For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભિખારીના વેશમાં મોડલ બની ઊભેલા કરોડપતિ

Updated: Jun 29th, 2022

Article Content Image

- ઓસ્કાર વાઈલ્ડની વિશ્વવિખ્યાત ટૂંકી વાર્તા 'મિલિઓનેર મોડલ'

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- દાનમાં આપેલી રકમ અનેક ઘણી કરીને કુદરત તમને પાછી આપે છે

- લેખકે કુદરતના વણલખ્યા નિયમને તેમની ટૂંકી વાર્તામાં ચરિતાર્થ કર્યો છે

ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે પન્નાલાલ પટેલ, ધુમકેતુ, ૨.વ. દેસાઇ વિગેરે લેખકોના નામ અત્યંત જાણીતા છે, તેમ વિશ્વ કક્ષાએ ટૂંકી વાર્તા ક્ષેત્રે જાણીતા કેટલાક લબ્ધ પ્રતિષ્ઠિત લેખકોની જાણીતી ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ છે જેનું નામ છે : ''WORLD'S GREATEST SHORT STORIES.''  આ વાર્તા સંગ્રહમાં એક એકથી ચઢિયાતી ૫૮ જેટલી વાર્તાઓ છે, જે વાચકને ક્યારેક હસાવી દે તો ક્યારેક આંખમાં આંસુ લાવી દે છે, કોઇક ટૂંકી વાર્તા વાંચી વાંચક ઉત્સાહથી નાચી ઉઠે તો કોઇ વાર્તા વાંચી તે હતાશાની ગર્તામાં સરી પડે એવી આ વાર્તાઓ છે.

શેક્સપિયર, ટોલ્સ્ટોય, એન્ટોન ચેખોવ, રવિન્દ્રનાથ ટાગોર, દોસ્તોવસ્કી, સમરસેટ મોમ જેવા ટૂંકી વાર્તાના માસ્ટર લેખકોની વાતો તમને જરૂર વિચાર કરતા મુકી દેશે.

આ વાર્તા સંગ્રહની એક સુંદર વાર્તા છે : 'ધ મોડલ મિલિઓનેર.'

કેવળ માનવતાના ધોરણે ; દયાથી પ્રેરાઇને,  નિઃસ્વાર્થતાથી કોઇ દરિદ્રને, કે કોઇ જરૂરિયાતમંદને કરેલી સહાય અનેક ઘણી કરીને કુદરત પાછી વાળે છે, એ મૂળભુત શાસ્ત્રોકત નિયમને ચરિતાર્થ કરતી આ સુંદર અને સચોટ ટૂંકી વાર્તા ઇંગ્લેન્ડના ઓસ્કાર વાઇલ્ડ નામના વિખ્યાત લેખકે લખી છે. એનો સારાંશ....

તમારી ગમે તેટલી ચાર્મિંગ પર્સનાલિટિ હોય, પણ તમે જો ધનિક ન હો તો એનો ખાસ મતલબ નથી રહેતો. પ્રેમમાં પડવાનો વિશેષાધિકાર તો માત્ર ધનવાનને જ હોય છે. આટલું વ્યવહારિક જ્ઞાાન અદના આદમીને હોવું જોઇએ. રોમેન્ટિક બનવું તેમને ના પરવડે; સામાન્યજને તો બે ટંકના ખાવા જેટલી આવક રળવામાં જ ધ્યાન રાખવું જોઇએ.

આજના જમાનાનું આ કડવું સત્ય જો કે હગી એરસ્કીન નામના જવાનિયાની સમજમાં આવ્યું નહોતું. બીચારો હગી..!

બૌધ્ધિક રીતે પણ એ કાંઇ ઝાંઝો હોંશિયાર નહોતો. એના જીવનમાં હજી સુધી તેજસ્વીતાનો એવો કોઇ ચમકારો કોઇને નહોતો જોવા મળ્યો.

પણ એક વાત  નક્કી કે એ જુવાન જબરો દેખાવડો હતો. એની ભૂરી આંખો અને સુંદર રીતે ઓળેલા વાળ અત્યંત આકર્ષક લાગતા હતા.

યુવક-યુવતીઓમાં એ બહુ લોકપ્રિય હતો; પણ તેનામાં એક જ ખામી હતી કે એ પૈસાદાર નહોતો. તેના પિતા તરફથી તેને કોઇ મોટો વારસો મળેલો નહોતો.

પૈસા કમાવા તેણે ઘણી બધી જગ્યાએ હાથ અજમાવ્યા હતા, પણ એકેયમાં તેને સફળતા નહોતી મળી.

તેણે શેર બજારમાં છ મહિના કામ કર્યૂં હતું. શેરોની લે-વેચમાં નસીબ અજમાવવા તેણે બહુ મથામણ કરી પણ આખલા અને રીંછ વચ્ચે આ પતંગિયાનો ગજ ક્યાંથી વાગે? એ પછી થોડો વખત તેણે ટી-મર્ચન્ટનો (ચા વેચવાનો) ધંધો શરૂ કર્યો પણ તેમાંય એ નાસીપાસ થયો. હવે,  હગી દારૂના ધંધામાં પડયો, એને એમ કે આમાં તો નસીબ સાથ આપશે જ પરંતુ એ ધંધામાંય તે કશું ના ઉકાળી શક્યો. 

ઘણાં બધા અલગ અલગ ધંધામાં સમય-શક્તિ ખર્ચ્યા છતાં છેવટે તો એ ઠેરનો ઠેર જ રહ્યો - હસમુખો, અને દેખાવડો ખરો, પણ કામધંધા વગરનો જુવાન.

