ્બે કરવા વન વિભાગે પાંજરુ મુકયુ છે. 

એક તરફ ખેડૂતો રવિ સિઝનને લઈને સતત વાડી  - ખેતરમાં હોય છે એવા સમયે જ સિંહ અને દીપડાઓ આવી ચડતા ખેડૂતોમાં ફફડાટ ઉભો થયો છે. ગોંડલ પંથકમાં દેરડી, વાંસાવડ બાદ હવે જેતપુર તાલુકામાં ત્રણ સિંહો આવી ચડયા છે. જેતપુરની ભાગોળે પાંચ કિ.મી. દૂર જાનાધાર વાડી વિસ્તારમાં એક ખેડૂતની વાડીમાં બાંધેલા ત્રણ બળદ પર ત્રપ સિંહોએ હુમલો કર્યો હતો અને મારણ કર્યુ હતુ.ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી.  એક નર અને બે માદા સિંહો  વાડી વિસ્તારમાં આંટા - ફેરા કરતા હોવાનું સ્થાનિક લોકોએ જણાંવ્યુ હતુ.  

આ ઘટના બાદ ખારચીયા ગામની સીમમાં એક ગોવાળ આશરે પ૦ બકરાઓને લઈને ચરાવી રહયા હતા ત્યારે સિંહોએ હુમલો કરી ત્રણ બકરાનું મારણ કર્યુ હતુ. ર૪ કલાકમાં સિંહોએ બે મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ઉભો થયો છે. સ્થાનિક ખેડૂતોને સાવધ કરાયા છે. દરમિયાન ઉપલેટાનાં સાજડીયાળીની સીમમાં દીપડો છેલ્લા ત્રણેક દિવસથી ફરી રહયો છે સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરતા દીપડાને ઝબ્બે કરવા પાંજરુ મુકવામાં આવ્યુ છે જો કે દીપડો અન્ય વિસ્તારમાં નીકળી ગયો છેેે. ખૂંખાર દીપડો હુમલો કરવાનાં ડરથી ખેડૂતોમાં  રવિ સિઝન ટાણે ફફડાટ જોવા મળી રહયો છે.

Gujarat