સિહોરના બુટલેગરોનો 16.13 લાખનો વિલાયતી દારૂ ઝડપાયો

Updated: Jan 24th, 2023


- કટિંગ થાય તે પહેલા મોબાઈલ લોકેશનના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દારૂ ભરેલો ટ્રક પકડી પાડયો

- અંગ્રેજી દારૂની 3764 બોટલ, ટ્રક, અલ્ટો કાર, નવ મોબાઈલ ફોન, રકડ, બિલ્ટી, આધારકાર્ડ, લોખંડના પાઈ સહિત 31.13 લાખનો મુદ્દામાલ જપ્ત

સિહોર : સિહોર તાલુકાના જૂના જાળિયા ગામે ડુંગર ખાણ વિસ્તારમાં વિલાયતી દારૂનું કટિંગ થાય તે પહેલા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સુપર્બ ઓપરેશન પાર પાડી ૧૬.૧૩ લાખની કિંમતનો વિલાયતી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો. સિહોરના કુખ્યાત બુટલેગરોએ લોખંડના પાઈપની આડમાં મંગાવેલા વિદેશી દારૂના મસમોટા જથ્થા સાથે સિહોરના બે બુટલેગર ઉપરાંત દિલ્હી અને રાજસ્થાનના પાંચ શખ્સને દબોચી લેવામાં આવ્યા છે. આ તમામ શખ્સોને કોરોના રિપોર્ટ માટે હાલ પોલીસ જાપ્તા હેઠળ નિગરાનીમાં રખાયા છે.

ઘટના સંદર્ભે મળતી વિગતવાર માહિતી અનુસાર સિહોરના કૃષ્ણનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર યોગેશ મહેતા અને ગૌતમેશ્વરનગરનો સુધીર પંડયાએ રાજસ્થાનના બુટલેગર પાસેથી અંગ્રેજી દારૂનો મસમોટો જથ્થો મંગાવી જૂના જાળિયા ગામે ડુંગર વિસ્તારમાં આવેલ ખાણમાં બુટલેગરો દારૂનું કટિંગ કરવાના છે. તેમજ બુટલેગરો હાલ રાજપરા ખોડિયાર મંદિરે દારૂ ભરેલા ટ્રકની રાહ જોઈને બેઠા હોવાની ચોક્કસ બાતમીના આધારે ભાવનગર એલસીબી પીઆઈ પી.બી. જાડવ, પીએસઆઈ કે.એમ. પટેલ, પી.બી. જેબલિયા, બી.એચ. શીંગરખિયા અને ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ગઈકાલે મોડી સાંજે ખોડિયાર મંદિરે ત્રાટકી વાહન પાર્કિંગમાં પાર્ક કરેલી અલ્ટો કાર નં.જીજે.૦૪.સીજે.૧૫૪૩ને કોર્ડન કરી કારમાં બેસેલા યોગેશ બાલકૃષ્ણ મહેતા, સુધીર અશોકભાઈ પંડયા, પવન આહિર અને રાજેશ યાદવ નામના શખ્સોને દબોચી લીધા બાદ ચારેય શખ્સોની આગવીઢબે પૂછતાછ કરવામાં આવી હતી.

જેમાં ચારેય શખ્સો દારૂનું કટિંગ કરવાના હોવાનું અને આઈસર ટ્રક નં.એમએચ.૧૮.બીજી.૭૫૩૫માં ડ્રાઈવર શહેઝાદખાન પ્યારેમિયા નામનો શખ્સ વિલાયતી દારૂનો જથ્થો લઈને આવી રહ્યાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત ટ્રકમાં લોખંડના પાઈપની આડમાં દારૂનો મસમોટો જથ્થો લઈને આવી રહેલા ડ્રાઈવરને ઝડપાયેલો પવન આહિર મોબાઈલ ફોન પર ટ્રક કયાં સ્થળે લઈને આવવાનો છે ? તેનું લોકેશન આપી રહ્યો હોય જેથી ડ્રાઈવરના મોબાઈલ ફોન લોકેશનને ટ્રેસ કરી ક્રાઈમ બ્રાંચે રાત્રિના ૯-૫૫ કલાકે સિહોર તાલુકાના જૂના જાળિયા ગામે ડુંગરના ખાણ વિસ્તારમાં મોબાઈલ લોકોશનના આધારે દરોડો પાડી અંગ્રેજી દારૂની ૩૭૬૪ બોટલ (૩૧૩ પેટી, ૦૮ બોટલ) (કિ.રૂા.૧૬,૧૩,૩૪૦) સાથે આઈસર ટ્રક સાથે ડ્રાઈવરની ધરપકડ કરી પાંચેય શખ્સોને ટ્રક, અલ્ટો કાર, બિલ્ટી, આધારકાર્ડ, લોખંડના નાની-મોટી સાઈઝના પાઈપ નં.૨૭૫, નવ મોબાઈલ ફોન, રોકડ રૂા.૧૩,૮૭૦ સહિતના કુલ રૂા.૩૧,૧૩,૭૧૦ના મુદ્દામાલ સાથે સિહોર પોલીસ મથકે લાવી વધુ પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો રાજસ્થાનના હિસ્સાર ખાતેથી નાસીર નામના બુટલેગરે મોકલ્યો હોવાની કબૂલાત આપી હતી.