એના કરમ ફુટલા તે આવી વિષમ સ્થિતિમાં તે એક દેખાવડી યુવતીના પ્રેમમાં પડયો. લોરા મેર્ટોન નામની આ યુવતી નિવૃત્ત કર્નલની પુત્રી હતી. લોરાને એ ગમતો હતો અને એને લોરા ગમતી હતી. લંડનમાં આ બેની જોડી સૌથી આકર્ષક અને સ્વરૂપવાન જોડી હતી. કર્નલને આમ તો હગી ગમતો હતો પણ એની દીકરી સાથે સગપણની વાત કરતો નહોતો.

એક દિવસ તેણે હગીને પોતાની પાસે બોલાવ્યો અને પ્રેમથી કહ્યું, જો દીકરા એક વાત સાંભળી લે, તારી પાસે જે દિવસે ૧૦,૦૦૦ પાઉન્ડ આવે તે દિવસે મારી પાસે આવીને લોરા સાથે વિવાહની વાત કરજે.

ભાવિ સસરાની આવી શરત સાંભળીને હગી   હતાશ થઇ ગયો. નિરાશ વદને લોરા પાસે જઇ તેણે પોતાની હૈયા વરાળ ઠાલવી.

લોરાને મળવા એક દિવસ તે હોલેન્ડ પાર્ક વિસ્તાર કે જ્યાં લોરા રહેતી હતી તે તરફ જતો હતો ત્યાં રસ્તામાં હગીને તેના મિત્ર એલાન ટ્રેવોરની યાદ આવી ગઇ.  એલાન એક અચ્છો પેન્ટર હતો.

બધા કલાકાર હોય છે તેમ એલાન થોડો ધૂની હતો. તેના ચહેરા પર મસા હતા અને દાઢીના વાળ આછા લાલાશ પડતા હતા. તેના ચિત્રો પાછળ લોકો પાગલ હતા અને ચપોચપ તે વેચાઇ જતા હતા.

હગીની ચાર્મિંગ પર્સાનિલિટિના લીધે જ પેન્ટર એલાનને તેની સાથે ફ્રેન્ડશીપ થઇ હતી. તે ઘણી વખત હગીને કહેતો કે પેન્ટરે તો જોવાના ગમે અને જેને જોઇને મન આનંદિત થાય એવા લોકો સાથે જ મિત્રતા રાખવી જોઇએ.

મોહક અને તેજસ્વી યુવાન-યુવતીઓની જ દુનિયામાં બોલબાલા છે, એ તેનું પેટન્ટ વાક્ય હતું. જો કે હગી  સાથે પરિચય વધતા પેન્ટરને તેનો ઉદાર તેમજ ઉત્સાહવર્ધક સ્વભાવ ગમી ગયો હતો અને પછી તો બન્ને વચ્ચે ગાઢ દોસ્તી થઇ જતા હગી ગમે ત્યારે  પેન્ટરના સ્ટુડિયોમાં જતો આવતો થઇ ગયો હતો.

હોલેન્ડ પાર્ક વિસ્તારમાં લોરાને ઘેર જવા નીકળેલો હગી રસ્તામાં એલાનની યાદ આવતા લોરાને મળવાનો વિચાર બાજુએ હડસેલી દઇ પેન્ટર મિત્રના સ્ટુડિઓ તરફ વળી ગયો.

હગીએ તેના સ્ટુડિઓમાં પ્રવેશ કર્યો એ વેળા ફ્રેન્ડ એલાન તેના એક પેઇન્ટિંગને આખરી ઓપ આપી રહ્યો હતો. એક ભિખારીના આદમ કદનું એ ચિત્ર હતું. સ્ટુડિઓના ડાબા ખૂણે ઊભા કરેલા એક પ્લેટફોર્મ પર એ ભિખારી મોડેલ તરીકે ઊભો હતો.

ચીમળાઇ ગયેલા ચહેરાવાળા વૃધ્ધ ભિખારીના ચહેરા પર વૃધ્ધત્વની છાંટ સ્પષ્ટ રીતે વર્તાતી હતી.

જોતા વેંત જ જોનારના મનમાં દયા અને કરૂણાની લાગણી છલકાઇ જાય તેવા એ ભિખારીના ચહેરાના હાવભાવ હતા. તેના ખભા પર મેલોઘેલો ને થીંગડાવાળો ડગલો નાંખેલો હતો, તેના બુટ ફાટેલાતૂટેલા હતા. લાકડીના ટેકે ઊભો રહેલો આ વૃધ્ધ તેના બીજા હાથમાં હેટ રાખી ભીખ માંગતો હોય એવી મુદ્દામાં ઊભો હતો.

ભિખારીને જોતા વેંત જ હગીના મોઢામાંથી ઉદગાર નીકળી ગયા. ''કેટલું જોરદાર આ મોડલ છે...?''

પેન્ટર મિત્રએ જવાબમાં કહ્યું, યસ, જોરદાર મોડલ છે, આ. મને પણ તારા જેવો જ વિચાર આવે છે. આવો ભિખારી કાંઇ રોજ જોવા મળતો નથી. મારા સદનશીબ છે કે મને આવો ભિખારી મળ્યો છે.

હગીએ કહ્યું, 'હા, આ ગરીબ વૃધ્ધનો ચહેરો કેવો દયાજનક છે.'

''તારી વાત સાચી છે. ચહેરા પર સુખની છાયા દેખાતી હોય એવાને કોઇ ભિખારી ન જ ગણે.''

હગીએ પેન્ટર મિત્રને પૂછ્યું, આવા મોડલને એક સિટિંગના તમે કેટલા પૈસા ચુકવો છો?

''એક કલાકનો એક શિલિંગ''

Gujarat