જેના આધારે ક્રાઈમ બ્રાંચના પો.કો. બિજલભાઈ કરમટિયાએ નશાબંધી અધિનિયમ-૧૯૪૯ (સુધારો-૨૦૧૬)ની કલમ ૬૫ (એ), ૬૫ (ઈ), ૮૧, ૮૩, ૯૮ (ર), ૧૧૬-બી મુજબ યોગેશ બાલકૃષ્ણ મહેતા (ઉ.વ.૪૩, રહે, પ્લોટ નં.૨૬, કૃષ્ણનગર, જલારામ રેસ્ટોરન્ટની પાછળ, ભાવનગર-રાજકોટ રોડ, સિહોર), સુધીર અશોકભાઈ પંડયા (ઉ.વ.૩૮, રહે, ગૌતમેશ્વરનગર, શેરી નં.૩, સિહોર), પવન રામકુમાર યાદવ (ઉ.વ.૩૮, રહે, જાફરપુરકલા, નવી દિલ્હી-૪૩), રાજેશ મોરારીલાલ યાદવ (ઉ.વ.૪૦, રહે, ખરખડી, જટમલ, દિલ્હી-૪૩) અને ડ્રાઈવર શહઝાદખાન પ્યારેમિયા (રહે, ઈન્દીરા કોલોની, નિમ્બહેરા, ચિત્તોડગઢ, રાજસ્થાન) અને નાસીર (રહે, ઈદગાહ ચોક, છાત્રાલય સામે, નિમ્બહેરા, ચિત્તોડગઢ, રાજસ્થાન) નામના શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. એલસીબીએ ઝડપી લીધેલા સિહોર, દિલ્હી અને રાજસ્થાનના પાંચેય શખ્સને હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કોરોના રિપોર્ટ માટે પોલીસ જાપ્તાની નિગરાનીમાં રાખી આગળની કાર્યવાહી કરી છે. કોરોના રિપોર્ટ બાદ પાંચેય શખ્સની સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

પાઈપની આડમાં આવેલો દારૂ ઉતારવા મજૂરો બોલાવવા પડયાં

સિહોરના જૂના જાળિયા ગામે ડુંગરના ખાણ વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિલાયતી દારૂનો મસમોટો જથ્થો ઝડપી લેવાયા બાદ ચાર બુટલેગર અને લોખંડના પાઈપની આડમાં ટ્રકમાં દારૂનો જથ્થો લઈને આવેલા ડ્રાઈવરને મુદ્દામાલ સાથે સિહોર પોલીસ મથકે લાવવામાં આવ્યા બાદ ટ્રકમાંથી લોખંડના પાઈપ અને બાદમાં વિલાયતી દારૂ ઉતારવા મજૂરોને બોલાવવા પડયાં હતા. જે કામગીરી કલાકો સુધી ચાલી હતી. દારૂની ૧૯૭ પેટી ઉતારી જોતા તે પૈકીની એક પેટીમાંથી બે બોટલ ફૂટી ગયેલી અને બે બોટલ ખાલી મળી આવી હતી.

દિલ્હીના બુટલેગરો હસ્તક દારૂ મંગાવ્યો

સિહોરના બુટલેગર યોગેશ મહેતાએ તેના ભાગીદાર સુધીર પંડયાની સાથે મળી દિલ્હીના બુટલેગરો પવન યાદવ અને રાજેશ યાદવનો સંપર્ક કરી આ બન્ને શખ્સો મારફત રાજસ્થાનના બુટલેગર નાસી પાસેથી દારૂનો મસમોટો જથ્થો મંગાવ્યો હતો. દારૂનું કટિંગ કરવા માટે દિલ્હીના બન્ને બુટલેગર સિહોર આવ્યા હતા અને પવન આહિર ડ્રાઈવર સાથે ફોન પર સતત સંપર્કમાં રહી દારૂ ભરેલો ટ્રક ગાડી કયાં લાવવી ? તે બાબતે ગાઈડ કરતો હતો. વળી, પોલીસને શક ન પડે તે માટે માલ મોકલનાર એ-વન કાર્ગો મુવર્સ, જયપુર સ્ટીલ ટ્રેડર્સ-જયપુર અને માલ લેનાર સિહોરવાલા સ્ટીલ ટ્રેડર્સ-વાઘાવાડી રોડ, ભાવનગરના નામનો સહારો લેવામાં આવ્યો હતો.

મંદિરના પાર્કિંગમાં કાર લઈ બેઠા ને પોલીસ ત્રાટકી

સિહોર અને દિલ્હીના બુટલેગરો ડુંગરના ખાણ વિસ્તારની અવાવરૂ જગ્યામાં દારૂનું કટિંગ કરવાનો પ્રિ-પ્લાન કરીને રાજપરા ખોડિયાર મંદિર ખાતે ટ્રકની રાહ જોઈને બેઠા હતા. અહીં ટ્રકના ડ્રાઈવર સાથે દિલ્હીનો શખ્સ સતત કોન્ટેક્ટમાં રહી સ્થળનું લોકેશન આપી રહ્યા હતા. પરંતુ બુટલેગરોની કારી ફાવે તે પહેલા જ પેટ્રોલીંગમાં રહેલી એલસીબી-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ત્રાટકી ચાર બુટલેગરને રાજપરા ખોડિયાર મંદિરના પાર્કિંગમાંથી કાર સાથે દબોચી લઈ આગવીઢબે પૂછતાછ કરતા દારૂ કટિંગના પ્લાનનો પર્દાફાશ કર્યો હતો.

    Sports

    RECENT NEWS